Nurse dayaben chothani 2 edited

સિવિલમાં સતત અને અવિરતપણે કાર્યરત પેરામેડીકલ સ્ટાફની ઉત્તમ કામગીરી: આરોગ્ય કર્મી

Corona Patient Nurse dayaben chothani 1 edited

સિવિલમાં સતત અને અવિરતપણે કાર્યરત પેરામેડીકલ સ્ટાફની ઉત્તમ કામગીરી કોરોનાના દર્દીઓની સારવાર કરવી એ મારા માટે ગર્વની વાત છે આરોગ્ય કર્મી દયાબેન ચોથાણી

અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ

રાજકોટ, ૧૨ ઓક્ટોબર: સમગ્ર રાજ્યમાં કોરોનાને નાથવા આરોગ્યકર્મીઓ દ્વારા સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ કોવિડ-૧૯ હોસ્પિટલમાં ચોવીસ કલાક અવિરત સારવાર અને ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. જેઓની નિઃસ્વાર્થ સેવા અને ફરજનિષ્ઠાને કારણે અનેક સંક્રમિત લોકો કોરોનામુકત બની સ્વગૃહે પરત ફરી રહયાં છે. ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓની સેવા કરીને ગર્વની લાગણી અનુભવતા આવા જ  એક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ફરજનિષ્ઠ આરોગ્યકર્મી દયાબેન ચોથાણી અવિરતપણે તેમની ફરજ બજાવી રહ્યા છે.

Nurse dayaben chothani 2 edited

 દયાબેન છેલ્લા ૨ મહિનાથી રાજકોટ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડના પેરામેડીકલ સ્ટાફમાં કાર્ય કરી રહ્યા છે. પોતાની કામગીરી વિશે જણાવતાં તેઓ કહે છે કે,” મારૂ મુખ્ય કાર્ય અહીં દાખલ થયેલા દર્દીઓની સાર-સંભાળ રાખવાનું છે, જેમાં દર્દીઓને સમયસર દવા, ઉકાળા,  આરોગ્યપ્રદ ભોજન આપવાનું છે,  સાથો સાથ કોરોના વોર્ડમાં દાખલ પ્રત્યેક દર્દીને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય કે કોઈ તકલીફ હોય તો ડોક્ટરને જાણ કરીને તેમની તકલીફ દુર કરીએ છીએ, કોઈ દર્દી શારીરિક રીતે અશક્ત હોય તો અમે તેમને ભોજન પણ કરાવીએ છીએ, હું

દરરોજ અહીં દાખલ થયેલા દર્દીઓ સાથે વાતચીત કરીને તેમને આત્મીયતાસભર હૂંફ પુરી પાડી કોરોના સામે લડવા મક્કમ મનોબળ પુરુ પાડું છું, જેથી તેઓ જલ્દી સ્વસ્થ થઈ કોરોનામુક્ત થઈ શકે, અને આમ કરવાથી દર્દીના સ્વાસ્થ્યમાં જલ્દી સુધારો પણ આવે છે. જ્યારે દર્દીઓ કોરોનામુક્ત બનતા સ્વગૃહે પરત ફરતી વેળાએ ખુશીથી અંતરના આશીર્વાદ આપે છે ત્યારે આનંદ થાય છે કે તેમની સારવારમાં જે મહેનત કરી છે તે વ્યર્થ નથી ગઈ. હું ગર્વ અનુભવું છું કે મને ભગવાને કોરોનાનાં દર્દીઓની સારવાર કરવાનો અવસર આપ્યો છે.”

આમ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દયાબેન જેવા સંનિષ્ઠ આરોગ્ય કર્મયોગીઓની નિ:સ્વાર્થ અને પ્રતિબદ્ધ સેવાથી અનેક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઈને સ્વગૃહે પરત ફરી શકયા છે.

Reporter Banner FINAL 1
loading…