Abhayam Team

૮૫ વર્ષીય વૃદ્ધાને મધરાતે તેમનાં પરિવાર પાસે પહોંચાડતી ૧૮૧ અભયમ ટીમ

Abhayam Team

૮૫ વર્ષીય વૃદ્ધાને મધરાતે તેમનાં પરિવાર પાસે પહોંચાડતી ૧૮૧ અભયમ ટીમ ભૂલી જવાની બીમારી(વિસ્મરણ)થી પીડાતા વૃદ્ધાનું કુટુંબ સાથે કરાવ્યું પુર્નમિલન

અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ

રાજકોટ, ૧૨ ઓક્ટોબર: મધરાતે ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઈનનો ફોન રણકે છે. સામે છેડેથી અવાજ આવે છે, “એક વયોવૃદ્ધ દાદી એકલા બેઠાં છે, તેમનાં ચહેરા પર મૂંઝવણ અને ચિંતાના ભાવ દેખાઈ રહ્યાં છે. લાગે છે કે તેમને મદદની જરૂર છે” ફોન મુક્યો એની ગણતરી મિનિટોમાં ૧૮૧ની ટીમ ત્યાં હાજર થઈ ગઈ. વૃદ્ધ માજી પાસે પહોંચી કાઉન્સેલરશ્રી પિંકીબેન ભટ્ટી અને કોન્સ્ટેબલશ્રી હર્ષાબેને તેમની સાથે વાતચીત કરવાનાં પ્રયાસ કર્યા. પૂછપરછ પરથી ખ્યાલ આવ્યો કે, માજીને પોતાનાં ઘર વિશે કંઈ જ યાદ નથી, તેથી તેમને ભૂલી જવાની (વિસ્મરણ) બીમારી હશે. માત્ર ઘરના અમુક વ્યક્તિઓના નામ સિવાય તેમને કશું જ યાદ નહોતું. તેથી અભયમની ટીમએ તેમને ઘર સુધી પહોંચાડવા અન્ય ઉપાય અજમાવ્યો.

તેમણે માજી બેઠાં હતાં તેની આસપાસના વિસ્તારના લોકોને માજી વિશે પૂછવાનું શરૂ કર્યું. એમાંથી એક સજ્જન વ્યક્તિએ કહ્યું કે, એણે માજીને આ પૂર્વે હુડકો આસપાસના વિસ્તારમાં જોયા હતાં. તરત જ ૧૮૧ની ટીમ માજીને લઈને હુડકો પહોંચી અને તેમનું ઘર શોધવાના પ્રયાસ આદર્યા. માજીના ઘરની બાજુમાં રહેતાં એક વ્યક્તિ તેમને ઓળખી ગયા અને તેમણે માજીના ઘરનું સરનામું આપતાં ૧૮૧ ની ટીમે મધરાતે વયોવૃદ્ધ મહિલાનું તેમનાં પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું. ત્યાર બાદ કાઉન્સેલરે દાદીમાના  પરિવારજનોને કાઉન્સેલિંગ દ્વારા તેમનું ધ્યાન રાખવા સમજાવ્યું.  

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૮૧ અભયમ હેલ્પલાઇન દ્વારા મદદવાંચ્છુ મહિલાઓને ત્વરિત મદદ અને સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે હેલ્પલાઇન નંબર ઉપરાંત એપ્લિકેશન પણ કાર્યરત છે જેની મારફતે પણ અનેક મહિલાઓ તાત્કાલિક મદદ મેળવી શકે છે.  

loading…