Covid Hospital 2

કોરોનાના હોમ આઈસોલેટ દર્દીઓને રાતના ૧૨ના ટકોરે પણ સારવાર આપતા આરોગ્ય કર્મીઓ

Hardik Covid edited

૨૬ વર્ષીય હાર્દિકભાઈ રાજય સરકાર અને આરોગ્ય કર્મીઓને મદદરૂપ થવા પ્રેરક વીડિયો બનાવીને સોશ્યિલ મીડિયામાં કોરોના અંગે જાગૃતિ ફેલાવી રહ્યા છે

અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ

રાજકોટ, ૧૨ ઓક્ટોબર:  “પરિવારમાં એક પછી એક સાતેય સભ્યોની તબિયત બગડવા લાગી. થયું કે કોરોનાના લક્ષણો છે. મમ્મી-પપ્પાની ઉંમરને ધ્યાને રાખીને પરિવારના દરેક સભ્યએ નજીકના આરોગ્ય કેન્દ્રમાં રેપીડ ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો. ટેસ્ટ પોઝીટીવ આવતા ઘરમાં સુવિધા હોવાથી હોમઆઈશોલેટ થવાનું નક્કી કર્યું. અચાનક એક દિવસ મારા ૫૬ વર્ષીય પપ્પાની તબિયત બગડી અને ડોકટર્સને બોલાવ્યા. સમયસર અમારા ઘરે પહોંચીને પપ્પાના આરોગ્યની તપાસ કરી. પરંતુ તે જ્યારે જઈ રહ્યા’તા ત્યારે બોલ્યા કે આ લખી લ્યો મારા મોબાઇલ નંબર, રાતના બાર વાગ્યે પણ જો મારી જરૂર પડે તો વિના સંકોચે બસ ફોન કરી દેજો, હું હાજર હોઈશ. તેમની ફરજ પ્રત્યેની આ પ્રતિબધ્ધતા જોઈને હું અવાક થઈ ગયો. અને થયું કે જ્યાં લગી પૃથ્વીના આ ભગવાનો અમારી સાથે છે તો કોરોના શું, બીજા રોગમાંથી પણ બહાર આવી જશું.” આરોગ્ય કર્મીઓ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યકત કરતા આ શબ્દો છે હાર્દિકભાઈ વઘાસીયાના.

  જસદણમાં ઓઈલ-બોરીંગનો ધંધો કરતાં હાર્દિકભાઈ અને તેનો પરિવાર થોડા સમય પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા. હોમ આઈસોલેશનમાં બે-ત્રણ દિવસ રહેવા છતાં હાર્દિકભાઈ અને તેમના પિતાની તબિયતમાં સુધારો આવ્યો નહોતો. સ્વાસ્થ્ય વધુ ન કથળે તે માટે જસદણ ખાતેની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયાં હતા.

  સરકારી હોસ્પિટલમાં મળેલી સારવાર અંગે પ્રતિભાવ આપતા હાર્દિકભાઈએ જણાવ્યું હતું કે, ” હું જ્યારે ઘરે સ્વસ્થ થઈને પાછો આવ્યો તો મને ઘરે નહોતું ગમતું તેટલું આત્મીયતાભર્યું વાતાવરણ હોસ્પિટલ ખાતે હતું. મેં ખુદ નોંધ લીધી છે કે દર્દીને બાટલો ચડાવવામાં આવે તો ડોકટર દિવસમાં ૪ વાર તેમની નોંધ લેતા. દર્દીઓનું મન સારવારમાં પરોવાઈ રહે, સારી બાબતો મનમાં ઉતરે તે માટે ૧૦૦ જેટલા પુસ્તકો પણ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. આટલું ધ્યાન તો કદાચ પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ નહીં રખાતું હોય.”

 ઘરે આવ્યો ત્યારે થયું કે સરકાર અને આરોગ્ય કર્મીઓને મદદરૂપ થવા માટે કંઈક કરવું જોઈએ. તેથી મેં અને મારા મિત્રોએ સાથે મળીને કોરોનાની જાગૃતિ અને હોસ્પિટલમાં મળતી સુવિધાઓ અંગેનો પ્રેરક વીડિયો બનાવીને સોશ્યિલ મીડિયા પર મુક્યો જેથી કરીને લોકો સરકારના સકારાત્મક પગલાઓથી વાકેફ થાય તેમ હાર્દિકભાઈએ કહ્યું હતું.

Advt Banner Header
loading…