Vadodara Collector visit hospital

જિલ્લા કલેકટરશ્રીએ લીધી પાદરાની મુલાકાત: કૉવીડની સારવાર માટે વધુ એક હોસ્પિટલની આપી મંજુરી

  • ઓકસીજન આપવાની સુવિધા સાથેના ૪૦ સહિત બાવન બેડની આપી મંજુરી: હવે કુલ ૧૨૨ બેડની ક્ષમતા
  • કલેકટરશ્રીની સૂચનાને પગલે કોવીડ કેર સેન્ટરમાં ૩૦ બેડનો કરવામાં આવ્યો વધારો

વડોદરા,૨૫ સપ્ટેમ્બર: જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે આજે પાદરાની મુલાકાત લઈને કૉવિડ સારવારની સુવિધાઓને વ્યાપક બનાવતા નિર્ણયો સ્થળ પર જ લીધા હતા અને તેના ત્વરિત અમલની સૂચનાઓ આપી હતી. તેમણે પાદરા ખાતેની કૉવિડ સારવાર માટેની માન્ય હોસ્પિટલોની સંખ્યામાં,બેડની સંખ્યામાં અને કૉવિડ કેર સેન્ટર ખાતે ઉપલબ્ધ બેડની સંખ્યામાં વધારાના નિર્ણયોનો ત્વરિત અમલ કરાવ્યો હતો.

તેમની આ મુલાકાતના પગલે કૉવીડ સારવાર માટે હાલમાં પાદરાના માન્ય દવાખાનાઓમાં ઉપલબ્ધ ૭૦ બેડની સંખ્યા વધીને ૧૨૨ બેડની થઈ છે.૫૨ નવા વધારવામાં આવેલા બેડમાં ૪૦ બેડ ઓકસીજન આપવાની સુવિધા ધરાવે છે. એક નવી હોસ્પિટલને સારવાર માટે મંજુરી આપવાની સાથે વધુ એક હોસ્પિટલમાં ત્રણ દિવસમાં તમામ તૈયારીઓ પૂરી કરી, હોસ્પિટલમાં સારવાર ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું હતું. જ્યારે એક હયાત હોસ્પિટલમાં પથારીની સંખ્યા વધારવા મંજુરી આપી હતી.

loading…

આમ,પાદરામાં હવે માન્ય હોસ્પિટલો ની સંખ્યા વધીને પાંચ થઈ છે. પાદરામાં ૧૫ બેડ સાથે કૉવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું અને કલેકટરશ્રીની સૂચના થી બેડની સંખ્યા વધારીને ૩૦ કરવામાં આવી હતી.આજે તેમણે મુલાકાત સમયે આ બેડની સંખ્યામાં વધુ ૩૦નો વધારો કરાવ્યો હતો.તેના પગલે હવે બેડ ક્ષમતા વધીને ૬૦ થઈ છે.
જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું કે આ સમગ્ર આયોજન આગોતરી તકેદારીના ભાગ રૂપે કરવામાં આવ્યું છે જેથી આગામી સમયમાં લોકોને સરળતા થી પાદરા ખાતે જ સુવિધા મળી રહેશે.