Aagthana police chaowky

ડીસાના સરતની ગૌચરની જમીન બનાવટી હુકમથી મંડળીને પધરાવી

Aagthana police chaowky

ટી. ડી. ઓ. દ્વારા તત્કાલીન નાયબ પશુ પાલન અધિકારી સામે ફરીયાદ દાખલ

અહેવાલ: ભરત સુંદેશા, બનાસકાંઠા
બનાસકાંઠા, ૨૮ જાન્યુઆરી
: ડીસા તાલુકાના સરત ગામની સહકારી મંડળીને ગેરકાયદેસર રીતે ગૌચરની જમીન ફાળવી દીધાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જે મામલો ડીસા કોર્ટમાં ગયા બાદ બનાસકાંઠા જિલ્લા પંચાયતે વહીવટ તપાસ કાર્યવાહી યથાવત રાખી હતી. સમગ્ર ઘટનાક્રમમાં હવે તત્કાલીન અધિકારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો હુકમ થયો હતો. આથી ડીસા ટીડીઓએ બનાવટી કાગળો બનાવી ગેરકાયદે હુકમ કરનાર સસ્પેન્ડેડ નાયબ પશુપાલન નિયામક વિરુદ્ધ આગથળા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.

Whatsapp Join Banner Guj

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સરત ગામે સરકારી જમીનની ગેરકાયદેસર ફાળવણીની ઘટના બની હતી. વર્ષ ૨૦૧૯ દરમ્યાન બનાસકાંઠા જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડો. શશીકાંત ડાહ્યાલાલ પટેલે સરત ગામની ધી સરત સામુદાયિક સેવા સહકારી મંડળીને ખોટાં કાગળો બનાવી ગૌચરની જમીન આપી દીધી હતી. અદ્દલ સરકારી જેવા કાગળો ઉભા કરી સત્તા બહાર જઈ અધધધધ ૨૦ હેક્ટર ગૌચર જમીન આપી હતી. ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની કચેરીના બનાવટી હુકમ તૈયાર કરી બાગાયતી અને ફળફળાદી માટે મંડળીને જમીન ફાળવી દીધી હતી. જેની વિગતો સામે આવતાં ખાત્રી કરાવતાં જિલ્લા પંચાયત અને ગૌચર બોર્ડના અધિકારીઓ ચોંકી ગયા હતા. તપાસ કાર્યવાહીને અંતે જિલ્લા પંચાયતે કબ્જો છોડાવવા મહેનત કરી પણ મામલો કોર્ટમાં પહોંચી ગયો હતો. આ તમામ ગતિવિધિઓ વચ્ચે બનાસકાંઠા ડીડીઓ દ્વારા આદેશ થતાં ડીસા ટીડીઓ ભૂપેન્દ્ર સોલંકીએ તત્કાલીન પશુપાલન અધિકારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

આ પણ વાંચો…આદિવાસી વિસ્તારમાં ડેમ હોવા છતાં આદિવાસીઓને પીવાનું પાણી નથી મળતું