પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના આક્ષેપોનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રીશ્રી


ભાજપાએ કોઇ ઊદ્યોગપતિની લોન-દેવા માફ કર્યા જ નથી –કૌભાંડ આચરનારાઓને આકરી સજા કરી છે

inshot 20200502 0014401614379891051291860808
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના આક્ષેપોનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રીશ્રી


……
ખેડૂતોને આવા વાહિયાત નિવેદનોથી ગરેમાર્ગે દોરવાનું કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બંધ કરે
……
કોરોના ટેસ્ટ ઓછા થવાની સુફિયાણી સલાહ આપતાં પહેલાં કોંગ્રેસ અને તેના સાથીઓ પક્ષોના રાજ્યોની ટેસ્ટ સંખ્યાના આંકડા જોઇ લેવા જોઇએ-અમારે સલાહની જરૂરત નથી :- ગૃહ રાજ્યમંત્રીશ્રી
……
ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર કરેલા આક્ષેપોની આકરી આલોચના કરતાં જણાવ્યું છે કે, હાલની કોરોના વાયરસની સ્થિતીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને જુઠ્ઠાણાનો વાયરસ લાગી ગયો હોય તેમ તેમના બાલિશતા ભર્યા અને સત્યથી વેગળા નિવેદનોથી સ્પષ્ટ થાય છે.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણની આ સ્થિતીમાં લોકોને મદદરૂપ થવા અને જનજાગૃતિના કામોમાં સહયોગ આપવાને બદલે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નિવેદનીયા રાજકારણના આટાપાટા ખેલવામાં વ્યસ્ત છે.
ગૃહ રાજ્યએ ઉમેર્યુ છે કે, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે એક વાત સમજી લેવી જોઇએ કે ભારતીય જનતા પાર્ટીની સરકારે કોઇ ઊદ્યોગપતિઓની લોન માંડવાળ કે માફ કરી જ નથી. ઉલ્ટાનું આવા કૌભાંડીઓ જેમણે બેન્કોના પૈસા ડુબાડયા છે તેમની સામે કડક કાર્યવાહિ કરી છે.
એટલે રાજ્યના ખેડૂતોને ઊદ્યોગપતિઓની લોન માફ કરવાની ખોટી વાતોથી ગેરમાર્ગે દોરવાનું પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બંધ કરે.
ગુજરાતના ખેડૂતો હવે કોંગ્રેસને સારી રીતે ઓળખી ગયા છે એટલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની આ નિવેદનજીવી ભ્રમજાળમાં ભરમાશે નહી જ એમ પણ તેમણે કહ્યું હતું.
શ્રી. જાડેજાએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ કરવાના જે આંકડાઓ આપ્યા છે તેને મનઘડંત અને તેમના જ ભેજાની ઉપજ ગણાવ્યા છે.
તેમણે આ અંગે જણાવ્યું કે, શ્રી અમિત ચાવડાના કહેવા મુજબ રાજ્યમાં રોજના ૧૩૦૦ જ ટેસ્ટ થાય છે. પરંતુ હકિકત એ છે કે રાજ્યમાં ૧૦ લાખની વસ્તીએ રોજના ૩ હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવે છે.
ગૃહ રાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષને એ વાતનું જ્ઞાન છે ખરૂં કે તેમના કોંગ્રેસ પક્ષના વ્હાલા રાજ્યોની જો સ્થિતી જોઇએ તો દસ લાખની વસ્તીએ છત્તીસગઢમાં રોજના પ૭ર, પશ્ચિમ બંગાળમાં ૧૬૭, તેલંગાણામાં ૪૯પ અને કેરાલામાં ૬૮૦ તથા પંજાબમાં ૭૧૧ ટેસ્ટ થાય છે.
આ સંખ્યા તો ગુજરાત કરતાં જોજનો દૂર છે એટલે ટેસ્ટ અંગેની સુફિયાણી સલાહ ગુજરાતને આપવાને બદલે પોતાના પક્ષના રાજ્યોને આપે. અમારે એમની સલાહની જરૂર નથી એમ પણ ગૃહ રાજ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે.