councellors team3 2

રાજકોટમાં કોરોનાના દર્દીઓને મનોવૈજ્ઞાનિક હૂંફ પુરી પાડતી કાઉન્સેલિંગ ટીમ

councellors team3 2

કોવીડ હોસ્પિટલમાં દર્દીઓને માનસિક સધિયારો પૂરો પાડવાની સાથે દર્દીઓના પરિજનો અને ડોક્ટર્સ વચ્ચે સેતુરૂપ કાર્ય કરતી કાઉન્સેલર્સ બ્રિગેડ

કંટ્રોલરૂમ અને હેલ્પડેસ્ક સેન્ટર દ્વારા દર્દીઓ સાથે વિડીયો કોલિંગ અને જરૂરી સામાનની આપ-લેની સેવા અવિરત ચાલુ

અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ

રાજકોટ,૨૬ઓક્ટોબર:કોવીડ હોસ્પિટલમાં દાખલ થતા કેટલાક દર્દીઓ જીદ કરે કે મારે ઘરે જ જવું છે, અહીં ગમતું નથી, હું અહીં રહી શકીશ નહીં, અહીં સારવાર લેવી નથી… આવા દર્દીઓ ઘર પરિવારથી દૂર હોઈ તેઓ માનસિક રીતે નબળા પડી જતા હોય છે.આવા દર્દીઓને સમજાવવા,  મનાવવા અને તેમને ધરપત આપી એક પરિવારના સભ્યની જેમ તેમને સતત હૂંફ આપવાનું  કામ  કરે છે રાજકોટ  કોવીડ હોસ્પિટલમાં કાર્યરત કાઉન્સેલર્સની ટીમ.

કોરોનાના ગંભીર દર્દીઓને સિવિલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે દર્દીઓ અને તેમના પરિવારજનોને મુજવણ થતી હોઈ છે. ડોક્ટર્સ અને સિવિલ સ્ટાફ દર્દીઓની સારવાર કરે તે દરમ્યાન દર્દીઓને કાઉન્સેલિંગની સુવિધા વિશેષરૂપે સિવિલ દ્વારા ઉભી કરવામાં આવી છે. જેના માટે કાઉન્સેલર્સની ખાસ બ્રિગેડ તૈયાર કરવામાં આવી છે, જે દર્દીઓ, તેમના પરિવારજનો અને ડોક્ટર્સ ટીમ સાથે જરૂરી માહિતીનું આદાન-પ્રદાન કરી સેતુરૂપ કામગીરી કરી રહી છે.         

whatsapp banner 1

દાખલ થયેલા દર્દીઓની સાથોસાથ તેમના પરિજનો પણ સતત તેમના સ્વજનની ચિંતા કરતા હોઈ તેઓ ફોન થી કે રૂબરૂ હેલ્પ ડેસ્ક અને કંટ્રોલ રૂમ ખાતે સતત ખબર અંતર પૂછતાં રહે છે. દર્દીઓની સાથે તેઓ વાતચીત કરવા માંગતા હોઈ છે. તેમજ દર્દીઓની જરૂરિયાતની વસ્તુ, દવા પહોંચાડવા કહે ત્યારે અમારી ટીમ હોસ્પિટલની અંદરથી તેઓને મદદરૂપ બનતી હોવાનું કાઉન્સેલર ટીમ ઇન્ચાર્જ ડો. ભૂમિ જણાવે છે. 

councellors team3 1

ડો. ભૂમિ જણાવે છે કે, ખાસ કરીને મોટી ઉંમરના દર્દીઓ, ડાયાબિટીસ કે બીપીના દર્દીઓ ગંભીર હોઈ ત્યારે તેમને માનસિક સધિયારો પૂરો પાડી તેઓ જલ્દીથી સાજા થઈ જશે તેવા હકારાત્મક વિચારો, વાતચીત કરી તેમને અમારી ટીમ સતત વ્યસ્ત રાખે છે. અમે દર્દીને તેમના પરિવારજનો સાથે વિડીયો કોલિંગ કરી આપી તેઓ સ્વસ્થ થઈ રહ્યાનું જણાવીએ છીએ. દર્દીઓને કોઈ ફરિયાદ હોઈ, દવા વિષે વાતચીત કરવી હોઈ તો તે પણ અમે ડોક્ટર્સ અને તેમની ટીમને માહિતી પુરી પાડીએ છીએ.

દર્દીઓ અંગે તેમના પ્રતિભાવ આપતા ડો. ભૂમિ જણાવે છે કે એક મોટી ઉંમરના દાદી અહીં દાખલ થયેલા હતા, તેમના પતિ દિવસમાં ૫ થી ૬ વાર વિડીયો કોલિંગ કરી એક બીજાના સંપર્કમાં રહી ખબર અંતર પૂછતાં રહેતા હતા. તેમને એકબીજાની હૂંફ મળી રહે તે માટે અમે પણ દિલથી તેમને મદદરૂપ બનતા.

કાઉન્સેલિંગ ટીમના અન્ય સભ્ય કાનાભાઇ જણાવે છે કે, મોટી ઉંમરના એક દર્દી જેઠાભાઇ દાખલ થયાના દિવસથી જ ઘરે જવાની જીદ પકડીને બેઠા હતા. તેમના ઘરના સભ્યોને પણ મને અહીંથી લઈ જવાની વાત ફોનમાં કરતા. આવા સમયે અમે લોકો તેમને કહેતા કે એક બે દિવસમાં થોડું સારું થઈ જાય એટલે રજા આપી દેશુ. આ રીતે તેમને મનાવતા તેઓ ધીરે ધીરે અમારા પર ભરોસો કરવા લાગ્યા અને સંપૂર્ણ સારવાર પુરી કરી તેઓ અહીંથી ડિસ્ચાર્જ થયા ત્યારે ખુશી સાથે બધાનો ખુબ આભાર માન્યો હતો.

કહેવાય છે કે દર્દીને માનસિક ધરપત મળી જાય તો અડધી બીમારી દૂર થઈ જાય છે. કોવીડ હોસ્પિટલમાં દર્દી દાખલ થાય ત્યારથી છુટા થાય ત્યાં સુધી પી.પી.ઈ. કીટ પહેરી સુનિતા પરમાર, જોગીતા ઘરાડી, હિરવા રાઠોડ સહીત કાઉન્સેલિંગ  ટીમના અન્ય સભ્યો દર્દીઓને સમજાવવા,  મનાવવા અને માનસિક સધિયારો પૂરો પાડી મનોવૈજ્ઞાનિક નિદાનની ચાવી રૂપી ભૂમિકા ભજવી રહ્યા છે.

******** 

loading…