Manish

ભાજપા સરકાર અને મુખ્યમંત્રીશ્રી સુશાસન દિવસે હિસાબ આપવાને બદલે આક્ષેપોની રાજનીતિ અંગે જવાબ આપતા: ડૉ. મનિષ દોશી

whatsapp banner 1

અમદાવાદ, ૨૫ ડિસેમ્બર: ભાજપા સરકાર અને મુખ્યમંત્રીશ્રી સુશાસન દિવસે હિસાબ આપવાને બદલે આક્ષેપોની રાજનીતિ અંગે જવાબ આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ખેડૂત, ખેતી અને ભારતને નુકસાન કરતા કાળા કાયદા માટે કોરોના મહામારીમાં જ કેન્દ્ર સરકાર કેમ વટહુકમ લાવી ? દેશના ખેડૂતોને કાળા કાયદાના ફાયદા સમજાવવા ૭૦૦ કરોડ રૂપિયાની જાહેરાતો – સંમેલનો યોજી પ્રચાર કરનાર ભાજપા સરકારે ખેડૂતો અને ખેડૂત સંગઠનો, રાજ્ય સરકારો સાથે વટહુકમ લાવતા પહેલા કેમ વાતચીત ના કરી ? સમગ્ર દેશમાં ખેડૂતો કે વેપારીઓની માંગણી કરી ન હોવા છતા મોદી સરકાર આવો કાયદો શા માટે લાવી ? એ.પી.એમ.સી.નું માળખુ ખતમ થઈ જશે. બે મોઢાની વાત કરીને સરકાર ખેડૂતો સામે રમત રમી રહી છે.

મોદી સરકારે કાળા કાયદા ઘડીને દેશના અન્નદાતા અને ભાગ્યવિધાતા કિસાન અને ખેતમજદુરો ની કાળી મહેનત અને પરિશ્રમને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે રાખીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું એક ધૃણાસ્પદ ષડયંત્ર રચ્યું છે. ત્યારે ખેડૂત, ખેતી અને ભારતને બચાવવા કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદા પાછા ખેંચી તાત્કાલિક રદ કરવા જોઈએ. ગુજરાતના ખેડૂતોની આવક માથાદીઠ ૩૫૦૦ રૂપિયા અને દરેક ખેડૂત ઉપર ૨૮,૬૬૭ રૂપિયાનું દેવું છે. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં દેવામાં સતત વધારો થઈ રહ્યો છે. મંદી, મોંઘવારી અને મહામારીમાં સપડાયેલા ખેડૂત અને સામાન્ય – મધ્યમવર્ગના નાગરીકો ભાજપ સરકારની નીતિથી આર્થિક હાલાકીનો પારાવાર સામનો કરી રહ્યાં છે. રાજીવજીના સમયમાં કોંગ્રેસપક્ષની સરકારે દેશના ખેડૂતો માટે સરકારી વિમા કંપની એગ્રીકલ્ચર ઈન્સ્યોરન્સ કોર્પોરેશનની સ્થાપના કરી સમગ્ર વ્યવસ્થા ઉભી કરી. કેન્દ્રની ભાજપા સરકારે ખાનગી વિમા કંપનીઓને કરોડો રૂપિયાનો નફો કરાવવા પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના દાખલ કરીને લુંટના પરવાના આપ્યાં જે ખેડૂતો માટે ‘ખેડૂત ફસાજા યોજના’ બની ગઈ.

ગુજરાતમાં નર્મદાના મુદ્દે ક્યારેય પણ રાજકારણ કરવામાં આવતું નથી, કોંગ્રેસ હોય કે અન્ય પક્ષ હોય, ૨૦૦૧ પછી ભાજપાએ નર્મદા યોજનાને રાજનીતિનો મુદ્દો બનાવ્યો. વર્ષ ૨૦૦૧ થી ૨૦૨૦ સુધી ૪૦,૦૦૦ કિ.મી. કરતા વધુનું માઈનોર અને મેજર કેનાલ નેટવર્ક ન કરીને ભાજપા સરકારે ગુન્હાહીત બેદરકારી દાખવી તે અંગે મુખ્યમંત્રીશ્રી કેમ મૌન છે ? ગુજરાત માનવ સુચક આંકમાં નવમાં ક્રમાંકે થી એકવીસમાં ક્રમાંકે ધકેલાઈ ગયું તે માટે મુખ્યમંત્રીશ્રી કેમ મૌન છે ? ગુજરાતના ગરીબ – શ્રમિક – સામાન્ય – મધ્યમવર્ગના બાવન લાખ બાળકો મધ્યાહનથી વંચિત રહ્યાં તે માટે મુખ્યમંત્રીશ્રી કેમ જવાબદારી સ્વિકારતા નથી ? ગુજરાતમાં કોરોના કાળમાં ૨૧ ટકા નાગરિકોને ભુખ્યા સુવુ પડે તે અંગે મુખ્યમંત્રીશ્રી કેમ મૌન છે ? ગુજરાતમાં પાણીના વિતરણ અને પાણીના આયોજન માટે ‘વોટર પોલીસી’ નથી તે અંગે મુખ્યમંત્રીશ્રી કેમ મૌન છે ? સર્વોચ્ચ અદાલતે વારંવાર આદેશ આપ્યાં છતાં ગુજરાત સરકારે કૃષિ નીતિ માટે કેમ સોગંદનામું રજુ કરતા નથી ? ગુજરાતમાં દર દસ માંથી આઠ બાળકો કુપોષણનો ભોગ બને તે અંગે મુખ્યંમત્રીશ્રી કેમ મૌન છે ? પાણીની પાઈપલાઈનો ભાજપાની ભ્રષ્ટાચાર વહન માટેની ‘ધનસંગ્રહ યોજના’ બની ગઈ છે તે માટે મુખ્યમંત્રીશ્રી કેમ મૌન છે ?

ગુજરાતમાં દારૂબંધી કાગળ ઉપર અને રોજ કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઠલવાય તે માટે ગૃહમંત્રીશ્રી તરીકે વિભાગ સંભાળતા રાજ્યના મુખ્યમંત્રીશ્રી કેમ મૌન છે ? ગુજરાતમાં છ હજાર જેટલી સરકારી શાળાઓને તાળા મારી ગ્રામ્ય વિસ્તારના બાળકોનો શિક્ષણનો અધિકાર છીનવાઈ રહ્યો છે ત્યારે મુખ્યમંત્રીશ્રી કેમ મૌન છે ? ગુજરાતમાં વારંવાર બનતા ઔદ્યોગિક અકસ્માતોમાં ભોગ બની રહેલ માનવ જીંદગી અંગે મુખ્યમંત્રીશ્રી કેમ મૌન છે ? અમદાવાદ અને રાજકોટ કોવીડ હોસ્પિટલોમાં આગના ભડથુ થઈ જીંદગી ગુમાવનારને ન્યાય મળે તે અંગે મુખ્યમંત્રીશ્રી કેમ મૌન છે ?

કોરોના મહામારીમાં પણ ડુપ્લીકેટ સેનેટાઈઝર, માસ્ક, દવા, ઈન્જેક્શન, વેન્ટીલેટર સહિતના બેફામ લુંટ, કાળાબજાર સહીતની અનેક ફરીયાદો છતાં મુખ્યમંત્રીશ્રી કેમ મૌન ? કોરોના મહામારીમાં દાખલ દર્દીની સંખ્યા, ઉપલબ્ધ બેડની સંખ્યા, ટેસ્ટીંગ અને મોતના આંકડામાં વ્યાપક વિસંગતતા – જુઠ્ઠાણાં અંગે મુખ્યમંત્રીશ્રી કેમ મૌન ?

loading…