Vaccine welcome Rajendra Trivedi

પૂણેના સિરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા ખાતેથી કોરોનાની કોવિશિલ્ડ વેકસીનના ૯૪,૫૦૦ જેટલા ડોઝ વડોદરા લવાયા

  • વડોદરાથી પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લાને વેકસીન મોકલવામાં આવશે
  • વેકસીનને વેલકમ’ કરવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી સહિતના મહાનુભાવો હાજર રહ્યા
  • વડોદરાના વેક્સિન ઇન્સ્ટીટ્યુટ ખાતે કોવિશિલ્ડ રસીને ૨ થી ૮ ડિગ્રીના તાપમાને શીતાગાર કેન્દ્રમાં રખાશે
  • નાગરિકોને કોરોના વેકસીનને સહજ રીતે સ્વીકાર કરવા અનુરોધ કરતા ગુજરાત વિધાનસભાના શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી

પૂણેના સિરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા ખાતેથી વાહન માર્ગે ખાસ વેનમાં કોરોના પ્રતિરોધી કોવિશિલ્ડ વેકસીનના ૯૪,૫૦૦ જેટલા ડોઝ વડોદરાના વેકસીન ઇન્સ્ટિટયૂટ લાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભારતીય પરંપરા અનુસાર કંકુ ચોખાનો ચાંદલો કરી અને શ્રીફળ વધેરી વેકસીનના વધામણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વધામણા કરવામાં આવ્યા હતા.

Whatsapp Join Banner Guj

વડોદરા, ૧૩ જાન્યુઆરી: ચાઇનીઝ કોરોનાએ સહુને ખૂબ હેરાન કર્યા છે ત્યારે તેના નિવારણ માટેની રસીનું આગમન એ ખૂબ અદભૂત ઘટના છે એવી લાગણી સાથે વડોદરા શહેર અને જિલ્લા તેમજ મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓ માટે રસીના જથ્થાને આવકારતા રાજ્ય વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે ભારત ના વિજ્ઞાનિકોએ ઓછા માં ઓછા ખર્ચે વિશ્વની સહુ થી સસ્તી રસી બનાવીને આત્મ નિર્ભર ભારતનો પુરાવો આપ્યો છે તો પ્રધાનમંત્રીશ્રીના યશસ્વી નેતૃત્વ હેઠળ ભારત સરકારે રસીના વિતરણ અને રસીકરણની વિરાટ વ્યવસ્થા રાજ્ય સરકારોના સહયોગથી ગોઠવીએ રાષ્ટ્રીય એકતા અને એકસૂત્રતા ની ભગીરથ કવાયત છે.ગુજરાતમાં રસી વિતરણની અને રસીકરણની સુચારુ વ્યવસ્થા ગોઠવવા માટે હું રાજ્યના મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને સમગ્ર તંત્રને અભિનંદન આપું છું.કોરોના સંકટના સફળ મુકાબલા માટે રાજ્ય સરકારે ગોઠવેલી વ્યવસ્થાઓને અદાલતો એ પણ બિરદાવી છે. કોરોના એ સદીની સહુથી વિચિત્ર બીમારી છે એવી લાગણી વ્યક્ત કરતાં અધ્યક્ષશ્રી એ જણાવ્યું કે રાજ્યમાં તેની રસી નું વિતરણ યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજી ના જન્મ દિવસ થી શરૂ થયું એ સુભગ સંયોગ છે.

Vaccine welcome Vadodara

આ રસીને 8 ડિગ્રી જેટલા નીચા તાપમાને સાચવવી જરૂરી છે એવી જાણકારી આપતાં રાજેન્દ્રભાઇ એ જણાવ્યું કે રાજ્ય માટે ગોદરેજ કંપનીએ આવી સાચવણી શક્ય બનાવતા 168 ફ્રીઝ પૂરા પાડી સામાજિક જવાબદારી નો દાખલો બેસાડ્યો છે.તાપમાન ની જાળવણી નું મોનીટરીંગ ગાંધીનગર થી સમગ્ર રાજ્યમાં થઈ શકે છે.ભારત પાસે સફળ રસીકરણ અભિયાનનો અનુભવ છે જે કોરોના રસીકરણ ની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં ખૂબ ઉપયોગી નીવડ્યો છે.
વૈજ્ઞાનિકો એ ખૂબ જટિલ પ્રક્રિયાઓ કરીને,અઘરાં પરીક્ષણો કરીને વિકસાવેલી આ રસી માં કોઈએ અવિશ્વાસ રાખવાની કોઈ જરૂર નથી.રસીકરણ નું સમગ્ર આયોજન એ પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિ દર્શાવે છે.આ રસી પર અગ્ર હરોળના લડવૈયાઓ ના પ્રથમ અધિકારને સ્વીકારવામાં આવ્યો છે. ઘણાં લોકોએ એના પરીક્ષણો માં હિંમતપૂર્વક સહભાગી બની એની સલામતી પુરવાર કરવામાં સહયોગ આપ્યો છે ત્યારે સહુ રસી લઈને કાર્યક્રમના અમલને સરળ બનાવે.

Vaccine transport 2

આ તકે આરોગ્ય અને તબીબી સેવાના વિભાગીય નાયબ નિયામક શ્રી રાજેન્દ્ર પાઠકે જણાવ્યું કે, પૂણેના સિરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા ખાતેથી વાહન માર્ગે ખાસ વાહનમાં કોવિશિલ્ડ વેકસીનના ૯૪,૫૦૦ જેટલા ડોઝ વડોદરાના વેકસીન ઇન્સ્ટિટયૂટ લાવવામાં આવ્યા છે. આ વેકસીનની જાળવણી માટે તમામ તૈયારીઓ કરવા આવી છે. વેકસીનને રાખવા માટે ૨ થી ૮ ડિગ્રી તાપમાને રાખવા માટે વોક ઈન કુલર, રેફ્રીજેરેટર, કોલ્ડ બોક્સ સહિતની જરૂરી તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આ વિકસીન વડોદરા જિલ્લા-શહેર ઉપરાંત અહીંથી પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા અને મહીસાગર જિલ્લાના નોંધાયેલા હેલ્થ વર્કર્સને વેકસીન આપવા માટે રસી મોકલવામાં આવશે. જે પૈકી મહાનગરપાલિકાના ડ્રિસ્ટીબ્યુશન સેન્ટર ખાતે વેક્સીન આજથી મોકલી દેવામા પણ આવી છે.

કોવિશિલ્ડ વેકસીનના આગમન વેળાએ ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ સુખડીયા, સીમાબેન મોહિલે, મનીષાબેન વકીલ, કલેક્ટર શાલિની અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી પી. સ્વરૂપ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરી, પૂર્વ મેયર શ્રી ભરત ડાંગર, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટીલાવત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…વિશ્વનું સૌથી મોટું રસીકરણઃ દેશના 13 રાજ્યોમાં પહોંચી, 16મી જાન્યુઆરીથી વેક્સિનેશન શરુ- વાંચો સંપૂર્ણ અહેવાલ