Pm UN Mehta Inograte 1

જૂનાગઢમાં ગિરનાર રોપ-વે અને કિસાન સૂર્યોદય યોજનાનુ ઇ-લોકાર્પણ કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી

  • ગુજરાતના તમામ ખેડૂતોને ૩ વર્ષમાં દિવસે પણ વીજળી મળશે
  • ગિરનારના વર્લ્ડ ક્લાસ રોપ-વેથી યાત્રિકો-પ્રવાસી ઝડપથી દર્શન કરી શકશે
  • ગિરનારમાં અનેક યાત્રિકોને પોતાના શ્રમ થકી દર્શન કરાવતા ડોલીવાળા પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી
  • જૂનાગઢમાં ગરિનાર રોપ-વે અને કિસાન સૂર્યોદય યોજનાનુ ઇ-લોકાર્પણ કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી

જૂનાગઢમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ

જૂનાગઢ, ૨૪ ઓક્ટોબર:  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જૂનાગઢ ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં જૂનાગઢમાં ગિરનાર રોપ-વે અને કિસાન સૂર્યોદય યોજનાનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઇ-લોકાર્પણ કર્યુ હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ નવમાં નોરતાના પવિત્ર પર્વની લોકોને શુભકામના પાઠવી સહર્ષ જણાવ્યુ હતે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત માટે જોયેલા સપનાને સાકાર કરવાનો આજ અનોખુ પર્વ છે. આજે ગુજરાત વડાપ્રધાનશ્રીએ ચિંધેલા રસ્તે દિનપ્રતિદિન દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યુ છે. પછી તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રી, મેડીકલ હોય કે પછી ટુરીઝમ કોરોનાના સંક્રમણ વચ્ચે પણ ગુજરાતે આપત્તિને અવસરમાં ફેરવી વિકાસની યાત્રા લગાતાર આગળ વધારી છે.

cm speech dias function junagadh09

મુખ્યમંત્રીશ્રીએ ગૌરવ સાથે જણાવ્યુ હતુ કે, હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના ગામડામાંથી અંધારા ઉલેચ્યા હતા. ગુજરાતને ૨૪ કલાક વીજળી જ્યોતિગ્રામ યોજના થકી પુરી પાડવાનુ શરૂ કર્યુ હતુ. હવે કિસાન સૂર્યોદય યોજના દ્વારા ગુજરાતના ખેડૂતોને દિવસે પણ વીજળી પુરી પડાશે. જેથી રાત ઉજાગરો કરીને હવે ખેડૂતોને ખેતીકામ નહીં કરવા પડે. ગુજરાતના તમામ ખેડૂતોને ૩ વર્ષમાં દિવસે પણ વીજળી પ્રાપ્ત થશે તેમ મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ગૌરવપૂર્વક જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ ૯૦ ટકા રહ્યો છે. જ્યારે મૃત્યુઆંક ર.૧૫ ટકા સુધીનો અને પોઝીટીવી રેટ ર.૭૫ ટકા રહ્યો છે. આમ પ્રજાના સાથ અને સહકારથી તહેવારોના પર્વમાં કોરોનાને કાબુમાં રાખવા ગુજરાત સફળ રહ્યુ છે.

 સોરઠની ધરા વિશે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, પવિત્ર ગિરનાર પર્વતના દર્શન અને દામોદર કુંડમાં સ્નાન ન થાય તો અવતાર અસફળ થયો ગણાય. એવા ગિરનાર રોપ-વેમાં અનેક વર્ષો જુની અડચણો વચ્ચે પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇના હસ્તે વર્લ્ડ ક્લાસ રોપ-વેનો પ્રારંભ થઇ રહ્યો છે. જેથી યાત્રાળુઓ-પ્રવાસીઓ ઝડપથી રોપ-વેના માધ્યમથી દર્શન કરી શકશે. વડાપ્રધાનશ્રીએ ગિરનાર રોપ-વેને ઝડપથી મંજુર કરીને જૂનાગઢવાસીઓનુ રોપ-વેનું સ્વપ્ન સાકાર કર્યુ છે.

મુખ્યમંત્રીશ્રીએ ગિરનાર પર્વત ઉપર યાત્રિકોને લઇ જતાં ‘ડોલી’ વાળાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા સહર્ષ જણાવ્યુ હતું કે, ‘ડોલી’ વાળાઓ શારિરીક શ્રમ કરી લોકોને પર્વત ઉપર દર્શન કરાવતા હતા.પવિત્ર પર્વત ગિરનારમાં અનેક પરમ આત્મા-સાધુ-સંતોએ સાધના કરી છે. મોક્ષ ગતિ પ્રાપ્ત કરી છે. ત્યારે આવી પવિત્ર જગ્યાએ ‘રોપ-વે’ના માધ્યમથી ભાવિકો સરળતાથી અંબાજી માતાના  દર્શન કરી શકશે.

ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ

ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી રાજ્યમાં વીજક્રાંતિની શરૂઆત થઇ ગઇ હતી. લોકોને ૨૪ કલાક વીજળી મળી રહે તે માટે શ્રી નરેન્દ્રભાઇએ જ્યોતિગ્રામ યોજના શરૂ કરી હતી. જેથી ઉદ્યોગો પણ ગામડામાં જવા માંડ્યા હતા. લોકોનું શહેરીકરણ-સ્થળાંતર ઓછુ થયું. ખેડૂતોને ઝડપથી વીજ કનેક્શન મળે તે માટે સરકાર કટીબદ્ધ બની છે. સરકાર એક વીજ કનેક્શન માટે ખેડૂતને રૂ. ૧.૫૦ લાખની સબસીડી-સહાય આપી રહી છે. સરકાર ખેડૂતોના વીજળીના ભાવ પણ વધારતી નથી અને વધારાનો વીજભાર સરકાર ભોગવે છે. આ સરકાર ખેડૂતોની ચિંતા કરતી સરકાર છે.

Junagadh Rope way Function Photos 7

ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે શરૂ થયેલ કિસાન સૂર્યોદય યોજના માટે રાજ્ય સરકારને અનેક નવા સબસ્ટેશન, ટ્રાન્સમીશન, વીજ લાઇનો ઉભી કરવી પડશે. સોલાર રૂફ ટોપ યોજના અન્વયે ૧ લાખથી પણ વધુ લોકોને વીજળી આપવાનું કામ રાજ્ય સરકારે શરૂ કર્યુ છે. ગુજરાતમાં સોલાર અને વિન્ડ દ્વારા ૩૦ હજાર મેગા વોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે. વીજળી ઉત્પાદન કરવા કોલસો અને ગેસ મોંઘો પડે તે માટે રિન્યુએબલ એનર્જી ઉત્પાદન પર વિશેષ ભાર અપાશે તેમ ઉર્જા મંત્રીશ્રીએ જણાવ્યુ હતું.

મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા

આ પ્રસંગે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યુ હતુ કે, જૂનાગઢમાં ગિરનાર રોપ-વેનું સ્વપ્ન આજે સાકાર થયું છે. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રોપ-વેનું ખાતમુહૂર્ત કર્યુ હતું. રોપ-વે પ્રોજેક્ટના નિર્માણમાં અનેક અડચણો આવી હતી. પરંતુ પ્રધામનંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીના સંકલ્પના કારણે આજે રોપ-વેનું સ્વપ્ન સાકાર થયું છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, આજે જૂનાગઢમાં દિવાળી જેવો માહોલ છે. આવો માહોલ જૂનાગઢમાં નવાબી શાસનનો અંત આવ્યો ત્યારે જોવા મળ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યુ કે, હજુ સુધી જૂનાગઢમાં યાત્રાળુઓ આવતા હતા. હવે પ્રવાસીઓ આવશે. જૂનાગઢનો વિકાસ થશે. તેમણે પ્રવાસીઓના માધ્યમથી જૂનાગઢમાં ૨૦૦ કરોડ જેટલી આવક વધશે તેમ ઉમેર્યુ હતુ.

સાંસદશ્રી રાજેશ ચુડાસમા

સાંસદશ્રી રાજેશ ચુડાસમાએ આનંદ સાથે જણાવ્યુ હતુ કે, જૂનાગઢમાં ગિરનાર રોપ-વેનો પ્રોજેક્ટ શરૂ થતાં સૌરાષ્ટ્રવાસીઓનું સપનું સાકાર થયુ છે. અશક્ત અને વૃદ્ધ લોકો પણ હવે ગિરનારમાં દર્શનાર્થે જઇ શકશે. કિસાન સૂર્યોદય યોજના થકી અનેક ખેડૂતોને પણ દિવસે વીજળીનો લાભ પ્રાપ્ત થશે. આ બંને પ્રોજેક્ટ મંજૂર કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર પણ શ્રી ચુડાસમાએ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભે પીજીવીસીએલના એમડી સ્વેતા ટીવેટીયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ. આ પ્રસંગે મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સેજા કરમટા, ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમ, અધિક મુખ્યસચિવશ્રી ઉર્જા સુનયના તોમર, જિલ્લા કલેક્ટર ડૉ.સૌરભ પારઘી,  જિલ્લા પોલીસ વડા વાસમશેટી રવી તેજા, જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ, શહેર ભાજપ પ્રમુખ શશીકાંત ભીમાણી, પીજીવીસીએલ, જેટકોના અધિકારીઓ,  સંતો,  અધિકારીઓ,  પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધી પીજીવીસીએલના ચીફ એન્જીનીઅર જસ્મીન ગાંધીએ કરી હતી.

*******

loading…