Jasadan

જસદણ અને વીંછિયા તાલુકાની ૩૪ અંતરિયાળ સીમ શાળાઓમાં વીજ સવલત મળી

Jasadan
  • જસદણ અને વીંછિયા તાલુકાની ૩૪ અંતરિયાળ સીમ શાળાઓમાં  વીજ સવલત મળી:૫.૭૬ કરોડનો પ્રોજેક્ટ પૂર્ણ
  • પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના સફળ  પ્રયાસો થકી સમગ્ર રાજ્યમાં જસદણ અને વીંછિયા પંથકમાં નોંધપાત્ર કામગીરી

અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ

રાજકોટ, ૧૭ ઓક્ટોબર: રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ફુલઝર અને આંકડીયા ગામની સીમ શાળામાં ગુરુવાર તા.૧૫ ઓક્ટોબરના રોજ પ્રથમ વખત વીજળી પ્રજ્વલિત થઈ ત્યારે સીમ શાળાના બાળકોના વાલી એવા સીમાડામાં રહેતા માલધારી પરિવારોમાં આનંદની લાગણી પ્રસરી હતી.

જસદણ અને વિછીયા વિસ્તારના ધારાસભ્ય અને પાણી પુરવઠા તથા પશુપાલન વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ ફુલઝર અને આંકડીયા ગામની સીમ શાળામાં પહોંચી  શાળાના વર્ગખંડમાં લેમ્પની સ્વીચ ઓન કરી ત્યારે લોકોએ વીજળીના વધામણાં કર્યા હતા.

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મંત્રીશ્રી સૌરભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે રાજ્ય સરકારે બાકી રહેલી સીમ શાળાઓ માં  વીજળીની સુવિધા આપવા માટે જ્યોતિગ્રામ યોજનાના ફીડરમાંથી વીજળીનું કનેક્શન સીમ શાળા સુધી પહોંચાડવા રૂ. ૧૦ કરોડની જોગવાઈ કરી હતી.

રાજકોટ જિલ્લાના જસદણ અને વીંછિયા તાલુકામાં સૌથી વધારે ૩૪ સીમ શાળા આવેલી છે. આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ આ વિસ્તારની સીમ શાળાઓમાં આ મહત્વની કામગીરી ઝડપભેર અને વિના વિલંબે થાય તે માટે વીજ વિભાગના અધિકારીઓને સુચના આપી હતી અને દરેક તબક્કે માર્ગદર્શન આપતાં સમગ્ર રાજ્યમાં જસદણ અને વીંછિયા તાલુકામાં આ પ્રોજેક્ટની મહત્વની કામગીરી સુચારૂર રીતે પાર પાડી શકાઈ છે.

જસદણ પી.જી.વી.સી.એલ. ડિવિઝનના કાર્યપાલક ઇજનેરશ્રી એસ જી દત્તાણી એ જણાવ્યું હતું કે ૩૪ શાળાઓમાંથી બત્રીસ શાળાઓમાં તો વીજળી પહોંચી ગઈ છે અને જ્યારે શાળાઓ શરૂ થશે ત્યારે બાળકોને લાઈટ, પંખા કોમ્પ્યુટર તથા અન્ય વીજ શૈક્ષણિક ઉપકરણોનો લાભ મળશે. રાજકોટના પી.જી.વી.સી.એલ.ના અધિક્ષક  ઇજનેર શ્રી બી.પી જોશીએ પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ફુલઝર ગામના માલધારીઓએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આજે અમને અનેરો આનંદ છે. અમારા બાળકોને શાળામાં વીજળીને લીધે ઘણી સુવિધા મળશે. તેઓએ મંત્રી અને રાજ્ય સરકારનો આ સવલત અને પ્રયાસો બદલ આભાર માન્યો હતો. ફુલઝરના ૮૩ અને આંકડીયાના ૬૩ બાળકોને અને શાળાના શિક્ષકોને વીજળી સંબંધી સગવડનો લાભ મળશે.