V. NAYDU 2

મંદિરનું પુનઃનિર્માણ, મૂલ્યોની સ્થાપના – ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વૈંકેયા નાયડુ


રામ રાજ્ય, સહાનુભૂતિ, સમાવિષ્ટતા, શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ અને નાગરિકોના સતત બહેતર જીવનની ગુણવતા માટે ઇચ્છીત મૂલ્યો ઉપર આધારિત લોક-કેન્દ્રી લોકતાંત્રિક સુશાસનનો આદર્શ છે

આપણે મહાનતમ મહાકાવ્ય રામાયણના વૈશ્વિક સંદેશાને સમજીએ અને તેનો વધુને વધુ પ્રસાર કરીએ – ઉપરાષ્ટ્રપતિ

આજના સમયમાં પણ રામાયણ માર્ગદર્શન પૂરું પડી રહ્યું છે – ઉપરાષ્ટ્રપતિ

02 AUG by PIB Ahmedabad

આજથી બસ હવે ગણતરીના દિવસોમાં જ, આપણે અયોધ્યામાં ઐતિહાસિક ઘડીના સાક્ષી બનવા જઇ રહ્યા છીએ. એક એવી ઘટના જે, આપણામાંથી મોટાભાગના લોકોને ભવ્ય સાંસ્કૃતિક ધરોહર સાથે જોડે છે. એક એવી ઘટના જે, લગભગ બે હજાર વર્ષ પૂર્વે લખવામાં આવેલા સદાકાળ મહાકાવ્ય રામાયણની સ્મૃતિઓ આપણામાં તાજી કરે છે, જે આપણી સામૂહિક ચેતનાનો હિસ્સો બની ગઇ છે. એક એવી ઘટના જે, દૃષ્ટાંતરૂપ વ્યક્તિત્વ, અસાધારણ વ્યક્તિ, ભક્તો દ્વારા ભગવાનના રૂપમાં આરાધ્ય અને જેમના જીવનચરિત્રએ એવા મૂલ્યોના દૃષ્ટાંત આપ્યા કે, જે ન્યાયી અને જવાબદાર સમાજ વ્યવસ્થા સ્થાપિત કરવા માટે ઘણા નિર્ણાયક છે, તેવા શ્રીરામના મંદિરનું આપણે નિર્માણ કરીએ છીએ તેવી ધન્યતાનો અનુભવ કરાવે છે.

ખરેખરમાં આ એક સ્વયંભૂ ઉજવણીની ઘડી છે કારણ કે, આપણે ભૂતકાળના મહિમાને જીવંત કરી રહ્યાં છીએ અને આપણે જેને વળગેલા છીએ તેવા આપણા મૂલ્યોને સ્થાપિત કરી રહ્યાં છીએ.

ખરેખરમાં, આ એક એવી ઘડી છે કે, આપણે જો રામાયણના મૂળ સારને સમજીએ અને તેને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજી શકીએ અને તેને ધર્મ અથવા ન્યાયી આચરણની અનન્ય ભારતીય દૂરંદેશીને આકર્ષતી એક બોધકથા તરીકે જોઈએ તો, આપણને તે સામાજિક-આધ્યાત્મિક કાયાકલ્પ તરફ દોરી જાય છે. રામાયણમાં એક એવી દૂરંદેશી સમાયેલી છે જે સાર્વત્રિક છે, જેણે દક્ષિણ-પૂર્વ એશિયાના સંખ્યાબંધ દેશોની સંસ્કૃતિ પર સ્પષ્ટ અને ઘેરો પ્રભાવ પાડ્યો છે.

વૈદિક અને સંસ્કૃતના વિદ્વાન આર્થર એન્થોની મેકડોનેલના મતાનુસર, ભારતીય ગ્રંથોમાં ઉલ્લેખ કર્યા મુજબ રામના વિચારો મૂળરૂપે ધર્મનિરપેક્ષ છે અને છેલ્લી લગભગ અઢી સહસ્ત્રાબ્દીથી લોકોના જીવન અને વિચારો પર તેનો ઘેરો પ્રભાવ પડ્યો છે.

રામાયણે માત્ર ભારત જ નહીં બલ્કે જાવા, બાલી, મલય, બર્મા, થાઇલેન્ડ, કંબોડિયા અને લાઓસ જેવા દક્ષિણ-પૂર્વ એશિયાના સંખ્યાબંધ દેશોમાં પણ અનેક કવિઓ, નાટ્યકારો, નર્તકો, સંગીતકારો અને લોક કલાકારોની કલ્પનાઓને આકર્ષિત કરી છે. થાઇલેન્ડ જેવા દેશોમાં તો રાજાઓના નામ પણ રામના નામ પરથી રાખવામાં આવ્યા છે અને 14 મી સદીમાં સ્થાપવામાં આવેલી આ દેશની રાજધાનીને અયુથ્યા તરીકે ઓળખવામાં આવતી હતી. રામાયણની સંખ્યાબંધ આવૃત્તિઓ મળી આવે છે જેમ કે, થાઇલેન્ડમાં રામાકિઅન છે અને કંબોડિયામાં રામાયણની આવૃત્તિ રેમેકર તરીકે પ્રચલિત છે. ઇન્ડોનેશિયામાં, આપણને જાવાનીસ કાકાવીન રામાયણ અને બાલિનીસ રામાકાવાકા મળી આવે છે. ફ્ર લાક ફ્ર લામ એ લાઓ ભાષામાં તૈયાર થયેલી આવૃત્તિ છે. મલેશિયામાં હિકાયત સેરી રામા, મ્યાનમારમાં યમ ઝતદાવ, ફિલિપાઇન્સમાં મહારડિયા લવાના અને નેપાળમાં ભાનુભક્ત રામાયણ એ રામાયણની અન્ય મુખ્ય પ્રચલિત આવૃત્તિઓ છે. રામની ચીની જાતક કથાઓ, લિયડુ જી જિંગ અને આ મહાકાવ્યની જાપાની આવૃત્તિ ‘હોબુત્સુશુ’ અને ‘સામ્બો-એકોટોબા’ પણ આ મહાકાવ્યની સાર્વત્રિક પ્રચલિતતા દર્શાવે છે.

એલેક્ઝાન્ડર બારાનિકોવે આ મહાકાવ્યનો રશિયન ભાષામાં પણ અનુવાદ કર્યો છે અને રશિયન રંગમંચના કલાકાર ગેન્નાડી પેશ્નિકોવ દ્વારા નિર્મિત રંગભૂમિની આવૃત્તિને પણ અત્યંત લોકપ્રિયતા મળી હતી. રામાયણના દૃશ્યોનું ચિત્રણ કરતી અંગકોર વાટની તક્તિઓ અને ઇન્ડોનેશિયાના પ્રમ્બાનન મંદિરમાં પ્રખ્યાત રામાયણ બેલે, ભૌગોલિક અને ધાર્મિક સીમાઓથી પેલે પાર વૈશ્વિક સાંસ્કૃતિક પટ પર રામાયણનો સ્પષ્ટ પ્રભાવ દર્શાવે છે.

અહીં એ પણ નોંધવું ઘણું રસપ્રદ છે કે, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મ તેમજ અન્ય કેટલાક ધર્મોમાં જુદાં સ્વરૂપે રામાયણને અપનાવવામાં આવી છે.

સંખ્યાબંધ ભાષાઓમાં અનેકવિધ આવૃત્તિઓમાં આ મહાકાવ્યનું ફરી વર્ણન કરવામાં આવ્યું છે, તે પણ જરાય આશ્ચર્યજનક નથી. આ મહાકાવ્યની થીમ અને વર્ણનમાં કંઇક તો એવું છે જે વિવિધ પ્રેક્ષકોનું ધ્યાન ખેંચે છે. નારદ મૂનિએ જ્યારે કહ્યું હતું કે, જ્યાં સુધી પર્વતો અડીખમ રહેશે અને નદીઓનાં નીર વહેતા રહેશે ત્યાં સુધી રામની કથા લોકોને મોહિત કરતી રહેશે, તે ભવિષ્ય સૂચક શબ્દો ઘણા સાચા પડતા હોય તેવું લાગે છે.

આ મહાકાવ્યનું મુખ્ય ચિહ્ન એવો શિષ્ટાચાર છે કે, જેમાં ભારતના ઉત્તરીય હિસ્સામાં આવેલી અયોધ્યા નગરીથી દક્ષિણે આવેલી લંકા સુધી રામ, સીતા અને લક્ષ્મણના લાંબા વિચરણ દરમિયાન બનેલી ઘટનાઓના વર્ણનને કેન્દ્રમાં રાખીને મૂલ્યોની પ્રણાલી વિશે મહત્વપૂર્ણ સંદેશા આપવામાં આવ્યા છે.

મહાકાવ્ય રામાયણની શરૂઆતમાં ઋષિ વાલ્મીકિ નારદ મૂનિને પૂછે છે કે, શું કોઇ દોષરહિત સ્વભાવ ધરાવતું, જ્ઞાની, સમર્થ, મોહક અને હંમેશા માનવ કલ્યાણનો વિચાર કરતી વ્યક્તિ અસ્તિત્વ ધરાવે છે? આ સવાલના જવાબમાં નારદ વાલ્મીકિને સમજાવે છે કે, આવા તમામ ગુણો ધરાવતી કોઇ એક વ્યક્તિ હોય તેમ બનવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ તેવી એક વ્યક્તિ અસ્તિત્વ ધરાવે છે, જેનામાં આ તમામ ગુણો જોવા મળે છે. અને તે વ્યક્તિ છે રામ. તેઓ જે વિશેષતાઓ ધરાવે છે તેમાંથી સૌથી મહત્વપૂર્ણ વિશેષતા દરેક જીવમાત્રના રક્ષણ પ્રત્યે તેમની કટિબદ્ધતા અને ધર્મના પાલનની છે. (રક્ષિતા જીવા લોકસ્ય ધર્મસ્ય પરીક્ષિતા). વાસ્તવમાં, મહાકાવ્યના પાછળના ભાગમાં એક પાત્ર તેમને “રામો વિગ્રવાન ધર્મહઃ” તરીકે વર્ણવે છે. (રામ ધર્મના અવતાર છે અથવા સદાચાર, સત્ય અને ન્યાયના પ્રતિક છે.)

રામ માનવજાત આત્મસાત કરી શકે તેવા કેટલાક સર્વશ્રેષ્ઠ ગુણોનું સાકાર સ્વરૂપ છે. રામાયણ એક એવી કથા છે જે આ ગુણોના અસંખ્ય આદર્શો પૂરાં પાડે છે. જેમ-જેમ કથા આગળ વધે છે અને રામની ભારત યાત્રા શરૂ થાય છે તેમ-તેમ આપણે સત્ય, શાંતિ, સહકાર, કરૂણા, ન્યાય, સમાવિષ્ટતા, સમર્પણ, બલિદાન અને સહાનુભૂતિ સહિત અસંખ્ય ગુણોના પાલનની રસપ્રદ ઝલક જોઇ શકીએ છીએ. આ તે જ ગુણોનો સમૂહ છે જે સમગ્ર વિશ્વની નજરમાં ભારતીય મૂલ્યોનો આધાર તૈયાર કરે છે. તે વિશ્વવ્યાપી અને અનંત છે અને તે સમય અને સ્થળના બંધનોથી મુક્ત છે. આ જ કારણ છે કે, આજના સમયમાં પણ રામાયણ માર્ગદર્શનરૂપ બની રહ્યું છે.

રામરાજ્ય એવું દૃષ્ટાંત છે, જેનો ગાંધીજીએ સુશાસન ધરાવતું રાજ્ય કેવું હોવું જોઇએ તેની વ્યાખ્યા આપવા માટે ઉપયોગ કર્યો છે. 1929માં યંગ ઇન્ડિયામાં લખેલા એક લેખમાં તેમણે ટાંક્યું હતું કે, “ભલે મારી કલ્પનાના રામ પૃથ્વી ઉપર જીવ્યાં હોય કે નહીં, રામરાજ્યનો પૌરાણિક આદર્શ નિશંકપણે વાસ્તવિક લોકશાહી પૈકીનો એક છે, જેમાં સમાજનો સૌથી છેવાડાનો નાગરિક પણ લાંબી અને મોંઘી પ્રક્રિયા વગર ઝડપી ન્યાય પ્રાપ્ત કરી શકે છે. કવિઓએ ઉલ્લેખ કર્યા અનુસાર રામરાજ્યમાં કૂતરાને પણ ન્યાય પ્રાપ્ત થયો હતો.”

આ સહાનુભૂતિ, સમાવેશ, શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ અને નાગરિકોની સતત બહેતર જીવનની ગુણવતા માટે ઇચ્છાના મૂલ્યો ઉપર આધારિત લોક-કેન્દ્રી લોકતાંત્રિક સુશાસનનો આદર્શ છે, જે આપણા લોકતંત્રના મૂળિયા વધારે ઊંડા કરવા માટેના આપણાં રાષ્ટ્રીય પ્રયત્નોમાં પ્રેરણાબળ પૂરું પાડવાનું કાર્ય કરે છે. તે આપણી રાજકીય, ન્યાયિક અને વહીવટી વ્યવસ્થાઓને વધારે મજબૂત બનાવીને આગળ વધારવામાં આપણને મદદ કરી શકે છે.

આ પાવન અવસરે, આપણે રામ મંદિરનું નિર્માણ કરી રહ્યાં છે ત્યારે, આપણા માટે જરૂરી છે કે, આપણે મહાનતમ મહાકાવ્ય રામાયણના વૈશ્વિક સંદેશાને સમજીએ અને તેનો વધુને વધુ પ્રસાર કરીએ અને આ ઊચ્ચ મૂલ્યોનાં માળખામાં આપણાં જીવનને વધારે સમૃદ્ધ બનાવીએ.