યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીએ ૩૫મી વર્ષગાંઠ નવી સિવિલની પ્રસુતા મહિલાઓ અને નવજાત બાળકો સાથે ઉજવી
- પ્રજાના પ્રતિનિધિની જન્મદિવસની અનોખી ઉજવણી
- યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીએ ૩૫મી વર્ષગાંઠ નવી સિવિલની પ્રસુતા મહિલાઓ અને નવજાત બાળકો સાથે ઉજવી
- ધાત્રી માતાઓને પૌષ્ટિક આહાર કીટ અને બાળકો માટેની કીટ સાથે સિવિલ હોસ્પિટલને લેબોરેટરીના સાધનોની ભેટ આપી
અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત
સુરત, ૦૮ જાન્યુઆરી: પ્રજાના પ્રતિનિધિ, મજુરા વિધાનસભાના સૌથી યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીએ તા.૦૮મી જાન્યુ.એ પોતાના ૩૫મા જન્મદિનની અનોખી ઉજવણી કરી હતી. વર્ષગાંઠે નવી સિવિલના ગાયનેક વોર્ડની ૪૦ પ્રસુતા મહિલાઓ-ધાત્રી માતાઓને પૌષ્ટિક આહાર અને નવજાત બાળકો માટેની બાળ કીટ ભેટ આપી હતી. ગાયનેક વોર્ડમાં પ્રસુતા બહેનોને પૌષ્ટિક આહાર, વસાણા પાક, નવજાત બાળકો માટે ગોદડી ઝબલા, નેપકિન, ટોવેલ, ફેસમાસ્ક સહિતની તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓની કિટ આપી હતી. તેમના જે સ્વજનો અને મિત્રવર્તુળ તેમજ રાજકીય આગેવાનો જન્મદિનની શુભેચ્છા આપવા ઇચ્છતાં હતા, તેઓની પાસેથી નવા રમકડા મંગાવ્યા, અને આ તમામ રમકડા હળપતિવાસના બાળકોને આપીને પણ વર્ષગાંઠની સંવેદનાસભર ઉજવણી કરી હતી.
શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મારા જન્મદિવસની શરૂઆત નવી સિવિલ હોસ્પિટલથી કરી છે. છેલ્લા આઠ વર્ષથી જન્મદિને સામાજિક અને સેવાકીય કાર્યક્રમોની શરૂઆત કરવાં સાથે નવી સિવિલના દર્દીઓ સાથે જન્મદિવસની ઉજવણી કરીને યાદગાર બનાવું છું. લોકસેવા મારો ધર્મ છે, એટલે હરહંમેશ લોકોની સેવા કરવાનો મોકો ચૂકતો નથી. ગાયનેક વોર્ડમાં નવજાત બાળકોને વ્હાલ કરી તેમના કિલકિલાટ વચ્ચે જન્મદિન ઉજવવાનો મોકો મળ્યો, જે મારા જીવનની અમૂલ્ય પળ બની રહેશે.

ગુજરાત નર્સિંગ અસોસિએશનના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું કે, નર્સિંગ એસોસિએશન દ્વારા શ્રી હર્ષ સંઘવીના જન્મદિવસની ઉજવણી કરી ૪૦ પ્રસુતા-ધાત્રી માતાઓને પૌષ્ટિક આહાર કિટ સાથે સિવિલ હોસ્પિટલને લેબોરેટરીના સાધનોની ભેટ પણ આપી હતી. સિવિલ હોસ્પિટલની મિલ્ક બેન્કમાં પોતાનું મિલ્ક દાન કરતી ૧૦ બહેનોને પ્રોત્સાહિત કરવા માટે સાડી તેમજ બાલ કીટ ભેટ આપી હતી.
આ પ્રસંગે નવી સિવિલ આરએમઓ ડો.કેતન નાયક, નર્સિંગના અગ્રણી દિનેશ અગ્રવાલ, કૈલાસબેન સોલંકી સહિત રેસિડેન્ટ ડોક્ટર્સ, નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓ, દરેક વોર્ડના ઈન્ચાર્જ જન્મદિન ઉજવણીમાં જોડાયાં હતાં. સિવિલ તંત્ર દ્વારા પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ પણ વાંચો..