Varachha Bank Vima Sahay 1

વરાછા બેન્કે કોરોનાથી પોતાના કર્મચારીનું નિધન થતાં મૃતકના પરિવારને રૂ.૨૫ લાખની વિમા સહાય અર્પણ કરી

વરાછા બેન્કનો સંવેદનાસ્પર્શી માનવીય અભિગમ

Varachha Bank Vima Sahay 1

કેટેગરી પ્રમાણે રૂા.રપ લાખથી રૂા.૦૧ કરોડ સુધીની વિમા પોલિસી બેન્ક દ્વારા લેવામાં આવી છે.  

કર્મચારીઓના આકસ્મિક મૃત્યુમાં પરિવારજનોના સુરક્ષિત ભવિષ્ય માટે વિમા કવચ પૂરૂ પાડ્યું છે.

સુરત:ગુરૂવારઃ સુરતની અગ્રણી સહકારી બેન્કે ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં પોતાના સંનિષ્ઠ કર્મચારી સ્વ.મહેશભાઈ ઉત્તમભાઈ આહિરનું કોરોનાથી અવસાન થતાં સંવેદનાસ્પર્શી માનવીય અભિગમ દર્શાવી ‘કર્મચારી પરિવાર સુરક્ષા યોજના’ અંતર્ગત રૂ.૨૫ લાખની સહાય મૃતકના પરિવારને અર્પણ કરી છે. વરાછા કો.ઓપ બેન્ક દ્વારા પોતાના કર્મચારીઓની સુરક્ષા માટે ‘કર્મચારી પરિવાર સુરક્ષા યોજના’ શરૂ કરી ‘એસ.બી.આઈ. લાઈફ ઈન્શ્યોરન્સ’ કંપનીની રૂ. ૨૫ લાખથી ૦૧ કરોડની ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસી લેવામાં આવી છે. જે અંતર્ગત મહેશભાઈના વારસદારને રૂ.૨૫ લાખની વીમા રકમ મળવાપાત્ર થઈ છે. કર્મચારીઓના પરિવારજનોના સુરક્ષિત ભવિષ્ય માટે આધારરૂપ પગલું લઈને વરાછા બેન્ક દ્વારા પોતાના પ્રત્યેક કર્મચારીઓને વિમા કવચ પુરૂ પાડી પ્રેરક પહેલ કરવામાં આવી છે.

વરાછા બેંકમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા મહેશભાઈ આહિરનું કોરોના સામે લાંબી લડતના અંતે તા.૧૮મી ઓગસ્ટના રોજ અવસાન થયેલ છે. SBI લાઈફ ઈસ્યુરન્સ કંપનીએ માત્ર ૧૨ દિવસમાં કલેઇમ મંજુર કર્યો છે. મૃતકના પત્ની નિરૂબહેન અને ત્રણ દિકરાશ્રી સાગર, દિવ્યેશ અને હાર્દિક સહિતના પરિવારજનોને વરાછાબેંકના સ્થાપક ચેરમેન શ્રી પી.બી.ઢાંકેચા અને ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળાના હસ્તે વીમા રકમના રૂ.૨૫ લાખ તેમજ કર્મચારી ગ્રેચ્યુઈટી સ્કીમ અંતર્ગત રૂ.૭.૧૭ લાખની રકમના ચેક વરાછા બેંક, સરથાણા જકાતનાકા શાખામાં આયોજિત કાર્યક્રમમાં અર્પણ કરવામાં આવ્યાં હતાં. 

Varachha Bank Vima Sahay 2

આ પ્રસંગે બેંકના ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યુ હતું કે, મૃતકના પરિવારને પડેલી ખોટ અમે પુર્ણ નહિ કરી શકીએ, પરંતુ વરાછા બેંક પરિવાર દ્વારા આર્થિક વિમા સ્વરૂપે આજે રૂા.૨૫ લાખની વિમા સહાય આપી તેમને સલામત ભવિષ્યની ભેટ આપીને મદદ કરવાનો સંતોષ છે. બેંક દ્વારા પટ્ટાવાળા-ડ્રાઈવર અને કલાર્ક માટે રૂા. ૨૫ લાખ, ઓફિસર માટે રૂા.૫૦ લાખ અને ઉચ્ચ અધિકારીઓ માટે રૂા.૧ કરોડનું વિમા કવચ લીધુ છે. કોરોના યોદ્ધા બેન્કના કર્મચારીઓએ પણ કોરોના સંકટ વચ્ચે સતત ફરજ બજાવી છે. અમારા પ્રત્યેક કર્મચારીઓની કાળજી રાખવા સાથે ખાતાધારકો, ગ્રાહકોના હિતમાં વરાછાબેંક હંમેશા સામાજિક ઉતરદાયિત્વ સાથે કામ કરી રહી છે.

એસ.બી.આઈ. લાઈફ ઈન્શ્યોરન્સના રિજયોનલ મેનેજરશ્રી સંકેતકુમાર તથા એરિયા મેનેજરશ્રી અજય ત્રિવેદીએ ઉપસ્થિત રહી મૃતકના પરિવારને આશ્વાસન આપ્યુ હતું. તેઓએ જણાવ્યું હતું કે, વરાછા કો-ઓપ.બેંકે તેમના સ્ટાફના જીવનમુલ્યને યોગ્ય રીતે સમજીને ઉદાહરણરૂપ પહેલ કરી છે. ગત ઓકટોબર ૨૦૧૯માં આ વિમા પોલીસી લીધી છે. સદ્દગત મહેશભાઈના પરિવારને વરાછાબેંક વતી ભાવાંજલિ સાથે સ્મૃતિભેટ અને બેંક ખાતામાં રૂા. ૩૪.૧૦ લાખ જમા આપ્યા હતા.

આ પ્રસંગે બેંકના એમ.ડી. શ્રી ભવાનભાઈ નવાપરા, વાઈસ ચેરમેનશ્રી પ્રભુદાસભાઈ ટી.પટેલ સહિત ડિરેકટર્સ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો હાજર રહ્યાં હતા. બેંકના જનરલ મેનેજરશ્રી વિઠ્ઠલભાઈ ધાનાણીએ આવકાર સાથે બેંક કર્મચારીઓને મોટી રકમની વિમા સુરક્ષા આપી તે બદલ બેંકના બોર્ડનો આભાર પ્રગટ કર્યો હતો.

બેંકના ડે.જનરલ મેનેજરશ્રી સુરેશભાઈ કાકડીયાએ આભારવિધી કરતા જણાવ્યું હતું કે, બેંક તેના સભાસદો, ખાતેદારો અને લોન લેનારને પણ અકસ્માત વિમા સુરક્ષા આપે છે. વરાછાબેંક હંમેશા માનવીય અભિગમ સાથે બેંકિંગ સેવા આપે છે. કાર્યક્રમનું સંચાલન શ્રી શૈલેષભાઈ ભુતે કર્યુ હતું.