Video call patient

સયાજી હોસ્પિટલના કોલ સેન્ટરમાં સારવાર હેઠળના દર્દીઓના ખબર અંતર જાણવા રોજ ૭૦થી વધુ કોલ આવે છે

Video call patient

પહેલા ૧૨ દિવસમાં ૮૪૦ જેટલા કોલ મળ્યા અને સારવાર હેઠળના સગાની જાણકારી મેળવી સ્વજનો એ ધરપત મેળવી

સંકલન:બી.પી.દેસાઈ,નાયબ માહિતી નિયામક

વડોદરા,કોવિડએ સંક્રમણ એટલે કે ચેપથી પ્રસરતો રોગ છે એટલે એની સારવાર આઇસોલેશનની લક્ષ્મણ રેખા હેઠળ કરવી પડે છે.દર્દીએ હોસ્પિટલમાં એકલા રહેવાનું હોય ત્યારે એના કુટુંબીજનો માટે ,દર્દીની તબિયતના ખબર મેળવવા,એની સાથે વાત કરી એને પ્રોત્સાહિત કરવા સંપર્કનો સેતુ જરૂરી બને છે.

ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ સયાજી હોસ્પિટલના કોવિડ વિભાગમાં પેશન્ટ કેર એન્ડ મેનેજમેન્ટના વિવિધ પગલાં લેવામાં આવ્યાં છે.તેના અનુસંધાને તેમના માર્ગદર્શન હેઠળ અને વહીવટદાર શ્રી અશોક પટેલ અને સલાહકાર ડો. મીનુ પટેલના દિશા નિર્દેશો પ્રમાણે ૨૮ મી જુલાઇથી,સારવાર હેઠળના દર્દીઓ અને તેમના સગાવહાલા વચ્ચે ટેલીફોનીક ઓડિયો વીડિયો સંપર્ક સૂત્ર સ્થાપિત કરવા કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા કોલ સેન્ટરની સુવિધા શરૂ કરવામાં આવી છે.આ સુવિધા હેઠળ પોતાના સ્વજનો સાથે વાત કરી સારવાર હેઠળના દર્દીઓ આનંદ અને માનસિક શાંતિ મેળવી રહ્યાં છે તો સ્વજનો એમના કુશળ મંગળની ધરપત મેળવી રહ્યાં છે.
આ કોલ સેન્ટરને પ્રથમ ૧૨ દિવસમાં ૮૪૦ જેટલાં એટલે કે દૈનિક સરેરાશ ૭૦ થી ૭૨ કોલ મળી રહ્યાં છે એવી જાણકારી આપતાં ડો. ઓ.બી.બેલીમે જણાવ્યું કે મોટેભાગે આ કોલ દર્દીની તબિયત કેવી છે,સારવાર કેવી આપવામાં આવી રહી છે એ જાણવા માટે અને બહુધા ઓડિયો કોલ સ્વરૂપે મળે છે જેમાં દર્દીને લગતી જાણકારી સ્વજનો ને પૂરી પાડવામાં આવે છે.
સયાજી હોસ્પિટલમાં ૬ જેટલા સ્થળોએ,વિવિધ બિલ્ડિંગો અને ફ્લોર પર કોવિડ સારવારની સુવિધાઓ સ્થાપિત કરવામાં આવી છે.દર્દીઓના સ્વજનો દરરોજ બપોરના ૧૨ થી ૨ અને સાંજના ૬ થી ૮ દરમિયાન કંટ્રોલ રૂમના કોલ સેન્ટર ખાતે થી દર્દીઓનો સંપર્ક અને સંવાદ કરી શકે છે.અહી કાઉન્સેલર અને ફરજ પરના તબીબને સરકારી મોબાઈલ ફોન આપવામાં આવ્યાં છે.જેઓની મદદ થી વોર્ડમાં વિડિયો કોલ સંપર્ક કરાવી સારવાર હેઠળના તેમના સ્વજનો સાથે વાત કરાવવામાં આવે છે.આ પ્રકારે રોજે રોજ ૪૦ થી ૪૫ લોકો પોતાના સ્વજન દર્દીઓ સાથે સંપર્ક કરી તેમની તબિયત અને હાલત અંગે ધરપત મેળવે છે.

ઓક્ષિજન પર હોય અને જેમની હાલત પ્રમાણમાં ગંભીર હોય એમને વોર્ડના તબીબો અથવા મદદનીશ સ્ટાફ,દર્દીઓ પાસે તેમના સ્વજનોના મોબાઈલ નં. કે ફોન નં.હોય તો ઓડિયો કે વિડિયો કોલ દ્વારા વાત કરાવે છે.જેને લીધે દર્દીઓ ખૂબ જ રાહત અનુભવે છે.

Video call

આ અંગે ભરૂચના મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે મારા પિતરાઈ ભાઈ ખુદ ડોકટર છે.અહી ફરજ પરના ડોકટર સાહેબે એમની સાથે વાત કરી મારી તબિયતની સંપૂર્ણ જાણકારી આપતાં,ઘેર સહુને રાહત થઇ છે. તેમણે મારા પરિવારને ઓક્ષિજન ની જરૂર સહિત બધી બાબતોની વિગતવાર માહિતી પૂરી પાડતા એ લોકોએ સારી સારવાર મળતી હોવાથી ખૂબ ધરપત અનુભવી.
ડો.બેલીમે જણાવ્યું કે આ પ્રકારે ત્રિસ્તરીય સંપર્ક વ્યવસ્થા થી દર્દીઓ અને સ્વજનો વચ્ચે સતત સંવાદ શક્ય બનતા,બંને પક્ષો હળવાશ અનુભવે છે. જે દર્દીઓની હાલત ગંભીર નથી એવા નોન સિરિયસ પેશન્ટ ને પોતાના મોબાઈલ કે સાદા ફોન સાથે રાખવાની સુવિધા આપવામાં આવી છે.

કોવિડ સારવાર સુવિધા હેઠળ ચોવીસે કલાક ત્રણ પાળીમાં ૮ જેટલાં કાઉન્સેલર સેવા આપે છે.તેઓ દર્દીઓના સ્વજનો ને આ નવા રોગની,તેના થી બચવા માટેની તકેદારીના ઉપાયો ની અને દર્દીઓની હાલત,સારવાર,ગંભીરતા ની સમઝણ આપે છે.દર્દીઓ ગંભીર હોય ત્યારે તેમના સ્વજનો ખૂબ બેબાકળાપણું અનુભવે છે.એમને ઉચિત જાણકારી દ્વારા સાંત્વના આપે છે.આમ,ચેપનું જોખમ ટાળીને સારવાર હેઠળના દર્દીઓ અને એમના સ્વજનો વચ્ચે સલામત અને જોખમ મુક્ત સંપર્ક સંવાદની આ વ્યવસ્થા સહુ માટે લાભદાયક બની રહી છ