Suraksha setu 1

મહિલા અને બાળ વિકાસ વિભાગના તાલીમબદ્ધ કાઉન્સેલર્સે કોરોનાકાળમાં પરિવાર તુટતા બચાવ્યાં

પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરમાં વિવાદનો ઉકેલ સંવાદથી

Police suport system Ahmedabad

મહિલા અને બાળ વિકાસ વિભાગના તાલીમબદ્ધ કાઉન્સેલર્સે કોરોનાકાળમાં પરિવાર તુટતા બચાવ્યાં

અહેવાલ: ઉમંગ બારોટ

‘’કચકડાના ચોકઠા ગોઠવી રહેલા આ બાળકને ખબર નથી કે જ્યાં એ બેઠો છે તે સંબધોના ચોકઠા સુવ્યવસ્થિત કરવાનું કેંદ્ર છે. ૭ વર્ષનો આર્ય, અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર ખાતે રમતમાં મશગુલ છે. બધા ચોકઠા એકસાથે જોડવાની જીદ લઇને બેઠો હોય તેવુ લાગી રહ્યું હતું. બહુવાર મથ્યા પછી એ મનોમન સમાધાન કરી લે છે-જીદ હેઠી મુકે છે. બાજુમાં બેઠેલા તેના માં-બાપ પણ કંઇક જીદ લઇને આવ્યા હતા જે હવે હેઠી મુકાઇ ગઇ છે. બન્ને વચ્ચે સમાધાન થયું છે. અહીં દર અઠવાડિયે ૩-૪ પારિવારીક વિવાદ-ઝઘડાના કેસ આવતા રહે છે પરંતુ વિવાદનો ઉકેલ સંવાદથી લાવવામાં આવે છે. અમદાવાદમાં આવા કુલ ૪ P.B.S.C.-પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર છે. કોરોનાકાળમાં પણ આ કેંદ્રોની સહાયતા સેવા ચાલુ રહીં છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના તાલીમબદ્ધ કાઉન્સેલર્સે અનેક પરિવાર તુટતા બચાવ્યાં છે.’’

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા હિંસાથી પીડિત મહિલાને સહાય, માર્ગદર્શન તેમજ કાઉન્સેલિંગ માટે નિયત કરેલા પોલીસ સ્ટેશન ખાતે P.B.S.C.-પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરની યોજના વર્ષ ૨૦૧૩થી શરૂ કરવામાં આવી છે. દરેક જીલ્લાની જરૂરિયાત ના આધારે આ સેન્ટરની સંખ્યા નિયત કરવામાં આવી છે. આ સેન્ટરનો મુખ્ય હેતુ લિંગભેદ, સ્ત્રી ભૃણહત્યા, ઘરેલુ હિંસા, અત્યાચાર અને સામાજિક અસમાનતા જેવા પ્રશ્નોમાં પીડિત મહિલાને પોતે નિર્ણય લેવા સમક્ષ બનાવવાનો અને સંસ્થાકીય સહાય કરવાનો છે.

મહિલા પર થતી ઘરેલુ હિંસા કે અન્ય પ્રકારની હિંસા એક સામાજિક અપરાધ છે. આથી પીડિત મહિલાનું અને તેના પરિવારજનોનું આવશ્યકતા મુજબ કાઉન્સેલિંગ કરીને કાયદાકીય રક્ષણ તથા અન્ય વિકલ્પો પૈકી મહિલાની પોતાની પસંદગી અને નિર્ણય મુજબની કાર્યવાહીમાં મદદ અને માર્ગદર્શન P.B.S.C. પુરુ પાડે છે. મહિલા તરફી અભિગમ રાખી સપોર્ટ સેન્ટર પારિવારિક હિંસા અને અન્ય સમસ્યાઓથી પીડિત મહિલાની જરૂરિયાત અને તેની ઈચ્છાને સમજી પીડિત મહિલામાં આત્મસન્માન, સ્વયોગ્યતા અને આત્મવિશ્વાસ નિર્માણ કરવાનો પ્રયાસ કરે છે. સપોર્ટ સેન્ટર ઘરેલુ હિંસા અને અન્ય મહિલા અત્યાચારના કિસ્સામાં પોલીસ, દહેજ પ્રતિબંધક અધિકારી અને રક્ષણ અધિકારી તથા અન્ય સરકારી એજન્સી -હિતધારકો સાથે સંકલન સાધી જરૂરી સેવાઓ પૂરી પાડે છે.

સપોર્ટ સેન્ટર ખાતે કોર્ટ સાથેની કામગીરી, ઘરેલુ હિંસાથી મહિલાઓને રક્ષણ આપતો અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત તથા અન્ય હિંસા સામેની ફરિયાદ માટે રક્ષણ અધિકારી અને પોલીસની મદદ મેળવવામાં સહાયભૂત થવું. કાઉન્સેલિંગ/ માર્ગદર્શન/ દરમિયાનગીરી. જે-તે કેસની જરૂરિયાત મુજબ કૌટુંબિક સેવા આપતી સહાયક સંસ્થાઓ જેવી કે તબીબી સેવા, નારી કેન્દ્ર, મનોચિકિત્સા કેન્દ્ર તથા વ્યવસાયલક્ષી સેવાઓની સહાય લેવી. કાનૂની સહાય આપતી સેવાઓ સાથે સંકલન. મહિલા અને બાળ સુરક્ષાને લગતા કાયદાઓ વિશે મહિલા અને બાળકો માં, સામાન્ય જનતામાં અને હિતધારકોમાં જાગૃતિ લાવવાની કામગીરી કરવામાં આવે છે.
ઓઢવમાં રહેતા લાભાર્થિ એવા સુનિતાબેન સપોર્ટ સેંટરના વખાણ કરતા થકતા નથી. તેઓ વર્ષ પહેલા પોતાની દિકરી-જમાઇને લઇ અહીં પ્રથમ વાર આવેલા. દંપતીના કાઉન્સેલીંગ અને તેના પરિણામોથી તેઓ ખુબ ખુશ થયા. સુનિતાબેને ત્યાર બાદ પોતાના દિકરા-પુત્રવધુ અને પડોશમાં રહેતા એક યુવા દંપતીને પણ અહીં આવવા પ્રેર્યા. પોતાના સગા-સંબધીઓ અને રહેણાંક વિસ્તારમાં ક્યાંય પણ કોઇ દંપતી વચ્ચે ખટરાગ-ઝઘડા હોવાનું જાણે તો સુનિતાબહેન તરત તેમને રુબરૂ મળી ઓઢવ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરની મુલાકાત લેવાનું સુચવે છે. આમ ખરા અર્થમાં સુનિતાબહેન ઉક્ત યોજનાના લાભાર્થિથી આગળ વધી પ્રેરણારૂપ બન્યા છે

whatsapp banner 1

તાલીમબદ્ધ કાઉન્સેલરની નિમણૂકઃ આ યોજના હેઠળ નિયત પોલીસ સ્ટેશનમાં નિમણૂક મેળવેલ કાઉન્સેલરને જેન્ડર રિસોર્સ સેન્ટર દ્વારા ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવે છે. જેથી તેઓ પીડિત મહિલા અને તેણીના પરિવારજનો સાથે યોગ્ય કાર્યપદ્ધતિથી ચર્ચા- વિમર્શ કરીને પરસ્પર સમજૂતીથી પારિવારિક સમસ્યાનો ઉકેલ લાવવાની કોશિષ કરે છે, જરૂરિયાત જણાયે પીડિત મહિલાને કાનૂની માર્ગદર્શન પણ પૂરું પાડે છે.

પીડિત મહિલાને નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. કેસની સંપૂર્ણ માહિતી ગોપનીય રાખવામાં આવે છે. વિશ્વસનિયતા અને તટસ્થ અભિગમથી કાયદાની મર્યાદા પ્રમાણે મહિલાને પોતે નિર્ણય લેવા સક્ષમ બનાવવામાં આવે છે. સમસ્યાના ઉકેલ માટેના વિકલ્પો જણાવી મહિલા પસંદ કરે તે વિકલ્પ અનુસરવાની સાથે પીડિત મહિલાને ભયમુકત કરી તેના આત્મસન્માન જાળવવામાં મદદ કરવામાં આવે છે. મહિલા તથા તેની સાથે ઝઘડો-હિંસા કરનાર સાથે વ્યક્તિગત તથા ગ્રુપ મિટિંગ કરવામાં આવે છે. અમુક કિસ્સામાં જરૂર જણાયે ઘરની મુલાકાત (હોમ વિઝિટ) કરવામાં આવે છે. દરેક કેસનું ફોલો-અપ લેવામાં આવે છે.

અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી ઇજાજ મન્સુરીના જણાવ્યા અનુસાર અમદાવાદના ૪ P.B.S.C.-પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર દ્વારા છેલા ૦૨ વર્ષમાં ૫૦૦ જેટલા પારિવારીક વિવાદનો સુખદ અંત લાવી એફ.આઇ.આર. થતી અટકાવવામાં આવી છે. આર્થિક સંકડામણ, સ્વભાવદોષ, અંગત પ્રશ્નો કે વ્યસન જેવા કોઇપણ કારણસર દાંપત્ય જીવનમાં તિરાડ પડી હોય તાલીમબદ્ધ કાઉન્સેલર તેને દુર કરવા પ્રયાસ કરે છે.