Tharad Police station

થરાદ : ફરાર આરોપીને પકડવા ગયેલી પોલીસને ધમકી, ફરી આરોપી ફરાર

Tharad Police station

થરાદ : ફરાર આરોપીને પકડવા ગયેલી પોલીસને ધમકી
આરોપી ફરી ફરાર : ૫ વિરુદ્ધ ગુનો દાખલ

અહેવાલ: ભરત સુંદેશા, બનાસકાંઠા

બનાસકાંઠા, ૧૬ જાન્યુઆરી: થરાદમાં પાટણ જીલ્લાના દારૂના ગુનાના નાસતાં ફરતાં આરોપીને પકડવાં ગયેલ એલસીબીની ટીમને પરિવારે ધમકી આપી હોવાની ઘટના બની છે. ગઇકાલે પાટણ એલસીબીની ટીમ ચોક્કસ બાતમી આધારે દારૂના કેસમાં નાસતાં ફરતાં આરોપીને ઝડપી લેવાં માટે થરાદ તાલુકાના ખારાખોડા ગામે પહોંચી હતી. જ્યાં આરોપીના પરિવારજનોએ પ્રાણઘાતક હથિયારો સાથે ટીમ સામે હથિયારો ઉગામી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ દરમ્યાન અગાઉ દારૂના કેસમાં ફરાર આરોપીને ઝડપ્યાં બાદ પણ પરિવારજનોની દખલગીરીને કારણે આરોપી નાસી છૂટ્યો હતો. ઘટનાને લઇ થરાદ પોલીસ મથકે પોલીસની ફરજમાં રૂકાવટ અને ધમકીઓ આપવાને લઇ ચાર લોકોના નામજોગ ગુનો દાખલ થયો છે.

Whatsapp Join Banner Guj

બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના ખારાખોડા ગામનો પટેલ પુનમાભાઇ તેજાભાઇ પાટણ જીલ્લામાં વાગડોદ પોલીસ મથકના પ્રોહી ગુનામાં ફરાર હતો. આ દરમ્યાન પાટણ એલસીબીના અનાર્મ હેડ કોન્સ લાલભાઇ, અ.હે.કો. જયેશજી અને અપોકો મોડજી સહિતના બાતમી આધારે તેને પકડવા ખારાખોડા ગયા હતા. જ્યાં પહોંચી આરોપીને વોરંટ બતાવી ઝડપીને લઇ જવા દરમ્યાન પરિવારજનો કુહાડી, પાવડો, કોદાળી સહિતના હથિયારો સાથે આવી પહોંચ્યાં હતા. આ સાથે એલસીબી સ્ટાફના માણસોને મોટા અવાજે ગાળો બોલવા લાગ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, દારૂ કેસના આરોપીના પરિજનોએ એલસીબી સ્ટાફની ફરજમાં રૂકાવટ કરતાં આરોપી ફરીથી ફરાર થઇ ગયો હતો. જેને લઇ અનાર્મ હેડ કોન્સ. લાલાભાઇએ પુનમાભાઈ તેજાભાઈ પટેલ, નરસીભાઈ મુળાભાઈ પટેલ, રામજીભાઈ પુનમાભાઈ પટેલ, સમરથભાઈ મુળા ભાઈ પટેલ અને અજાણી મહિલા સામે ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ થરાદ પોલીસ મથકે નોંધાવી છે.

આ પણ વાંચો….અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી કોરોના રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ, CM રૂપાણી તથા નીતિન પટેલ રહ્યાં હાજર