Surat hospital

સ્મીમેરના ગાયનેક વિભાગમાં કોરોના મહામારીમાં પણ ગંભીર બિમારીની સારવાર કરવા માટે તબીબોની ટીમ સજ્જ: ડો. અશ્વિન વાછાણી

સ્મીમેર હોસ્પિટલમાં ૪૨ વર્ષીય મહિલાનું ગર્ભાશયનું સફળ ઓપરેશન:

કોરોના કાળની કપરી પરિસ્થિતિમાં અનેક પ્રકારની જવાબદારીમાં રોકાયેલા સ્મીમેર હોસ્પિટલના તબીબોએ ફરી એકવાર તબીબી ધર્મ નિભાવ્યો

Surat hospital

સ્મીમેરના ગાયનેક વિભાગમાં કોરોના મહામારીમાં પણ ગંભીર બિમારીની સારવાર કરવા માટે તબીબોની ટીમ સજ્જ: ડો. અશ્વિન વાછાણી

નોન કોવિડ બિમારી ધરાવતા દર્દીઓને ઈમરજન્સીમાં જરૂરી આરોગ્ય સેવા પૂરી પાડતું સ્મીમેર હોસ્પિટલ તંત્ર

સુરત:બુધવાર: હાલ સમગ્ર સુરત શહેર કોરોનાની મહામારીના ભરડામાં સપડાયું છે, અને શહેરની બંન્ને મોટી સરકારી હોસ્પિટલ સ્મીમેર અને નવી સિવિલના તબીબો કોરોનાગ્રસ્તોની સારવારમાં સતત કાર્યરત છે, આવા સંજોગોમાં કોવિડ-૧૯ની સિવાયની બિમારી તેમજ ઈમરજન્સીની સ્થિતિમાં દર્દીને તાત્કાલિક સારવાર અને કોઈક કેસમાં ઓપરેશન કરવાની પણ જરૂર પડતી હોય છે. દર્દીની સલામતી માટે મોટા ભાગના કેસમાં ડોક્ટરો ઈમરજન્સી ન હોય તેવા કેસને કોવિડ-૧૯ની મહામારી ઓછી થાય ત્યાં સુધી થોડી રાહ જોઈ ઓપરેશનને હાલ પૂરતું ટાળવાની સલાહ આપતા હોય છે. પરંતુ અમૂક નોનકોવિડ બિમારીના કેસમાં ઓપરેશન કરવું જરૂરી હોય છે. જો ઓપરેશન ન કરવામાં આવે તો બિમારી વધવાથી દર્દીને વધારે પીડા થતી હોય છે તથા દર્દીના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થવાની શક્યતા રહેતી હોય છે, જેથી નોન કોવિડ બિમારી ધરાવતા દર્દીઓને ઈમરજન્સીમાં જરૂરી આરોગ્ય સેવા મળી રહે એની પણ સ્મીમેર અને નવી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા સુયોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.

Surat dr.

કોરોના કટોકટીમાં દર્દીઓની સારવારમાં રોકાયેલા સ્મીમેરના ગાયનેક વિભાગના ડોકટરોની કસોટી ત્યારે થઈ જ્યારે ત્રણ મહિનાથી ગર્ભાશયમાં ગાંઠની સમસ્યાથી પીડાતી મહિલાનું ઓપરેશન માટે દાખલ કરવામાં આવી. આ કસોટીમાંથી પાર ઉતરતાં ગાયનેક વિભાગના ડોક્ટરોએ પડકારજનક સફળ સર્જરી કરીને મહિલાને ગંભીર સ્થિતિમાંથી ઉગારી નવજીવન આપ્યું હતું.

પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગના પ્રોફસર અને હેડ ડો. અશ્વિનભાઈ વાછાણીએ જણાવ્યું હતું કે, ૪૨ વર્ષિય કામિનીબેન નગરકર સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહે છે. જેમને છેલ્લા ૩ મહિનાથી પેટમાં દુ:ખાવો અને માસિકની તકલીફ હતી. થોડા દિવસ પહેલા જ સ્મીમેરના ગાયનેક વિભાગની ઓપીડી નંબર ૨૬માં તપાસ કરવામાં આવી. જેમાં કામિનીબહેનને ૧૨ x ૧૪ સે.મીની FIBRODની ગાંઠ હોવાનું નિદાનમાં જણાયું હતું. હાલની આ કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને દુ:ખાવામાં રાહત થાય તે માટે દવા આપીને થોડી રાહ જોવા માટે કહ્યું હતું. પરંતુ જેમ સમય વિતતો ગયો તેમ કામિનીબહેનની તકલીફમાં વધારો થતો ગયો, ઉપરાંત પેશાબમાં અટકાવની સમસ્યા શરૂ થઈ. તેમનો પરિવાર કામિનીબેનને દર્દી ફરીથી સ્મીમેર હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ આવતા જરૂરી તપાસ કરવામાં આવી. ફરજ પરના ડોક્ટરે વધતી તકલીફને ધ્યાનમાં લઈ તા. ૧૫ જુલાઈના રોજ ગાયનેક વિભાગમાં એડમિટ કર્યા. રોગની ગંભીરતાને ધ્યાનમાં લઈ કોરોના મહામારી વચ્ચે પણ તેમના ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું.

તા. ૧૯ જુલાઈના રોજ સ્મીમેર હોસ્પિટલની ગાયનેક વિભાગની ટીમે ડો. અશ્વિનભાઈ વાછાણીની નિગરાની હેઠળ ઓપરેશન કરી આશરે ૧૨x૧૪ સે.મી.ની ગાંઠ કાઢવામાં આવી. સર્જરીમાં દર્દીને ઓપરેશન દરમ્યાન અને ઓપરેશન પહેલા એમ કુલ મળીને ત્રણ બોટલ લોહી પણ ચડાવવામાં આવ્યું. આવી કોરોના કાળની કપરી પરિસ્થિતિમાં અનેક પ્રકારની જવાબદારીમાં રોકાયેલા સ્મીમેર હોસ્પિટલના તબીબોએ ફરી એકવાર તબીબી ધર્મ નિભાવી ગર્ભાશયની ગંભીર બિમારીથી પિડાતા કામિનીબેનને માત્ર ગણતરીના કલાકોમાં ઉગારી લીધા. તબીબોની મહેનતથી ગંભીર હાલતમાં દાખલ થયેલા કામિનીબેન હાલ ખતરાથી બહાર છે, તેઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ થઈ પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાયરસની મહામારીના સમયે સ્મીમેર હોસ્પિટલના ગાયનેક વિભાગના તબીબો અને નર્સિંગ સ્ટાફની ઉમદા કામગીરીથી ફરી એક વાર એક મહિલાને જીવતદાન મળ્યું છે.