surat thambnail

કોવિડ, જનરલ અને સોલિડ એમ ત્રણ અલગ અલગ ગાડીઓ મારફતે બાયો-મેડિકલ વેસ્ટ ડિસ્પોઝલની ખાસ તકેદારી

સ્મીમેર હોસ્પિટલનું આદર્શ ‘બાયો-મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ’

કોવિડ, જનરલ અને સોલિડ એમ ત્રણ અલગ અલગ ગાડીઓ મારફતે બાયો-મેડિકલ વેસ્ટ ડિસ્પોઝલની ખાસ તકેદારી

Medical waste surat 5

બેગોના પેકિંગ પર કોવિડ-૧૯ ટેગ લગાવવામાં આવે છે: ડો. રાજીવ કુમાર, બાયોલોજી ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર

સુરત: સ્મીમેર હોસ્પિટલમાં બાયો વેસ્ટને કલર કોડ પ્રમાણે વિવિધ બેગમાં એકત્ર કરી તેને યોગ્ય રીતે નિકાલ કરવાની જવાબદારી ફરજ પર રહેલા સ્મીમેરના સ્ટાફ નર્સ તથા વોર્ડ ઇન્ચાર્જ બખૂબી નિભાવી રહ્યા છે. સ્મીમેર હોસ્પિટલ ખાતે ‘બાયો-મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ’ ખુબ જ સાર્થક નીવડયું છે. જેના ખરા યશભાગી મહાનગરપાલિકા કમિશનર શ્રી બંછાનિધિ પાની, ડોકટરો અને નાના કર્મચારીઓ છે.

સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં બાયોમેડિકલ વેસ્ટ આરોગ્યની દ્રષ્ટિએ ખુબ ઘાતક હોવાથી તેને કેન્દ્રના આરોગ્ય વિભાગની ગાઈડલાઈન અનુસાર વૈજ્ઞાનિક પદ્ધતિથી નષ્ટ કરવો ખુબ જરૂરી હોય છે. કોવિડ ૧૯ની વૈશ્વિક મહામારીમાં સ્મીમેર અને સિવિલ તંત્ર દ્વારા બાયોવેસ્ટનો કાળજીપૂર્વક નિકાલ કરવામાં આવી રહ્યો છે. બાયો મેડિકલને ખુલ્લી જગ્યામાં ફેંકવામાં આવે તો આરોગ્યની દ્રષ્ટિએ ખુબ નુકસાનકારક હોય છે. બાયો વેસ્ટમાં પ્લાસ્ટિકની બોટલો તથા ઈન્જેકશનની સિરીંજનો રિ-યુઝ ન થાય તે માટે કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા વર્ષ ૧૯૯૮ના કાયદા અનુસાર બાયોવેસ્ટ માટે ચોક્કસ માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત છે. 

Medical waste surat 2

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ની ગાઈડલાઈનને અનુસરી બાયો-મેડિકલ કચરાનો નિકાલ કરે છે. ઘરગથ્થુ કચરાને અનેક પ્રકારે ઉપયોગમાં લઈ શકાય છે, જ્યારે આ બાયોવેસ્ટમાં અનેક પ્રકારના રોગોના ધાતક વિષાણુંઓ હોય છે.

સ્મીમેરના બાયોલોજી ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર ડો. રાજીવ કુમારે જણાવ્યું હતું કે, સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ(CPCB)ના નિયમોને આધિન કોવિડના દરેક વોર્ડથી કોવિડ-૧૯ના નિયમ અનુસાર ૧૦થી ૧૫ ટકા ડિસ્પોઝેબલ બાયો-મેડિકલ વેસ્ટને અલગ કરવો ખૂબ જ જરૂરી હોય છે. જેથી યલો બેગ અને રેડ બેગને અલગ-અલગ ડબલ બેગ પેકિંગમાં પેક કરી ઉપર કોવિડ-૧૯ની નેમ ટેગ લગાવવામાં આવે છે. બાકીના સોલિડ વેસ્ટને પેકિંગ કરીને તમામ બેગ પર સોડિયમ હાઈપોક્લોરાઈડ સોલ્યુશનનો છંટકાવ કરી ડસ્ટબિન બોક્ષમાં નાંખીને સફાઈ કર્મચારી દ્વારા લઈ જઈ બાયોવેસ્ટને ઈન્સ્પેક્શન કંટ્રોલ સુપરવાઇઝરની દેખરેખ હેઠળ નિયત વાહનમાં મોકલવામાં આવે છે. 

Medical waste surat 8

ડો. રાજીવ કુમારે કહ્યું કે, કોરોનાની મહામારીમાં હોસ્પિટલનો બાયોમેડિકલ વેસ્ટ ચેપ ન ફેલાવે તેવી તકેદારી રાખવી જરૂરી છે. જેથી પ્રવર્તમાન પરીસ્થિતિમાં ચેપી કોરોના રોગની સારવારમાં લેવાતા સાધનો, બાયો વેસ્ટથી સંક્રમણ ન ફેલાય એ માટે અમે પહેલાથી જ શ્રેષ્ઠ વ્યવસ્થા ઊભી કરી છે. ખાસ કરીને બાયો વેસ્ટથી અન્ય લોકો સહિત હોસ્પિટલમાં કામ કરતાં તબીબો, પેરા મેડિકલ સ્ટાફ પણ સંક્રમણનો શિકાર ન બને તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. 

સ્મીમેરના ડેપ્યુટી નર્સિંગ ડોરોથી મેકવાને જણાવ્યું કે, બાયો-મેડિકલ વેસ્ટને કોવિડ વોર્ડથી સ્પેશિયલ લિફ્ટ મારફતે ટેમ્પરરી સ્ટોરેજ રૂમ તરફ લઈ જવામાં આવે છે. જે દરમિયાન પસાર થતી વખતે તમામ જગ્યાએ સેનિટાઈઝેશન કરવામાં આવે છે. હાલ કોરોના કટોકટીમાં સ્મીમેર હોસ્પિટલ દ્વારા બાયો વેસ્ટ માટે તમામ તકેદારી રાખવામાં આવે છે. બાયો વેસ્ટ માટે યલો કલરની બેગમાં પી.પી.ઈ. કિટ, હેડ કેપ, માસ્ક, લેબોરેટરી વેસ્ટ, કેમિકલ વેસ્ટ, ફૂડ મટિરિયલને પેક કરવામાં આવે છે, જ્યારે રેડ કલરની બેગમાં ચેપી તથા જંતુયુક્ત વેસ્ટ, પ્લાસ્ટિક મટિરિયલ, હેન્ડ ગ્લોવ્ઝ, ગોગલ્સ જેવી વસ્તુને પેક કરીને ટ્રોલી મારફતે હોસ્પિટલના તમામ વોર્ડથી એકત્ર કરવામાં આવે છે. 

Medical waste surat 7

સ્મીમેરના સુપરવાઇઝર મયુરકુમારે જણાવ્યું કે, સંપૂર્ણ હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓ માટે પી.પી.ઈ. કિટ, ફેસ માસ્ક, કેપ ગોગલ્સ પહેરીને સુરક્ષા સાથે ૨૪ કલાક ત્રણ જુદી જુદી શિફ્ટમાં કામ કરવામાં આવે છે. સ્મીમેર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ બાયો-મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ થઈ રહ્યો છે. સુપરવાઇઝર અજયભાઈની નિગરાનીમાં બાયો-મેડિકલ વેસ્ટને વજન કરીને કોવિડ, જનરલ અને સોલિડ એમ ત્રણ અલગ અલગ ગાડીઓ મારફતે બાયો-મેડિકલ વેસ્ટને ડિસ્પોઝ કરવાનું હોસ્પિટલ તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવે છે. 

આમ, સ્મીમેર હોસ્પિટલ દ્વારા બાયોવેસ્ટની ખુબ જ સલામતીપુર્વક નિકાલની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.