Surat PPE kit sanetizer

કોરોનાકાળથી રજા વિના નવી સિવિલમાં સેનિટાઈઝેશનની કામગીરી નિભાવી રહેલા સન્ની સોલંકી

Surat PPE kit sanetizer

સિવિલમાં સફાઈ અને સેનિટાઈઝેશનની કામગીરી નિભાવી રહેલા વર્ગ ચારના
કર્મચારીઓનું આગળ પડતું યોગદાન

રિપોર્ટ: મહેન્દ્ર વેકરીયા
સુરતઃમંગળવારઃ– કોરોનાકાળથી સંક્રમણ થયું, ત્યારથી ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ,  આરોગ્ય વિભાગના કર્મચારીઓ, સફાઈ અને સેનિટાઈઝેશન કર્મચારીઓ પ્રથમ હરોળના કોરોના વોરિયર્સ તરીકે ઉભરી આવ્યા છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને કોવિડ ૧૯ હોસ્પિટલ ખાતે કોરોનાની શરૂઆતથી સેનિટાઈઝેશનની કામગીરી નિભાવી રહેલાં સન્ની સોલંકી એક પણ રજા વિના સિવિલ હોસ્પિટલમાં સેનિટાઈઝેશન અને ડિસઇન્ફેકશનની કામગીરી બખુબી નિભાવી રહ્યા છે.  
           જયાં જયાં સ્વચ્છતા ત્યાં ત્યાં પ્રભુતાના સૂત્રને સાર્થક કરતા નવાગામ ડીંડોલી ખાતે રહેતા અને સિવિલમાં સર્વન્ટ તરીકે નોકરી કરતાં ૩૫ વર્ષીય સન્નીભાઈ બાલુભાઈ સોલંકી સેનિટાઈઝેશન અને બાયો મેડિકલ વેસ્ટના નિકાલની કામગીરી ખંતપૂર્વક નિભાવી રહ્યા છે. સન્ની સોલંકી જણાવે છે કે, ‘ઘર પરિવારની પરવા કર્યા વિના અમે સૌ કર્મચારીઓ પણ રાતદિવસ ફરજ નિભાવીએ છીએ.
સિવિલના કોઈ પણ ડોક્ટર્સ, સ્ટાફ કે દર્દીઓ, અને તેમના પરિવારજનોની આરોગ્ય સુરક્ષા માટે અમે નિયમિતપણે જુદા જુદા વિભાગો અને કોવિડ વોર્ડમાં પણ સેનિટાઈઝેશન અને ડિસઇન્ફેકશનની કામગીરી પીપીઈ કીટ પહેરીને સમયસર કરીએ છીએ. હોસ્પિટલમાં આવતા કોઈ પણ વ્યક્તિ કોરોના સંક્રમણથી સુરક્ષિત રહે અને તેમની સલામતી જળવાઈ રહે એ માટે સેનિટાઈઝેશનની કામગીરી સતત કરીએ છીએ.   
        કોરોનાની શરૂઆતમાં થોડો ડર લાગતો હતો, હવે સાવચેતીના પગલાં અચૂક લેવાતા હોવાથી હવે ડર લાગતો નથી એમ જણાવતાં સન્નીભાઈ ઉમેરે છે કે, હું સવારે ૮ થી બપોરે ૦૨ વાગ્યાની શિફ્ટમાં કામ કરૂ છું. ક્યારેક વધુ કામ હોય તો વહેલી સવારે ૬ વાગ્યે પણ સિવિલમાં પહોંચીને મારૂં કામ સંભાળી લઉ છું. મારે સંતાનમાં એક બેબી છે. બેબીની તેમજ ઘરના અન્ય સભ્યોની સુરક્ષા માટે હું તેનાથી હંમશા અંતર જાળવી રાખું છું. અમે કોવિડ વોર્ડમાં કામ દરમિયાન દર્દીઓ સાથે વાતચીત કરી તેમને હિંમત પણ આપીએ છીએ.
કોરોનાકાળમાં સેનેટાઈઝ અને સફાઇની કામગીરી સ્વચ્છતાની દ્ષ્ટિએ ખુબ જ મહત્વની છે. આ કામગીરી સફાઇ કર્મીઓ ખંતથી નિભાવી રહયા છે.