કોરોના સામેના યુદ્ધમાં સયાજી હોસ્પિટલ દ્વારા ટેલી મેન્ટરિંગ અને ટેલી કંસલટેસન સેવાઓના સફળ પ્રયોગ

સયાજી હોસ્પિટલમાં સાર સંભાળ

Sayaji Hospital tele medicine
  • કોરોનાની સમુચિત સારવારમાં યુદ્ધના મોરચે ઘાયલ સૈનિકોની સારવાર કરવા માટે ઉપયોગમાં લેવાતી અપ્રત્યક્ષ પદ્ધતિઓનો સયાજી હોસ્પિટલમાં થયો સફળ વિનિયોગ
  • કોરોના સામેના યુદ્ધમાં રોગીઓને બચાવવા અને નિર્ધારિત ગાઈડ લાઈનની સમજ આપવા સયાજી હોસ્પિટલ દ્વારા સાત ઝોનના જિલ્લાઓમાં ટેલી મેન્ટરિંગ અને ટેલી કંસલટેસન સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે

વડોદરા, ૩૦ ઓક્ટોબર: સયાજી હોસ્પિટલ એ વડોદરા ઉપરાંત આસપાસના લગભગ આઠ જેટલા જિલ્લાના કોરોના રોગીઓની સારવાર કરીને ખૂબ ઉમદા યોગદાન આપ્યું છે.તેની સાથે કોવિડ પીડિતોની ઉચિત સારવારનું અને ભારત સરકારની આરોગ્ય સંસ્થાઓ દ્વારા નિર્ધારિત ગાઈડ લાઈન અને તેમાં ફેરફારોનું મધ્ય ગુજરાતના સાત ઝોનના તબીબો અને આરોગ્ય કર્મચારીઓના સમજણ કેળવવાનું અગત્યનું કામ મેડીસીનના પ્રા. ડો. રૂપલ દોશી અને સહયોગી પ્રા. ડો.હિમાંશુ રાણા દ્વારા સતત કરવામાં આવી રહ્યું છે જે સારવારને વધુ અસરકારક બનાવવામાં અને દૂરના જિલ્લાઓમાં સારવાર હેઠળના દર્દીઓની જીવન રક્ષા કરવામાં ખૂબ ઉપયોગી પુરવાર થયું છે.

ટેલી મેન્ટરીંગ અને ટેલી કન્સલ્ટેસન જેને સરળ ગુજરાતીમાં કદાચ અપ્રત્યક્ષ માર્ગદર્શન કે પીઠબળ અને અપ્રત્યક્ષ સારવાર સલાહ કહી શકાય તેવી આ પદ્ધતિઓનો વિનિયોગ યુદ્ધના મોરચે જ્યારે સૈનિકો ઘવાયાં હોય અને બેઝ હોસ્પિટલ દૂર હોય ત્યારે તેમની સારવાર માટે,બહુધા જે તે સમયે ટેલિફોનથી થતો હતો. કોરોના સામેની લડાઈ કોઈ યુદ્ધથી કમ નથી એટલે આરોગ્ય વિભાગે આ પદ્ધતિઓનો ઉપયોગ હાલની ડિજિટલ અને ઓનલાઇન સુવિધાઓનો ઉપયોગ કરીને કર્યો છે અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓના બનેલા સાત ઝોનમાં સયાજી હોસ્પિટલ ના નિષ્ણાત તબીબો ની ટીમ આ સેવાઓ,લગભગ કોરોના કટોકટીની શરૂઆતથી અને જુલાઇ મહિનાથી ખૂબ સઘન રીતે પૂરી પાડી રહી છે જે ગૌરવની વાત ગણાય એમ કોરોના સારવાર સુવિધાના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી.નું કહેવું છે.

sayaji

આ કામગીરી હેઠળ ઓનલાઇન ઉપરાંત ઝોનમાં સમાવાયેલા તમામ જિલ્લાઓના કેન્દ્રોમાં જઈને મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફને કોરોનાની સારવાર અને તકેદારીઓની તાલીમ આપવાની સાથે સંબંધિત વિસ્તારની કોરોના વિષયક અગત્યની માહિતી એકત્ર કરીને આરોગ્ય વિભાગને પૂરી પાડવાની ખૂબ અગત્યની કામગીરી કરવામાં આવી છે.

ડો.બેલીમ જણાવે છે કે આ ઉપરાંત વડોદરા શહેરમાં કોવિડ સારવારની સુવિધાઓનો વ્યાપ વધારવા જ્યારે ખાનગી દવાખાનાને માન્યતા આપવાની વાત આવી ત્યારે ઉપર જણાવેલા તબીબોના વડપણ હેઠળની ટીમે જે તે હોસ્પિટલમાં ઉપલબ્ધ સારવાર સુવિધાઓના સઘન અવલોકન અને અભ્યાસને આધારે મંજૂરીની ભલામણનું કામ કર્યું છે.આમ,આ વિભાવના હેઠળ ઉચિત સારવારના અને સમુચિત શિક્ષણ અને તાલીમના કામની સાથે ,કોરોના સારવાર સુવિધાના વિસ્તરણમાં ખૂબ ચાવીરૂપ યોગદાન આપવામાં આવ્યું છે.

whatsapp banner 1

સયાજી હોસ્પિટલના ડો.રૂપલ અને ડો. હીમાંશુના વડપણ હેઠળ વિશ્વ આરોગ્ય સંસ્થા,ભારત સરકાર અને આઇ.સી.એમ.આર.ની નવી અને સંશોધનો પ્રમાણે સતત બદલાતી કોરોના ગાઈડ લાઈનથી સાત ઝોનના આરોગ્ય સમુદાયને સતત વાકેફ રાખવાની અને તેની સમજણ કેળવવાની કામગીરી કરવામાં આવી છે અને હજુ કરવામાં આવી રહી છે. આ ટીમ દૂર દૂરના ગામોમાં આવેલા નાના સેન્ટરના ગામોની મુલાકાત લેતી અને જ્ઞાનની વહેંચણી કરતી અને તેની સાથે સમગ્ર ઝોનના દરેક સેન્ટરમાં નિર્ધારિત ગાઈડ લાઈન અનુસરીને જ સારવાર કરવામાં આવે છે કે નહિ તેની મોનીટરીંગ પણ કરતી. સયાજી હોસ્પિટલની આ ટીમે વડોદરા શહેરી વિસ્તાર અને ગ્રામ વિસ્તાર ઉપરાંત ગોધરા,દાહોદ,મહીસાગર,છોટાઉદેપુર,નર્મદા, ભરૂચ અને અંકલેશ્વરને તેમની સેવાઓ આપી છે,બલ્કે હજુ આપી રહી છે.

ડો.બેલીમ જણાવે છે કે ડો.રૂપલ અને ડો.હિમાંશુ ની મુખ્ય કમિટી અંતર્ગત એક પેટા કમિટી પણ બનાવવામાં આવી છે અને આ લોકોએ ટેલી મેંટરિંગના દૈનિક બે પ્રમાણે ૨૫૦ થી ૩૦૦ જેટલાં ઓનલાઇન સત્રો યોજીને અને અપ્રત્યક્ષ સારવાર પરામર્શ હેઠળ રોજના ૨૦ થી ૨૫ પ્રમાણે અંદાજે ૨૫૦૦ થી વધુ કોરોના પીડિતોની સારવારને અસરકારક દિશા આપવાનું જીવન રક્ષક કામ કર્યું છે.

રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે કોરોના કટોકટીમાં લોકોની જીવન રક્ષા કરવા વિશ્વમાં પ્રચલિત સારવાર પ્રથાઓનો વિનિયોગ કર્યો છે.આ તમામ પ્રથા અને પરંપરાઓનો પીડિતો સુધી લાભ પહોંચાડી અને તેમનું આરોગ્ય સુધારવા સયાજી હોસ્પિટલ એ સતત પરિશ્રમ સંનિષ્ઠ ટીમના માધ્યમથી કર્યો છે.તેનું ઉદાહરણ ટેલી મેન્ટરીંગ અને ટેલી કન્સલ્ટેસનના સફળ વિનિયોગમાં જોવા મળે છે.

આ પણ વાંચો: આત્મનિર્ભર યોજના અંતર્ગત મળેલી લોનથી મારો ધંધો આગળ વધશે: ઓટો ગેરેજ સંચાલક