Hastkala Setu Yojana Rajkot

ભાતીગળ હસ્તકલાના જતન અને સંવર્ધન સાથે ગ્રામિણ અર્થતંત્રને મજબુત બનાવતી રાજય સરકારની “હસ્તકલા સેતુ યોજના”

Hastkala Setu Yojana Rajkot 3
  • ભાતીગળ હસ્તકલાના જતન અને સંવર્ધન સાથે ગ્રામિણ અર્થતંત્રને મજબુત બનાવતી રાજય સરકારની  “હસ્તકલા સેતુ યોજના” 
  • રાજયના રાજકોટ સહિત છ જિલ્લાઓમાં પ્રાયોગિક ધોરણે અમલવારીનો પ્રારંભ
  • રાજકોટ જિલ્લામાં ૧૯ જાગૃતિ કાર્યક્રમોમાં ૫૪૧ કારીગરો જોડાયા

અહેવાલ: રશ્મિન યાજ્ઞિક, રાજકોટ

રાજકોટ તા.૨૨ ડીસેમ્બરઃ- ભારતીય અર્થતંત્રમાં ગ્રામિણ અર્થતંત્ર એક મહત્વપૂર્ણ પાસું છે. આ ગ્રામિણ અર્થતંત્રને ઘબકતું રાખવા અને સબળ, સુનિયોજિત  અને સમૃધ્ધ ગ્રામ્ય અર્થવ્યવસ્થા થકી રાજય અને દેશના અર્થતંત્રને મજબુત બનાવવા અમલી અનેક યોજનાઓ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ચાલી રહી છે.

whatsapp banner 1

 રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વડપણ હેઠળ કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ ગાંધીનગર દ્વારા આવી જ એક હસ્તકલા કારીગરોને પ્રોત્સાહિત કરવા મહત્વાકાંક્ષી યોજના “હસ્તકલા સેતુ યોજના”  હાલ અમલી બનાવાઇ છે. ગુજરાતના જુદા વિસ્તારોની ભાતીગળ વૈવિધ્યતા જાળવાઇ રહે  અને ઉત્તરોતર હસ્તાંતર દ્વારા સચવાઇ રહે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. આ હેતુને સિધ્ધ કરવા અને સુચારૂ રૂપે યોજનાના અમલીકરણનું કાર્ય ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાને સોંપવામાં આવ્યું છે.

 આ યોજના અંતર્ગત હસ્તકલાના કારીગર ભાઇઓ અને બહેનોને પડતી મુશ્કેલીઓમાં મદદરૂપ થવા જરૂરી માર્ગદર્શન, ખાસ તાલીમ, બેન્ક લીંકેજ જેવી કામગીરી ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમો અન્વયે કરવામાં આવી રહી છે.

Hastkala Setu Yojana Rajkot

 રાજકોટ જિલ્લામાં ગઢડીયા,મોટીચાણોલ, હડમતીયા, બરવળા, લાલવદર, મુંઝકા, ગૌરીદળ, રેશમડી ગાલોળ, ગોવિંદપર, દહીંસરડા, પારડી, થાણાગાલોળ, ઢોલરા, ગોંડલ , જેતપુર અને પડધરીના ગામોમાં આયોજિત ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમો અન્વયે ૫૪૧ લોકોને સહભાગી બનાવાયા હતા. જેઓને હસ્તકલા સેતુ યોજનાના સંયોજક શ્રીગીરીશભાઇ જોશી અને શ્રી ભરતભાઇ શ્રીમાળીએ યોજનાનો હેતુ, ઉદેશ વિવિધ તબ્બકાઓ વિશે જાણકારી આપી હતી. આ ઉપરાંત આ કાર્યક્રમો દરમિયાન વિવિધ હસ્તકલાઓ જેવી કે માચી કામ, ભરતકામ, મોતીકામ,ખાટલીવર્ક, વાંસની બનાવટો, પટારીવર્ક અને હાથશાળ તથા પટોળાવર્ક કરતા કારીગરો સાથે તેઓને પડતી મુશ્કેલીઓ અને તેના નીવારણ બાબતે પરસ્પર સંવાદ પણ કરાયો હતો.

રાજકોટ જિલ્લામાં યોજાયેલ કુલ ૧૯ જાગૃતિ કાર્યક્રમો દરમિયાન કોરોના મહામારીને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવા ઉપરાંત હેન્ડ સેનીટાઇઝર  અને માસ્ક જેવી સુવીધાઓ પણ ઉપલબ્ધ કરાવાઇ હતી.

ઉલલેખનીય છે કે હાલ આ “હસ્તકલા સેતુ યોજના”નું પ્રાયોગિક ધોરણે રાજયના માત્ર છ જિલ્લામાં અમલીકરણ થઇ રહ્યું છે. જેમાં રાજકોટ ઉપરાંત જામનગર, કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને અમદાવાદનો સમાવેશ થાય છે.   

આ પણ વાંચો….