રાજ્યવ્યાપી પોષણ માહની ઉજવણી અંતર્ગત રાજકોટમાં પણ આજથી પ્રારંભ

૧ સપ્ટેમ્બરથી રાજ્યવ્યાપી “પોષણ માહ”ની ઉજવણીનો શુભારંભ

 રાજકોટ, ૩૧ ઓગસ્ટ: સુપોષણયુક્ત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા માટે મહિલા અને બાળ વિકાસની કચેરી, ગાંધીનગર દ્વારા પોષણ અભિયાન અંતર્ગત તા.૧ સપ્ટેમ્બર થી રાજ્યવ્યાપી ” પોષણ માહ, સપ્ટેમ્બર-૨૦૨૦”ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે સરકારના જુદા જુદા વિભાગો સાથે સંકલન કરીને “પોષણ માહ”માં બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસ, એનેમિયા, ઝાડા નિયંત્રણ, હેન્ડ વોશ – સેનિટેશન તથા પૌષ્ટિક આહાર જેવા પાંચ ઘટકો પર વિશેષ કામ કરવામાં આવશે.

        આ સંદર્ભે તા. ૧ સપ્ટેમ્બરના રોજ વેબિનારના માધ્યમથી પોષણ શપથ લઈને જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ અને સહકર્મીઓ સાથે ગ્રામ્ય કક્ષા સુધી પોષણ મહિનાના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે. જે અન્વયે મહિનાના ચાર અઠવાડિયામાં આરોગ્યલક્ષી વિષયો અને પ્રવૃતિઓ સાથે બાળક, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓને તંદુરસ્ત સ્વાસ્થ્ય અને પોષણયુક્ત આહાર વિશે જાગૃત કરવામાં આવશે.

        આ ઉપરાંત ચુંટાયેલા પ્રતિનિધિ અને અધિકારીઓ દ્વારા ગૃહ મુલાકાત લેવી, વેબિનારનું આયોજન કરીને સ્વાસ્થ્યલક્ષી માહિતી આપવી, જોખમી સગર્ભા માતાઓ જોડે સ્વાસ્થ્ય સંદર્ભે ટેલીફોનીક વાતચીત કરીને ફોલોઅપ લેવું, ન્યુટ્રી ગાર્ડન વિશે સમજ આપવી, નિષ્ણાંતોનાં દ્વારા સગર્ભા માતાઓની તપાસ કરવી, બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસ અને સ્તનપાનના મહત્વ વિશે જાણકારી આપવી, કુપોષિત બાળકો સાથે મુલાકાત લેવી, ચેપ, નિવારણ અને નિયંત્રણના પગલાં હેઠળ ફેસ માસ્ક અને સેનેટાઈઝરના ઉપયોગ અંગે પ્રચાર-પ્રસાર નિદર્શન કરવું, કિશોરીઓને અને માતાને સ્વ અને બાળકના સ્વાસ્થ્યની તકેદારી અંગે સમજ કેળવાઈ તે માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવા સહિતની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે.

        અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ સમગ્ર વિશ્વ કોરોના સામે લડાઈ લડી રહ્યું છે. ત્યારે પોષણ મહિના અભિયાન અંતર્ગત ભારત સરકાર દ્વારા પ્રકાશિત તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરીને સોશ્યિલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરીને લોકોને જાગૃત કરવામાં આવશે તેમજ સામાજિક અંતર જળવાઈ રહે તેનું ધ્યાન રાખીને વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમ અને પ્રવૃતિઓનું આયોજન કરીને પોષણ મહિનાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે તેમ આઈ.સી.ડી.એસ વિભાગ રાજકોટના પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દેવની યાદીમાં જણાવાયું છે.

અહેવાલ:પ્રિયંકા પરમાર