Dr Amit patel Surat edited

કોરોના સામેના જંગમાં અધિકારીથી લઈ સફાઈ કર્મચારીઓનું ગ્રાઉન્ડ લેવલનું મહત્વનું યોગદાન

સુરત મહાનગરપાલિકાના અડીખમ યોદ્ધાઓ

  • કોરોના સંક્રમિત થયેલા ૧૨૫૦ કર્મચારીઓમાંથી ૧૨૦૧ સ્વસ્થ થઈ લોકોની સેવામાં
  • કોરોના સામેના જંગમાં મહાનગરપાલિકાના ક્લાસ વન અધિકારીથી લઈ સફાઈ કર્મચારીઓનું ગ્રાઉન્ડ લેવલનું મહત્વનું યોગદાન

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત

સુરત, ૨૦ ડિસેમ્બર: કોરોનાકાળના પ્રારંભથી જ સુરત મહાનગરપાલિકાના ક્લાસ વન અધિકારીથી લઈ સફાઈ કર્મચારી મળી કુલ ૨૦ હજાર કર્મચારીઓએ કોરોના સંક્રમણ ખાળવામાં ઉમદા ભૂમિકા નિભાવી રહ્યાં છે. આ યોધ્ધાઓ સન્માનને યોગ્ય છે. ફરજ દરમિયાન પાલિકાના ૧૨૫૦ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા, જે પૈકી ૧૨૦૧ કર્મચારીઓ કોરોનાને મ્હાત આપી પોતાની ફરજમાં જોડાયા છે. ૨૫ કર્મચારીઓ હાલ સારવાર લઈ રહ્યા છે, જ્યારે ૨૪ કર્મચારીઓનું અવસાન થયું છે.

ભગવાન શ્રીરામે જ્યારે લંકા પહોંચવા સેતુ બાંધ્યો, તે સમયે વાનરસેના સાથે નાનકડી ખિસકોલીએ પણ યથાયોગ્ય સહયોગ આપી સેતુ નિર્માણમાં મહત્વની ભુમિકા અદા કરી હતી. કોઈ પણ કાર્યની સફળતામાં નાનામાં નાના વ્યક્તિનું યોગદાન પણ એટલું જ મહત્વ ધરાવે છે. કોરોનાકાળમાં પાલિકાના ઉચ્ચ અધિકારીઓ, ક્લાસ વન, ક્લાસ ટુ ઓફિસરો સાથે સફાઈ અને સુરક્ષા કર્મચારીઓ જેવા અનેક અદના કોરોના વોરિયર્સ કોરોનાને પરાસ્ત કરવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

whatsapp banner 1

કોરોનાની વૈશ્વિક મહામારીમાં વરાછા ઝોન-બીની જવાબદારી સાથે પ્રજાની સેવામાં સમર્પિત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરશ્રી એન.વી.ઉપાધ્યાયને તા.૧૦ જુલાઈએ તાવના લક્ષણો જણાતા તપાસમાં તા.૧૨ જુલાઈના રોજ કોવિડ રિપોર્ટ પોઝિટીવ આવ્યો, જેઓ સારવાર બાદ સ્વસ્થ થઈ પુનઃ ફરજમાં જોડાયા છે. શ્રી ઉપાધ્યાય કહે છે કે, શહેરીજનોની સેવા એ મારી નૈતિક અને પ્રાથમિક ફરજ છે. ઈશ્વરે વૈશ્વિક મહામારીમાં લોકોની સેવા કરવા નિમિત્ત બનાવ્યો છે. મારા જેવા કેટલાય સહકર્મીઓ, સફાઈ-સુરક્ષાકર્મીઓ, અધિકારીઓ પૂરી લગનથી ફરી એકવાર કોરોનામુક્ત થયાં બાદ ફરજમાં જોડાઈ ચૂક્યા છે

કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ સફાઈની ફરજ બખુબી નિભાવનારા ચૌટાપુલ સેન્ટ્રલ ઝોનમાં સફાઈકામ કરતાં ૫૭ વર્ષીય સફાઈ કર્મચારી માલીબેન પ્રેમજીભાઈ સુમરા ગત તા.૮મી ઓગસ્ટના રોજ કોરોનાગ્રસ્ત થયાં. ૧૭ દિવસની સારવાર બાદ કોરોનામુક્ત થઈ ફરજ પર હાજર થયા હતા. તેઓ કહે છે કે, કોરોનાની વિકટ પરિસ્થિતિમાં જો અમે અમારી ફરજ ભુલી જઈશું તો સફાઈ કોણ કરશે?, શહેર સ્વચ્છ રહેશે, સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ મળશે તો કોરોના અટકશે, શહેરની સ્વચ્છતા એ અમારૂ કર્તવ્ય છે. લોકોને સંદેશો આપતા તેઓ કહે છે કે, આપાણી તબિયત સાચવવી આપણા હાથમાં જ છે, આપણે માસ્ક પહેરીને જ બહાર નીકળવું જોઈએ.

Dr Amit patel Surat edited

નોર્થ ઝોનના શહેરી આરોગ્ય વિભાગમાં ફરજ બજાવી રહેલા ડો.અમિત પટેલ તા.૦૩ જુલાઈના રોજ દર્દીઓની સેવા કરતાં કોરોના પોઝિટીવ થયા. ૧૪ દિવસ હોમ ક્વોરન્ટાઈન રહી સાજા થઈ પાછા ફરજ પર હાજર થયા છે. તેઓ જણાવે છે કે, પરિવારથી દૂર ભલે રહેવું પડે,પણ કોવિડ દર્દીઓને સ્વસ્થ કરવા એ અમારી પહેલી ફરજ છે.પીપીઈ કિટ, સેનિટાઈઝર, ફેસ માસ્ક, ફેસ શિલ્ડ, હેન્ડ ગ્લોવ્ઝ સહિતની કાળજી રાખવાં છતાં પણ કોરોનાના શિકાર થઈએ છીએ, ત્યારે આમ નાગરિકોએ શક્ય તેટલી સાવધાની રાખી આરોગ્યતંત્ર અને સરકારને સહકાર આપી વૈશ્વિક મહામારીનો વ્યાપ રોકવા સૌએ સંકલ્પબદ્ધ થવું જરૂરી છે.

છેલ્લા નવ મહિનાથી મહાનગરપાલિકામાં કોરોના કટોકટી વચ્ચે લોકોની સેવામાં કાર્યરત પાલિકાના તમામ કર્મચારીઓની સેવાને સલામ છે.