CM Rupani

સિરામીક ઊદ્યોગોને ગેસ બિલમાં ૧૬ ટકાની રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો રાજ્યના સિરામીક ઊદ્યોગોને ગેસ બિલમાં ૧૬ ટકાની રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય

  • મોરબી-સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના ૧૧૬૦ સિરામિક ઉદ્યોગોને મળશે રાહત
  • કોરોના કાળમાં સિરામીક ઇન્ડસ્ટ્રીને રાહત આપતાં શ્રી વિજયભાઇ રૂપાણી
  • ગેસના ભાવમાં વધારાની રૂ. ર.પ૦ની પ્રતિ SCM છૂટ આપતા મુખ્યમંત્રીશ્રી
  • અગાઉ રૂ. ર ની રાહત આપ્યા બાદ વધુ એક રાહત
CM Rupani VMC

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ

ગાંધીનગર, ૦૮ સપ્ટેમ્બર:મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના સિરામીક ઊદ્યોગોને ગેસ બિલમાં ૧૬ ટકાની રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી મોરબી, સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના કુલ ૧૧૬૦ સિરામીક ઊદ્યોગોને ગુજરાત ગેસ કંપની લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ ગેસના બિલમાં પ્રતિ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મિટર (SCM) રૂ. ર.પ૦ વધારાની રાહત મળશે.

અગાઉ શ્રી વિજયભાઇ રૂપાણીએ આ ઊદ્યોગોને પ્રતિ SCM રૂ. ર(બે)ની બિલ રાહત આપ્યા બાદ આજે ઉચ્ચસ્તરીય બેઠકમાં વધારાના રૂ. ર.પ૦ની રાહતનો નિર્ણય કર્યો હતો.મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને પરિણામે રાજ્યના સિરામીક ઊદ્યોગો વર્લ્ડ માર્કેટમાં કોમ્પીટ કરી શકશે-એકસપોર્ટ વધારી શકશે સાથે જ વધુ વિદેશી હુંડિયામણ મેળવી શકશે. કોરોના મહામારીની કારણે સિરામિક ઉદ્યોગો મુશ્કેલ સમયગાળામાંથી પસાર થઇ રહ્યા હોવાની મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ ઊદ્યોગકારોએ કરેલી રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતાં રાજ્ય સરકારે સિરામિક ઉદ્યોગોને મદદરૂપ થવાના આશયથી ગેસ બિલમાં આ વધારાની રૂ.ર.પ૦ ની રાહતનો નિર્ણય કર્યો છે.

૦૮ સપ્ટેબરથી ગેસના ભાવોમાં રૂ. ૨.૫૦ની છુટ બાદ કૂલ રૂ. ૪.૫૦ની રાહત દ્વારા ગેસના નવા ભાવ રૂ. ૨૪.૯૧ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મિટર (SCM) થયા છે. આ ભાવ મે-૨૦૨૦ માસના ભાવની તૂલનાએ ૧૬ ટકા ઓછા છે. મુખ્ય મંત્રીશ્રીના આ નિર્ણય ને ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ અને રાજ્યના તમામ સિરામિક ઉદ્યોગ આગેવાનો એ આવકારી ને શ્રી વિજય ભાઈ રૂપાણી નો આભાર વ્યક્ત કર્યો છે.

આમ, રાજ્યના સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં ૧૬ ટકાનું ડિસ્કાઉન્ટ મળ્યું છે.

આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, ઉર્જા અને પેટ્રોલકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતિ સુનયના તોમર, જી.એસ.પી.સી.ના એમ.ડી શ્રી સંજીવ કુમાર ઉપસ્થિત રહ્યા હતા.