Ambaji Corona Test

સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં ધન્‍વંતરી રથ દ્વારા રેપીડ એન્‍ટીજન ટેસ્‍ટ કરવામાં આવ્‍યા

માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તેમજ તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટરશ્રી કે.રાજેશ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.હુડ્ડાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા- તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્ય કર્મીઓ સતત અવિરતપણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે.

         સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકોમાં કોરોનાની મહામારીને લઇ ગંભીરતા અને જાગૃતિ આવે તેમજ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય તે હેતુથી સંબંધિત તાલુકાના લાયઝન અધિકારી, તાલુકા હેલ્‍થ ઓફિસર, મામલતદાશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અર્બન હેલ્‍થ સેન્‍ટરની મેડીકલ ટીમ, આર.બી.એસ.કે.ની આરોગ્‍યની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારો, દુકાન ધરાવતા દુકાનદારો તેમજ રહીશોમાં ધન્‍વંતરી આરોગ્‍ય રથના માધ્‍યમથી નાગરિકોના આરોગ્‍યની ચકાસણી કરી કોરોના અંતર્ગત સમજ આપવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ૩૪ ધન્વંતરી રથ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૭,૨૦૦ થી વધુ વ્‍યકિતઓના રેપીડ એન્‍ટીજન ટેસ્ટ કરવામાં આવ્‍યા છે, તેમજ જિલ્લામાં આઈ.ટી.એસ.પી. ટીમ દ્વારા કુલ ૩૬,૮૦૦થી વધુ રેપીંડ એન્ટીજન ટેસ્ટ અને RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા છે.

          આમ, જિલ્‍લાના આરોગ્‍ય તંત્રના તમામ આરોગ્‍ય કર્મીઓ જિલ્‍લામાં કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે અવિરતપણે તેઓની ફરજો અદા કરવાની સાથે તમામને સોશિયલ ડિસ્‍ટન્‍સીંગ, માસ્‍કની ઉપયોગીતા અને સેનેટાઇઝરના ઉપયોગ વિશે તેમજ  માસ્‍ક પહેર્યા વગર ઘરની બહાર ન નીકળવા અને સોશિયલ ડિસ્‍ટન્‍સીંગનું પાલન કરવા સમજાવવામાં આવી રહ્યા છે.