WhatsApp Image 2020 10 07 at 3.02.24 PM 1

પ્લાઝમા દાતા રાજેશભાઈ કહે છે કે એની પ્રોસીજર વેદના રહિત છે અને કોઈ અશક્તિ આવતી નથી

WhatsApp Image 2020 10 07 at 3.02.24 PM 1

એવું સમજો કે પ્રભુએ બીજાને મદદરૂપ થઈ શકીએ એ માટે જ કોરોના મુક્ત કર્યા છે એટલે પ્લાઝમા ડોનેશનનું નેક કામ કરીએ: ડો.રાજેશ શાહ

વડોદરા, ૦૭ ઓક્ટોબર: ડો.રાજેશ શાહ જાતે નિષ્ણાત હોમીઓપેથીક તબીબ છે.તેઓએ વડોદરા મહાનગર પાલિકાની આરોગ્ય સમિતિના અધ્યક્ષ તરીકે કોરોના કટોકટીના વડોદરા શહેરમાં આરોગ્ય તંત્ર દ્વારા વ્યવસ્થાપન માં યોગદાન આપવાની સાથે,આ રોગ સામે બચાવ તરીકે રોગ પ્રતિકારક ક્ષમતા વધારતા હોમીઓપેથીક ઔષધોનું સ્વપહેલથી વ્યાપક વિતરણ કર્યું છે અને લોકોને આરોગ્ય તકેદારીનું લોક શિક્ષણ આપ્યું છે. લોક ડાઉન દરમિયાન અને તે પછી કોરોના સામેની લડતમાં લોકોને પીઠબળ આપવાની વ્યાપક સક્રિયતા દરમિયાન તેઓ જાતે સંક્રમણ નો ભોગ બન્યા અને કાળજીપૂર્વક જરૂરી સારવાર લઈ અને તકેદારીઓ પાળીને સાજા પણ થયાં.


તાજેતરમાં જ તેમણે વધુ એક સ્વપહેલના રૂપમાં ,કોરોના મુક્ત થયાંના લગભગ દોઢ મહિનાના અંતરાલ પછી કોરોનાગ્રસ્તોની પ્લાઝમા દ્વારા સારવારમાં મદદરૂપ થવા ઇન્દુ બ્લડ બેંકમાં પોતાના લોહીમાં રહેલા પ્લાઝમા નું દાન આપી કોરોના યોદ્ધાનું વધુ એક કર્તવ્ય અદા કર્યું છે.
કોરોનાની હજુ કોઈ ચોક્કસ દવા કે અકસીર રસી શોધાઈ નથી એ સચોટ સત્યને વાચા આપવાની સાથે પોતાના પ્લાઝમા દાનના અનુભવની કથા કહેતા તેઓ જણાવે છે કે ઉપરોક્ત સંજોગોમાં હાલમાં વિવિધ ઉપચારોની સાથે કોરોના મુક્ત થયેલા સ્વસ્થ દર્દીના એન્ટીબોડી ધરાવતા બ્લડ પ્લાઝમાથી રોગ ગ્રસ્તોની સારવારની પદ્ધતિ આશાના એક કિરણ સમાન છે.
તેઓ જણાવે છે કે આ ઉપચાર માટે સાજા થયેલા દર્દીના બ્લડ પ્લાઝમાની જરૂર પડે છે પરંતુ રક્તદાનની જેમ આ બાબતમાં અનેક પાયા વગરની શંકા – કુશંકાઓ ફેલાયેલી હોવાથી ઈચ્છવા છતાં પાત્રતા ધરાવતા રોગ મુક્ત લોકો તેના માટે પહેલ કરતાં ખચકાય છે.

Plasma donner medical student 4 2

આ ખચકાટ સાવ અસ્થાને છે એવી લાગણી વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે કોરોના મુક્ત થયેલા અને અન્ય કોઈ તબીબી કારણોસર ના પાડવામાં આવી ના હોય તેવા ૧૮ થી ૬૦ વર્ષની ઉંમરના અને ૫૫ કિલોગ્રામથી વધુ વજન ધરાવતા લોકો,સાજા થયાના ૨૮ દિવસ પછી અન્ય રોગપીડીતોની પ્લાઝમા સારવાર માટે રક્તદાનની જેમ રક્ત પ્લાઝમાનું દાન કરી શકે છે.
પ્લાઝમા ડોનેશનનો પ્રોસીજર નોન ઇન્વેઝિવ અને વેદના રહિત છે એવા શબ્દોમાં પોતાના અનુભવને વાચા આપતાં તેઓ જણાવે છે કે આ દાન લેતા પહેલા દાતાનો ટેસ્ટ કરવામાં આવે છે અને તે પોઝિટિવ જણાય એટલે કે તેના લોહીમાં એન્ટીબોડી વિકસ્યાં હોય તો જ પ્લાઝમા લેવામાં આવે છે.

Advt Banner Header

પ્લાઝમા લેવાની પ્રક્રિયા સલામત અને યંત્ર આધારિત છે. દાતાના લોહીમાંથી પ્લાઝમા તારવી લીધાં પછી પાછું એ લોહી એના શરીરમાં પરત જાય છે.પ્લાઝમા દાનથી કોઈ અશક્તિ આવતી નથી કે ચેપ લાગવાની શક્યતા નથી. તેઓ જણાવે છે કે કોરોનામાં થી મુક્ત થવું એ તબીબો અને આરોગ્ય સ્ટાફની જહેમતની સાથે ઈશ્વરના આશીર્વાદ છે. એ દર્શાવે છે કે ઈશ્વર કોરોના ના અન્ય દર્દીઓને સાજા કરવાના કામમાં આપણ ને સહભાગી બનાવવા ઈચ્છે છે જેનું માધ્યમ પ્લાઝમા ડોનેશન બની શકે.સંપૂર્ણ વિશ્વ વિવિધ રીતે કોરોના સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે પ્લાઝમા દાન દ્વારા રોગ મુક્ત વ્યક્તિઓ કોરોના યોદ્ધા બની શકે એવી તેમની લાગણી છે.

હાલમાં સરકારી સ્તરે રાજ્યમાં ટીમ વર્કથી કોરોનાનો મુકાબલો થઈ રહ્યો છે. તેમાં અનેક સંસ્થાઓ,દવાખાનાઓ અને લોકોનો સહયોગ મળ્યો છે.પરંતુ પાયાની બાબત તેનો વ્યાપ અટકાવતી જન જાગૃતિ છે.એટલે લોકો માસ્ક પહેરવું,સોશીયલ ડિસ્ટન્સ નું પાલન જેવી તકેદારીઓ અવશ્ય પાળે.જાતે બચો અને બીજાને બચાવોની આ વ્યૂહ રચના છે.તેવી જ રીતે આયુર્વેદિક અને હોમીઓપેથીક દવાઓ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.એટલે ભલામણ પ્રમાણે એનું સેવન કરવું જોઈએ.
કોરોનામાંથી મુક્તિ એ ઈશ્વરનું વરદાન છે.આવું વરદાન મેળવનાર અન્યની જીવન રક્ષા માટે પ્લાઝમા દાન કરે એ ઈશ્વરની કૃપા નું ઋણ ચૂકવવાનો અવસર છે એવું એમનું કહેવું છે.