Swami Rajkot Munjka

મુંજકા આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદજીનો પ્રેરક સંદેશ

Swami Rajkot Munjka

કોરોનાના સમયમાં આપણે ડરવાનું નથી પણ, આપણી જાત ઉપર બ્રેક મારતા શિખવાનું છે

 અહેવાલ: હેતલ દવે, રાજકોટ

રાજકોટ, ૧૮ સપ્ટેમ્બર:સમગ્ર વિશ્વ આજે કોરોના રૂપી મહામારીનો સામનો કરી રહ્યો છે, તેવા સમયે રાજકોટના મુંજકા આર્ષ વિદ્યામંદિરના સ્વામી શ્રી પરમાત્માનંદજીએ ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’’નો પ્રેરક સંદેશો આપતા જણાવ્યું હતુ કે, કોરોનાનો અત્યારનો સમય એ સાચવીને ચાલવાનો સમય છે. આ સમયમાં આપણે ડરવાનું નથી પણ, આપણી જાત ઉપર બ્રેક મારતા શિખવાનું છે.

આપણું જીવન ડ્રાઈવીંગ જેવું છે. વાહન લઈને નિકળ્યા હોઈએ તો કોકવાર હાઈવે મળે, એકદમ ખૂલ્લો રસ્તો, ગાડી પુરપાટ જાય. કોકવાર અત્યંત ટ્રાફિક મળે, ધીરે ધીરે જવું પડે. કોકવાર ટ્રાફિક જામ હોય અને આપણે ફસાઈ જઈએ. જીંદગીમાં પણ એવી જ પરિસ્થિતિઓ આવે છે કે જેમાં ઘણીવાર એકદમ પ્રગતિ કરી શકીએ તો કોકવાર ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ આવે, તેવા સમયે સાચવીને ચાલવું પડે. આજની પરિસ્થિતિ પણ એવી જ છે. તેનાથી આપણે ડરવાનું નથી, પણ આપણી જાત ઉપર બ્રેક અવશ્ય મારવાની છે. એકસીડન્સ ત્યારે જ થાય જ્યારે ડ્રાઈવર યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ, યોગ્ય રીતે બ્રેક ન મારે. તેવી રીતે આપણે પણ આપણી જાત ઉપર બ્રેક નહી મારીએ તો કોરોના રૂપી એક્સીડન્સ અવશ્ય થશે.

આ માટે સાવધાની કેળવવાની છે, સાવચેતી રાખવાની છે. હંમેશા આપણે માસ્ક પહેરીને ફરીએ,  સોશ્યલ ડીસ્ટંન્સીંગ રાખીએ અને કદાપી હાથ ધોયા વિના આપણી આંગળીઓને મોઢે ન લગાડીએ. બસ આટલી જ મર્યાદા આપણે સૌએ પાળવાની છે. મર્યાદા પાળીશું તો કોરોના આપણને સ્પર્શી જ નહી શકે. મર્યાદા પાળવાની સાથે આપણે આપણી ઈમ્યુનિટી પણ વધારવી પડશે. સરકારે જણાવ્યા મુજબના કાઢા, ખાસ કરીને લીંબુ, હળદર, આદું વગેરે નિયમિત ખાવાની ટેવ પાડીએ. જ્યાં સુધી આ રોગની રસી – દવા ન શોધાય ત્યાં સુધી આપણે આ મર્યાદાઓ પાળવાની છે.

loading…

હું અપીલ કરૂં છું કે, સરકારની માર્ગદર્શિકાનું આપણે પાલન કરીએ, આપણા ઉપર બ્રેક મારતા શિખીએ, મર્યાદાઓનું પાલન કરીએ. પછી તો આપણે ભાગવાનું જ છે. ડીસ્ટંસ રીકવર થઈ જ જશે. મને વિશ્વાસ છે આપણે સૌ જીતીશું, કોરોના હારશે અને રાજકોટ જીતશે. રાજકોટ એટલે આપણે સૌએ જીતવાનું છે.

આધ્યાત્મમાં અમારા મહાત્મા ગુરૂજીએ બહું સરસ કહ્યું છે કે, તેમને કોઈએ પૂછ્યું કે, જીવનમાં સાધના શું કરવાની ? ત્યારે તેમણે કહયું કે, ‘‘સાવધાની’’ હી સાધના હૈ ! તેવી રીતે કહીએ તો આજના સમયમાં ‘‘સાવધાની’’ હી ‘‘સાવચેતી’’ હૈ. સાવધાની રાખી આપણે સૌ મર્યાદા પાળશું તો કોરોના સામે આપણે અવશ્ય જીતીશું જ.