લોકજાગૃતિની ફરજ બજાવતી ‘‘માતા યશોદાઓ’’

  • જસદણ-વીંછીયા તાલુકામાં સ્વાસ્થ્ય અને શિક્ષણની નેમ સાથે લોકજાગૃતિની ફરજ બજાવતી ‘‘માતા યશોદાઓ’’
  • જસદણ-વીંછીયા તાલુકાની ૨૦૮ આંગણવાડીની બહેનોએ લોકડાઉન-અનલોકમાં ઘરે ઘરે જઈને ૧૦ હજારથી વધુ બાળકોને પૌષ્ટિક આહાર, પૂર્વ પ્રાથમિક શૈક્ષણિક કીટનું વિતરણ કર્યુ
  • આંગણવાડીનાં કર્મયોગીઓ ડોર ટુ ડોર સોશ્યલ ડિસ્ટન્સનું મહત્વ સમજાવી આયુર્વેદિક-હોમિયોપેથીક દવા, ઉકાળાનું વિતરણ કરી કોરોના સામે જાગૃતિ ફેલાવી રહ્યા છે

રિપોર્ટ:પારૂલ આડેસરા

રાજકોટ, ૧૭ ઓગસ્ટ: લોકડાઉન અને અનલોકમાં આંગણવાડીઓ બંધ હોવાથી બાળકોને ઘરે બેઠા જ પોષક આહાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા બાલ શક્તિના ચાર પેકેટ એક બાળક દીઠ આપવાનું નક્કી કરાયું છે.  આંગણવાડીની બહેનો દ્વારા ડોર ટુ ડોર આંગણવાડીના બાળકોને આ બાલ શક્તિ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ બાળકોને જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આંગણવાડીમાં મળતું તે શિક્ષણ ઘરે મળી રહે તે માટે એક શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી રહી છે. જેથી બાળકો ઘરે બેસીને જ પુસ્તકોના આધારે શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. આ સાથે આંગણવાડીની કર્મયોગી બહેનો દ્વારા સોશ્યલ ડિસ્ટન્સની અગત્યતા પણ સમજાવી કોરોના સામે જાગૃતિ ફેલાવાઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યભરમાં કુપોષણ દૂર કરવા સામેનો જે જંગ છેડયો છે, તે અટકે નહીં તે માટે બાળકોને પોષણયુક્ત આહાર ઉપલબ્ધ કરાવવાની ખાસ સંભાળ રાખવામાં આવી રહી છે.

જસદણ અને વીંછીયા તાલુકામાં આંગણવાડીની બહેનો દ્વારા સુંદર કામગીરી થઇ રહી છે. આઇસીડીએસ વિભાગના જસદણ તાલુકાના સુપરવાઇઝર કુન્દનબહેન મકવાણા કહે છે કે અમારા જસદણ તાલુકામાં ૧૫૧ આંગણવાડીઓમાં ૬૦૦૦ જેટલા બાળકો છે. મારા કાર્યક્ષેત્રમાં આવતી આંગણવાડીઓમાં લોકડાઉન દરમ્યાન ઘરે ઘરે જઈને બાળકોને (એક બાળક દીઠ ચાર એવા) બાળ શક્તિના પેકેટ આપવામાં આવ્યા છે. દર બુધવારે સુખડીનું વિતરણ પણ કરવામાં આવે છે.  જેથી બાળકોને ઘરે જ  પોષક આહાર પ્રાપ્ત થઇ શકે છે. સરકારની ગાઈડલાઈન મુજબ લોકડાઉનમાં પણ શિક્ષણથી બાળકો વંચિત ન રહે તે માટે બાળકોને પૂર્વ પ્રાથમિક શૈક્ષણિક કીટનું પણ બાલ શક્તિ પેક સાથે ડોર ટુ ડોર વિતરણ કરવામાં આવ્યું છે.

આંગણવાડી અને આશા વર્કર બહેનો દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે. જેમાં લોકડાઉન દરમિયાન આરોગ્ય તપાસણીમાં ૧૨ જેટલા બાળકોને હ્રદય રોગની બિમારી હોવાથી તેમને જસદણ અને પછી રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયા છે. જસદણ તાલુકમાં ૧૩૬ અને વિછિયા તાલુકામાં ૭૨ આંગણવાડી વર્કર બહેનો કામ કરી રહી છે. એક બહેન દ્વારા દરરોજ પ૦ જેટલા ઘરોમાં આરોગ્ય વિષયક સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે.

આ બહેનો ઘરે-ઘરે જઈને સોશિયલ ડિસ્ટન્સ રાખીને બાળકોને બાલ શક્તિની કીટ વિતરણ કરે છે, માતાઓને સમજાવે છે કે કઈ રીતે સ્વચ્છતા જાળવવી, વારંવાર હાથ ધોવા, બાળકોને નિયમિત ભણાવવા સહિત માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. સર્વેક્ષણની કામગીરી પણ આંગણવાડીની બહેનો દ્વારા કરવામાં આવી રહી છે. ઘરે ઘરે ઉકાળા, આયુર્વેદ-હોમિયોપેથી દવાનું વિતરણ પણ કરાઇ રહયુ છે. આંગણવાળસની બહેનો સેટકોમ દ્વારા પ્રસારિત કાર્યક્રમ જોઇ બાળકોને પૂર્વ શિક્ષણ આપવાનું પણ વાલીઓને સમજાવે છે.

જયારે આઇસીડીએસ વિભાગના વિછિયા તાલુકાના સુપરવાઇઝરશ્રી નયનાબેન માઢક કહે છે કે તેમના વિછિયા તાલુકામાં ૭૨ આંગણવાડીઓમાં ૪ હજાર જેટલા બાળકો નોંધાયેલા છે. અનલોક  ચાલી રહ્યું હોવાથી બાળકો આંગણવાડી જઈ શકતા નથી. પરંતુ ઘરે રહીને તેઓ પ્રવૃત્તિ કરી શકે અને પોષણયુક્ત આહાર ખાઈ શકે તે માટે અમારી આંગણવાડીના બહેનો  દ્વારા  ઘરે ઘરે જઇને બાલ શક્તિના ચાર પેકેટ અને બાળકોને ચિત્રપોથી, એબીસીડી, કક્કો, બારક્ષરી વગેરે શીખી શકે તેવાં પુસ્તકો આપવામાં આવ્યા છે. તેથી બાળકો ઘરે રહીને શૈક્ષણિક પ્રવૃત્તિ કરી શકે છે. ઘરે આપેલા બાલ શક્તિના ચાર પેકેટમાંથી માતા દ્વારા બાળકોને સકરપારા, ભાખરી, શીરો, રાબ, લાડવા વગેરે ઘરે જ બનાવીને ખવડાવી શકે છે. પુસ્તકો આપ્યા હોવાથી ચિત્રપોથીમાં બાળકો ચિત્રો બનાવે છે, તેમાં રંગો ભરે છે. કક્કો, બારાક્ષરી,એબીસીડી શીખે છે. રમતગમતની પ્રવૃતિ પણ બાળકો કરે છે. આમ સરકાર આંગણવાડીના બહેનોના માધ્યમથી અમારા બાળકોની લોકડાઉન અને હવે અનલોકમાં પણ  ચિંતા કરી રહી છે અને બાળકોને સગવડ આપી રહ્યા છે.

   આંગણવાડી દ્વારા ધાત્રી અને સગર્ભા માતાઓને માતૃશક્તિ  (જેમાં નવ પ્રકારના કાચા પોષક તત્વની સામગ્રી હોય છે),  કિશોરીઓને પૂર્ણા શક્તિ  અને છ માસથી ત્રણ વર્ષ સુધીના બાળકોને બાળ શક્તિની કિટ દર મહિને નિયમિત રીતે આપવામાં આવે છે. પરંતુ ૩ થી ૬ વર્ષના બાળકો આંગણવાડીમાં દરરોજ આવતાં હોવાથી તેમને આંગણવાડીમાં જ સવારે ગરમ નાસ્તો અને બપોરે ભોજન આપવામાં આવે છે તેમજ અઠવાડિયે બે વાર ફળ આપવામાં આવે છે. તેથી તેઓને ઘરે બાલ શક્તિના પેક નથી અપાતા. પરંતુ હવે  આ બાળકો અનલોકમાં ઘરે હોવાથી તેમને ઘરે સુવિધાઓ આપવાનું સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેથી આંગણવાડીની બહેનો દ્વારા ડોર ટુ ડોર  કામગીરી કરવામાં આવી રહી છે. આમ અનલોકમાં પણ રાજયસરકાર આંગણવાડીની બહેનોના માધ્યમ દ્વારા રાજયના બાળકોની ચિંતા કરી રહી છે.