Mahisagar mandir 2

Mahisagar mandir: વાસદ – મહીસાગર મંદિર ખાતે મહી બીજ ઉત્સવ ઉજવાયો

Mahisagar mandir

Mahisagar mandir: ગોપાલક સમાજે લોકમાતા મહીસાગરનો ખોળો ખૂંદયો

Mahisagar mandir: મહી બીજના પાવન અવસરે વાસદ – વહેરાખાડી -ફાજલપુર ખાતે રબારી સમાજ દ્વારા સ્નાન અને પૂજન. ગોપાલક સમાજ લોકમાતા મહીને કુળવર્ધીની માતા તરીકે પૂજે છે

ગ્વાલબાલાએ વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણના બાલ્યકાળમાં સખાની ભૂમિકા અદા કરી હતી. આજનો ગોપાલક સમાજ પણ કદાચ તેમની જ પરિપાટી જાળવી રહયો છે. પશુપાલનના વ્યવસાયને લીધે કુદરત સાથે નીકટનો નાતો ધરાવતો વિશાળ રબારી સમુદાય પણ ગોપાલક સમાજનો જ એક અભિન્ન હિસ્સો છે અને તેમની જીવનશૈલી તેમજ રીત રિવાજોમાં પ્રકૃતિના પૂજનની પરંપરા હજુ પણ જીવંત છે.આ પરંપરાના પાલનરૂપે મહાસુદ બીજને રબારીઓ તેમજ ગોપાલકો મહી બીજ તરીકે ઉજવે છે.

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા, ૧૩ ફેબ્રુઆરી:
આણંદ જિલ્લાના વાસદ અને વહેરાખાડી (Mahisagar mandir) મહીસાગર માતાજીના મંદિર તેમજ વડોદરા જિલ્લાના ફાજલપુર ખાતે મહીસાગર માતાજીના મંદિરે રબારીઓ સહિત ગોપાલક જાતિઓના લોકોએ ઘણી મોટી સંખ્યામાં, પરંપરાગત વેશભૂષા, આભૂષણોમાં અને નવા જમાનાની યુવા પેઢીએ આધુનિક પરિવેશમાં લોકમાતા મહીસાગરનો ભક્તિભાવપૂર્વક ખોળો ખૂંદયો હતો. મહીસાગર માતાના દૂગ્ધાભિષેક, પવિત્ર સ્નાન અને દર્શન માટે ઉત્તર ગુજરાતથી લઈને ચરોતર અને દક્ષિણ ગુજરાતમાંથી રબારી બંધુઓ સપરિવાર મહીના કાંઠે ઉમટી પડતા લોકમાતાનું રંગબેરંગીન વાતાવરણ સર્જાયુ હતું.

Whatsapp Join Banner Guj

રબારી સમાજ દ્વારા મહી બીજની ઉજવણી પાછળ પણ એક રોચક આસ્થા કથા વણાયેલી છે. આ પરંપરા ઘણા જુના સમયથી ચાલતી આવતી હશે તેમ મનાય છે. આ કથા પ્રમાણે લોકમાતા મહીના જ્યારે સાગર સાથે લગ્ન યોજાયા ત્યારે ગોપાલક સમાજના વ્યક્તિએ ચોથા મંગળફેરાએ તેમનું સવા રૂપિયો અર્પણ કરીને કન્યાદાન કર્યું હતું. આણંદ જિલ્લાના મહી અને સાગરના સંગમબિંદુ જેવા વહેરા ખાડી ગામે આ લગ્ન યોજાયા હતા તેવી પ્રખર લોકશ્રદ્ધા પ્રવર્તમાન છે.

Mahisagar mandir: આમ, રબારી સહિત ગોપાલક સમાજનો વિશાળ વર્ગ લોકમાતા મહીને કુળવર્ધીની માતા તરીકે પૂજે છે. ગોપાલક દ્વારા લોકમાતાના કન્યાદાનને યાદ કરીને મહી બીજના દિવસે ગામે ગામથી રબારી સમાજ કુટુંબ કબીલા સાથે મહીસાગર માતાના ખોળે ઉમટી પડે છે. ઘરની ગાયનું દૂધ કેનમાં ભરીને લાવે છે. તેના દ્વારા મહીસાગરના જળનો અભિષેક અને પવિત્ર સ્નાન કરે છે. પ્રસાદ રૂપે ખાલી કેનમાં મહીમાતાનું પાવન જળ ભરે છે. વાસદના નદી કાંઠે આવેલા મહીસાગર માતા ના મંદિરે પણ દર્શન-પૂજન કરે છે. યજ્ઞ પણ યોજાય છે અને મંદિરે ઉપવાસીઓને ફળાહાર પણ કરાવવામાં આવે છે. પ્રકૃતિની ભક્તિનું અપૂર્વ શ્રદ્ધાભર્યું વાતાવરણ જોવા મળે છે.

Mahisagar mandir

ઘેર જઇને પ્રસાદરૂપે સાથે લાવવામાં આવેલા મહીજળનો માલઢોર અને ઘરસંપદા પર છંટકાવ કરવામાં આવે છે. મહીસાગર માતા સહુનું કલ્યાણ અને રક્ષણ કરે તેવી ભાવના તેની પાછળ કામ કરે છે. રબારી સમાજના લોકો બહુધા મહી બીજના દિવસે ઘરની ગાયના દૂધનું વેચાણ કરતાં નથી. સાંજના ઘરના દૂધની ખીર અને સુખડી બનાવે છે. સહુ ભક્તિભાવપૂર્વક સંધ્યાકાળે બીજના ચંદ્રમાના દર્શન કરે છે. તે પછી (Mahisagar mandir) મહીસાગર માતાને ખીર અને સુખડીનો નેવેધ ધરાવીને મહાપ્રસાદ ગ્રહણ કરે છે.

આમ પ્રકૃતિ માતાના ગૌરવનો આ ઉત્સવ તેમના ભાતીગળ જીવન સાથે વણાઇ ગયો છે. રબારી લોકો શક્તિના ઉપાસક છે. તેઓ ભગવાન શિવને પરમ પિતા અને મા શક્તિને માતા માને છે. જુના જમાનામાં રાજવીઓ ખાનગી સંદેશાઓ પહોંચાડવાનું કામ વિશ્વાસ રાખીને તેમને સોંપતા. બહેન-દીકરીઓના વળાવીયા તરીકે પણ તેમની સેવા લેવાતી. જેમનું અસલ વતન એશિયા માઇનોર હોવાનું મનાય છે.

આધુનિક પ્રવાહોની અસર છતાં હજુ આ સમાજની રહેણીકરણી તેમજ સમાજ જીવન પર પરંપરાનો ભાવ સચવાયો છે. જેની પ્રતીતિ મહી બીજની શ્રદ્ધાસભર ઉજવણીથી થાય છે. મહીસાગર કાંઠે મહાબીજનો આ પાવન અવસર અસંખ્ય શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્રબિન્દુ બની રહ્યો છે.

આ પણ વાંચો…કાજલ અગ્રવાલ(kajal agarwal)ને 5 વર્ષની ઉંમરથી છે આ બિમારી, એક્ટ્રેસ કહ્યું- તેમાં શરમાવા જેવું કંઇ નથી!