Vany Jiv

એમની ગર્જનાઓ અને દહાડોથી ફરી જંગલને ગુંજવા દો

વન્ય જીવ સપ્તાહની ઉજવણી

Vany Jiv

એમની ગર્જનાઓ અને દહાડોથી ફરી જંગલને ગુંજવા દો ના વિષય સૂત્રને હાર્દમાં રાખીને આજથી વન્ય જીવ સપ્તાહની ઉજવણી નો પ્રારંભ

વડોદરા, ૦૨ ઓક્ટોબર: વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી,પશુ છે,પક્ષી છે ,વનોની છે વનસ્પતિ…જગતની સંપદા પર પશુ,પક્ષી,વનસ્પતિ સહુનો અધિકાર છે,માત્ર માનવીનો એકાધિકાર નથી. કદાચ આ કટું સત્યની યાદ સમગ્ર માનવ સમુદાયને અપાવવા દર વર્ષે બીજી ઓકટોબરથી વન્ય જીવ( કલ્યાણ અને સંરક્ષણ) સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.
બીજી ઓકટોબરએ પૂજ્ય બાપુની અંગ્રેજી કેલેન્ડર પ્રમાણેની જન્મ તારીખ છે.તેઓ અહિંસાના પૂજારી હતાં. તેમણે કહ્યું હતું કે કોઈપણ રાષ્ટ્રની મહાનતા અને પ્રગતિનું માપ, એ દેશમાં પ્રાણીઓ સાથે કેવું વર્તન કરવામાં આવે છે એના પરથી નીકળી શકે છે.એટલે બાપુની અહિંસાની વિચારધારામાં જીવ સંરક્ષણ ની છુપી તાકાતને અનુલક્ષીને કદાચ આ સપ્તાહની ઉજવણીની શરૂઆત તેમના જન્મ દિવસથી કરવાની પરંપરા પડી હશે.

વન્ય જીવ સંરક્ષણ સપ્તાહની આવશ્યકતા પર પ્રકાશ પાડતાં મદદનીશ વન સંરક્ષક ડો.ધવલ ગઢવીએ જણાવ્યું કે ઘણાં બધાં વન્ય જીવો લુપ્ત થવાના ભારે જોખમ હેઠળ છે.ઘણી બધી પ્રજાતિઓ વંશ નાશ એટલે કે લુપ્ત થવાને આરે પહોંચી છે.લોક ચેતનાને, તેમને બચાવી લેવાની મુહિમ સાથે જોડી,લોક શક્તિને વન્ય જીવ સંરક્ષણ ની શક્તિ બનાવી,તેમના રક્ષણ અને સંવર્ધનનું વાતાવરણ સર્જવા આ સપ્તાહ ઉજવવામાં આવે છે. વંશ નાશના જોખમ હેઠળ જીવતી હોય એવી પ્રજાતિઓની સંખ્યામાં વધારો થવાના વિવિધ કારણો છે.જેમાં ગ્લોબલ વોર્મિંગ, વનોનો વિનાશ,જીવ હિંસા જેવા કારણો પ્રમુખ છે.એટલે લોકોમાં વન્ય જીવો માટે જીવો અને જીવવા દો ની ભાવના પ્રબળ કરવા આ સપ્તાહ ઉજવવામાં આવે છે.

ખાસ કરીને વન્ય જીવો પ્રત્યે માયાળુ અને લાગણીશીલ ભાવિ પેઢીના સર્જન થી ઘણાં સારા પરિણામો મળી શકે છે.એટલે બાળ સમુદાયને વન્ય જીવ સંપદાની ઓળખ આપતાં અને અનિવાર્યતા સમજાવતા કાર્યક્રમો વન વિભાગ ,વન્ય પ્રાણી કલ્યાણ માટે કાર્યરત સ્વેચ્છિક સંસ્થાઓ સાથે મળીને યોજે છે.અત્રે એ યાદ કરવું ઘટે કે આ કોવિડ સંકટનું વર્ષ છે.ત્યારે રાજ્યના વન વિભાગે આ સંકટની શરૂઆતના સમયગાળામાં જ વન્ય જીવોને તેનાથી સુરક્ષિત રાખવા જંગલો અને અભયારણ્યોમાં પ્રવેશબંધી જાહેર કરી હતી અને વન કર્મચારીઓની ટાસ્ક ફોર્સ બનાવી હતી.હજુ આ સાવચેતી અમલમાં છે.

loading…

ગુજરાત સરકાર ખાસ કરીને ઉત્તરાયણ ના પર્વે અબોલ પક્ષીઓની ધારદાર દોરાની ઘાતક ઇજાઓમાંથી બચાવવા ખાસ કરૂણા અભિયાન ચલાવે છે.અને કરૂણા એમ્બ્યુલન્સ સેવા પણ શરૂ કરવામાં આવી છે. વન્ય પ્રાણી સપ્તાહની આ વર્ષની ઉજવણીનું વિષય સૂત્ર રોઅર એન્ડ રિવાઈવ નક્કી કરવામાં આવ્યું છે.જેનો અર્થ જંગલમાં એમની ગર્જનાઓ અને દહાડોને ફરીથી ગુંજવા દો,વન્ય પ્રાણીઓથી જંગલને નવ ચેતન કરો એવો કરી શકાય.

માનવ અને વન્ય જીવોમાં ધરતીના સહોદર સંતાનો છે.એમની વચ્ચે સગા ભાઈઓના સગપણને ફરીથી લીલું અને તાજું કરવાનો સમય પાકી ગયો છે.ગુજરાત રાજ્યે અને વન વિભાગે પ્રમાણમાં ઘણાં સારા પ્રયત્નો કર્યા છે.પરિણામે ગીરમાં અને ગીરની બહાર સિંહોની વસતી વધી છે.પૂર્વ પટ્ટીના જંગલોમાં દીપડા અને રીંછ જેવા પ્રાણીઓની વસ્તી વધી છે.માનવ અને વન્ય પ્રાણીઓ વચ્ચે સંઘર્ષ ટાળવાના આયોજનો હાથ ધરવામાં આવ્યાં છે.આ સપ્તાહની ઉજવણી આ પ્રયાસોને નવો વેગ આપશે.