ખેડૂત વિરોધી દર્શાવી લોકોને ભડકાવવાનો જિયોનો હરિફ કંપનીઓ પર આક્ષેપ

reliance jio 15026139619817139034 edited

નવી દિલ્હી, 15 ડિસેમ્બર

ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોએ આક્ષેપ કર્યો છે કે ટેલિકોમ ઉદ્યોગની હરિફ કંપનીઓ ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા લિમિટેડ (VIL) તેમની સામે દ્વેષપૂર્ણ અને વિભાજનકારી અભિયાન ચલાવી રહ્યા છે અને તર્કવિહિન દાવા કરી રહ્યા છે કે જિયો મોબાઇલ નંબર પરથી તેમના નેટવર્કમાં આવી જશો તો તમે ખેડૂત આંદોલનને ટેકો આપ્યો ગણાશે.

ભારતના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર જિયોએ ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ)ને લખેલા પત્રમાં બંને કંપનીઓ સામે કડક પગલાં લેવાની માગણી કરી હતી અને કહ્યું હતું કે, હરિફ કંપનીઓના આવા કૃત્યથી જિયોના કર્મચારીઓની સલામતી અને સુરક્ષા સામે જોખમ ઊભું થઈ શકે છે. જિયોના દાવાના પ્રત્યુત્તરમાં ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા બંને કંપનીઓએ આ ફરિયાદને પાયાવિહોણી ગણાવી હતી અને આક્ષેપોને નકાર્યા હતા.

whatsapp banner 1

રિલાયન્સ જિયોએ વધુમાં કહ્યું હતું કે, અગાઉ પણ એરટેલ અને VIL દ્વારા ખેડૂત આંદોલનનો લાભ લઈને મોબાઇલ નંબર પોર્ટેબિલિટીનું અભિયાન ચલાવવાનું અનૈતિક અને સ્વસ્થ હરિફાઈ વિરુદ્ધનું કૃત્ય કર્યાની જાણ ટ્રાઈને લેખિતમાં કરી હતી. “પોતાના કર્મચારીઓ, એજન્ટો અને રિટેલર્સ મારફતે એરટેલ અને VIL દ્વારા દ્વેષપૂર્ણ અને વિભાજનકારી અભિયાન બેધડક રીતે ચલાવવામાં આવી રહ્યાની અમે રજૂઆત કરી છે. જિયોના મોબાઇલ ગ્રાહકો તેમના નેટવર્કમાં આવી જશે તો તેઓ ખેડૂતોના આંદોલનને સમર્થન આપશે તેવી તર્કવિહિન ભ્રમણા ફેલાવીને તેઓ લોકોને ઉશ્કેરી રહ્યા છે,” તેમ જિયોએ તેના હાલના પત્રમાં જણાવ્યું હતું.

પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના હજારો ખેડૂતો સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમલી બનાવાયેલા નવા ખેડૂત કાયદાઓ વિરુદ્ધ દિલ્હીમાં દાખલ થવાના વિવિધ માર્ગો પર દેખાવો કરી રહ્યા છે. એક પત્રમાં ભારતી એરટેલે ટ્રાઇને જણાવ્યું હતું કે, “અમે ભારપૂર્વક આ પાયાવિહોણા આક્ષેપો નકારીએ છીએ…પાયાવિહોણા આક્ષેપો કરવા, ગુંડાગીરીની રણનીતિ અપનાવવી અને ધમકીભર્યા વર્તનનો ઉપયોગ કરવા કોઈપણ સ્તરે જઈ શકે તેવા કેટલાક હરિફો દ્વારા ઉશ્કેરવા છતાં અમે હંમેશા અમે અમારા વેપારને પાત્રતા અને પારદર્શકતાથી ચલાવીએ છીએ, જેના માટે અમે ગર્વ લઈ શકીએ છીએ અને અમે તેના માટે જાણીતા પણ છીએ.”

વોડાફોન આઇડિયાના પ્રવક્તાએ કહ્યું હતું કે, અમારી કંપની નીતિમત્તા સાથે વેપાર કરવામાં માને છે. “અમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે અમારી સામે પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે. અમારી સામે થયેલી બેજવાબદારપૂર્ણ ટિપ્પણીઓને અમે મજબૂતીથી ફગાવી દઈએ છીએ.”

રિલાયન્સ જિયોએ આક્ષેપ કર્યો છે કે આ પ્રકારનું અભિયાન ઉત્તર ભારતના રાજ્યો પૂરતું મર્યાદિત નથી પરંતુ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી થકી ગ્રાહકો મેળવવા માટે આવો ખોટો પ્રચાર સમગ્ર દેશમાં કરવામાં આવી રહ્યા છે. જિયોએ કહ્યું હતું કે તેમને મોટા પ્રમાણમાં પોર્ટ-આઉટ રિક્વેસ્ટ મળી રહી છે જ્યાં ગ્રાહકો એરટેલ અને VILના અભિયાનના સંદેશાઓનો ઉલ્લેખ કરીને તેમના મોબાઇલ નંબરની સેવાઓ બદલવાનું કહી રહ્યા છે.

કંપનીએ કહ્યું કે, એરટેલ અને VILનો આવો વ્યવહાર ટેલિકોમ ટેરિફ ઓર્ડર 1999 અંતર્ગતની જરૂરિયાતોનો ભંગ કરે છે. RJIL વિરુદ્ધ લોકોની લાગણીઓ ભડકાવવા માટે સેલ્સ ટીમ અને ચેનલ પાર્ટનર્સનો ઉપયોગ કરવાના ગેરકાયદે કૃત્યથી અમારા કર્મચારીઓ તથા મહત્વના નેટવર્ક અને વ્યાવસાયિક સ્થાપત્યોની સુરક્ષા સામે જોખમ ઊભું થઈ શકે છે એ વાતનો પણ અહીં અમે પુનરોચ્ચાર કરીએ છીએ,” તેમ જિયોએ કહ્યું હતું.

ચાર વર્ષના સમયગાળા બાદ રિલાયન્સ જિયોએ ભારતી એરટેલને નવા મોબાઇલ સબસ્ક્રાઇબર્સ મેળવવામાં પાછળ છોડી દીધું હતું. સપ્ટેમ્બર 2016માં તેનું કોમર્શિયલ ઓપરેશન શરૂ કર્યા બાદથી જ રિલાયન્સ જિયોએ દર મહિને નવા ગ્રાહકો મેળવવામાં અગ્રણી સ્થાન જાળવી રાખ્યું હતું. જિયોએ કોમર્શિયલ ઓપરેશન શરૂ કરવાની સાથે જ 15.97 મિલિયન નવા ગ્રાહકો મેળવ્યા હતા.

સપ્ટેમ્બર 2020માં ભારતી એરટેલે 3.77 મિલિયન નવા ગ્રાહકો મેળવી ટોચનું સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ રિલાયન્સ જિયો 1.46 મિલિયન ગ્રાહકો અને BSNL 78,454 ગ્રાહકો સાથે પાછળ રહ્યા હતા.