WhatsApp Image 2020 09 02 at 12.24.27 PM 1

જામનગરમાં વિરોધ પક્ષ દ્વારા મેયરના વોર્ડમાં જ ખાડામાં વૃક્ષારોપણ કરી વિરોધ પ્રદર્શિત કરાયો

મેયરના વોર્ડમાં ભ્રમણ કરી મેયરનો વોર્ડ ખાડાનગર ના સૂત્રોચ્ચાર કર્યા હતા

રિપોર્ટ:જગત રાવલ , જામનગર

૦૨ સપ્ટેમ્બર,જામનગર શહેરમાં સતાધારી ભાજપ ના મેયરના વોર્ડમાં જ આજે કોંગ્રેસ દ્વારા નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મેયરના વોર્ડમાં માર્ગ પર પડેલા ખાડા ની વચ્ચે વિપક્ષી કોર્પોરેટર સહિતના કોંગી અગ્રણીઓએ વૃક્ષારોપણ કર્યું હતું, ઉપરાંત મેયર ના વિસ્તાર ના ખાડા નગરમાં મુલાકાત લઇ પાણીની વચ્ચે બેસી બેનરો લટકાવ્યા હતા, અને વિરોધ દર્શાવ્યો હતો.
જામનગર શહેરમાં વરસાદી વાતાવરણ પછી અનેક સ્થળોએ માર્ગમાં ખાડા પડી ગયા છે, તેમજ વરસાદ રોકાઈ ગયા પછી પણ હજુ પાણીના ખાબોચિયા ઠેર-ઠેર ભરાયેલા છે. જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે. તેમાંય ખાસ કરીને જામનગરના પ્રથમ નાગરિક હસમુખ જેઠવા ના વોર્ડમાં જ દારૂણ પરિસ્થિતિ છે. જેનો ચિતાર રજૂ કરવા માટે આજે વિરોધ પક્ષ મેદાને પડ્યો હતો.

જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી ની રાહબરી હેઠળ વિપક્ષી કોર્પોરેટરો જેનમબેન ખફી, યુસુફ ખફી, આનંદ રાઠોડ, નીતાબેન પરમાર, દેવશી આહીર, આનંદ ગોહિલ વિગેરેતેમજ અન્ય કોંગી આગેવાનો. સુભાસભાઇ ગુજરાતી, સહરબેન મકવાણા, દિગુભા જાડેજા સહિતના ઓએ મેયરના વોર્ડમાં ભ્રમણ કર્યું હતું, અને માર્ગની વચ્ચે પડેલા ખાડા માં વૃક્ષારોપણ કરી દીધું હતું. ઉપરાંત જે જે વિસ્તારોમાં પાણીના ખાબોચિયા ભરાયેલા છે, તે વિસ્તારોમાં પગપાળા ચાલીને સર્વે કર્યો હતો, ઉપરાંત બેનરો પાથરીને માર્ગની વચ્ચે બેસી ગયા હતા. અને વિરોધ દર્શાવ્યો હતો. આવા નવતર પ્રકારના વિરોધ પ્રદર્શનને લઇને લોકોમાં પણ કુતૂહલ ફેલાયું હતું.