alex wigan YA3el6hU k unsplash

નાગરિકો-પોલીસ કર્મીઓને અશ્વારોહણ તાલીમ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

alex wigan YA3el6hU k unsplash
Photo by Alex Wigan on Unsplash

રાજ્યના સાહસિક નાગરિકો-પોલીસ કર્મીઓને અશ્વારોહણ તાલીમ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય


રાજ્યના ૧૦ જિલ્લાઓમાં અશ્વારોહણ તાલીમ સંદર્ભે હોર્સ રાઇડીંગ શાળાઓ પુનઃકાર્યરત કરાશે : ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા

  • અમદાવાદ, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, હિંમતનગર, ભુજ, ભાવનગર, મહેસાણા, દાહોદ અને ગાંધીનગર ખાતેના પોલીસ માઉન્ટેડ યુનિટમાં અશ્વારોહણ તાલીમ માટે ૩ મહિનાના બેઝિક કોર્સ અને ૩ માસના એડવાન્સ તાલીમ કોર્ષનું આયોજન કરાશે
  • તાલીમ લેવા ઇચ્છુક નાગરિકોએ નજીકની પોલીસ રાઇડીંગ સ્કૂલનો સંપર્ક કરવાનો રહેશે
  • કોરોનાની મહામારીને ધ્યાને લઇને યોગ્ય શોશિયલ ડિસ્ટન્સ જળવાય એ મુજબ તાલીમ વર્ગનું આયોજન કરાશે

ગાંધીનગર,૩૦ ઓગસ્ટ:ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે,રાજ્યના સાહસિક યુવાનોને અશ્વારોહણની તાલીમ મળે તે માટે રાજ્યના વિવિધ જીલ્લા અને શહેરોના પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ વિભાગ હસ્તકના માઉન્ટેડ યુનિટ ખાતે અગાઉ અશ્વારોહણની તાલીમ આપવા માટેની હોર્સ રાઇડીંગ સ્કૂલ ચલાવવામાં આવતી હતી. છેલ્લા ઘણા સમયથી આ રાઇડીંગ સ્કૂલ બંધ હતી. જેથી અશ્વ પ્રેમી સહિતના અન્ય નાગરિકોની આવી અશ્વારોહણ તાલીમ શાળા ફરી શરૂ થાય તેવી લાગણી હતી. જેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે રાજ્યના દસ જેટલા સ્થળે આવી હોર્સ રાઇડીંગ સ્કૂલ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ દશ શાળાઓમાં ૩ મહિનાના બેઝિક કોર્સનું આયોજન કરાશે. રસ ધરાવતા યુવાનો-નાગરિકોએ નજીકની પોલીસ રાઇડીંગી સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે.

matt seymour Ux0 8wBk ns unsplash
Photo by Matt Seymour on Unsplash

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યુ કે, રાજ્ય સરકારના ગૃહ વિભાગના તા.૧૦/૦૫/૧૯૮૫ ના ઠરાવ અન્વયે રાજ્યના તમામ શહેર/જીલ્લા માઉન્ટેડ યુનિટમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને તમામ નાગરિકોને ઘોડેસવારીની તાલીમ આપવા અંગે સ્થાનિક અનુકુળતાને ધ્યાનમાં લઇને કાયમી ધોરણે તાલીમ વર્ગો ચલાવવા માટે માઉન્ટેડ યુનિટ ખાતે રાઇડીંગ સ્કુલને મંજુરી આપવા માટે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીને સત્તા સોંપવામાં આવી હતી. જે સંદર્ભે અમદાવાદ, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, હિંમતનગર, ભુજ, ભાવનગર, મહેસાણા, દાહોદ અને ગાંધીનગર ખાતે અગાઉ પોલીસ હેડ ક્વાર્ટરમાં નાગરિકોને અશ્વારોહણ કરવા માટેની વિધિવત તાલીમ આપવામાં આવતી હતી. પરંતુ છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી આ અશ્વરાઇડીંગ શાળાઓ બંધ હતી. જેથી અશ્વપ્રેમીઓ અને અશ્વારોહણ જેવા સાહસિક ખેલમાં રૂચિ ધરાવતાં યુવાનો દ્વારા આવી અશ્વ રાઇડીંગ શાળાઓ ફરી શરૂ કરવા માટેની રજૂઆત મળી હતી. જેને ધ્યાને લઇને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આવી રાઇડીંગ સ્કૂલ ફરી શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. આ માટે રાજ્યના ડી.જી.પી.શ્રી દ્વારા સંબંધીત તમામ એકમોને રાઇડીંગ સ્કૂલ ફરી શરૂ કરવા આદેશ કરી
દેવાયા છે.

તેમણે ઉમેર્યુ કે, રાજ્યની આ અશ્વ રાઇડીંગ સ્કુલો ખાતે હવે ઘોડેસવારની તાલીમ આપવા તાલીમાર્થીઓ માટે ૩ માસનો બેઝિક તાલીમ કોર્ષ અને ૩ માસનો એડવાન્સ તાલીમ કોર્ષનું આયોજન કરવામાં આવશે. આવી તાલીમ માટે આવતા તાલીમાર્થીઓને નક્કી કર્યા મુજબ ઘોડેસવારીની પરીક્ષા લઇને ઓછામાં ઓછા ૫૦% ગુણ પ્રાપ્ત કરે તો ઘોડેસવારીના પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. હાલની કોરોનાની મહામારીને ધ્યાનમાં લેતાં, રાઇડીંગ સ્કૂલ ખાતે ચાલતી તાલીમ દરમિયાન યોગ્ય સોશ્યલ ડીસ્ટંન્સીંગ સહિતની તકેદારીઓ સાથે જ રાઇડીંગ સ્કૂલ શરૂ થાય તે માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે. તાલીમ લેવા ઇચ્છુક નાગરિકોએ નજીકની પોલીસ રાઇડીંગ સ્કૂલનો સંપર્ક કરવા ગૃહ વિભાગ દ્વારા વધુમાં જણાવાયું છે.

રિપોર્ટ:દિલીપ ગજજર,નાયબ માહિતી નિયામક ગાંધીનગર