Jayesh Thakrar Editor Sandesh

જો અપને પરિવાર સે કરતે હૈ પ્યાર વો કોરોના ટેસ્ટ સે કૈસે કરે ઈન્કાર?

Jayesh Thakrar Editor Sandesh

જો અપને પરિવાર સે કરતે હૈ પ્યાર વો કોરોના ટેસ્ટ સે કૈસે કરે ઈન્કાર ?: ‘સંદેશ’ ના નિવાસી તંત્રી જયેશ ઠકરારનો ‘‘પ્રેરક સંદેશ’’

અહેવાલ: હેતલ દવે, રાજકોટ

રાજકોટ, ૧૪ ઓક્ટોબર: સંદેશ દૈનિકના રાજકોટના નિવાસી તંત્રી જયેશ ઠકરાર વિશ્વ સમક્ષ ઉભા થયેલા કોરોના મહામારીના પડકારને પહોંચી વળવા લોકોને ભયભીત બન્યા વિના સાવધાની અને જરૂરી તકેદારીની સાથે અચૂક કોરોના ટેસ્ટ કરાવવાનો પ્રેરક સંદેશ આપતાં કહે છે કે, જીવનમાં પડકારો તો આવતા જ રહેવાના છે, વિકટ પરિસ્થિતી પણ આવતી રહે છે. પરંતુ આપણે તેનાથી ભય પામવાનું નથી.

આપણે સૌ જાણીએ છીએ કે, અત્યારે કોરોનાની મહામારીના કારણે ઘણાબધા લોકો શારિરીક – માનસીક ભય અનુભવી રહયાં છે. ભય અનુભવવામાં કશુ ખોટું નથી. પરંતુ આ મહામારી એવી છે કે, આ સમયમાં ભય અનુભવવાના બદલે જો સાવધાની વર્તવામાં આવે તો કોરોના સામેનો આ જંગ આપણે જીતી શકીશું.

સમગ્ર દેશ – ગુજરાત અને રાજકોટ માટે રાહતના સમાચાર એ પણ છે કે, કોરોના સામેનો રીકવરી રેટ ૯૦ ટકા સુધી પહોંચી ગયો છે. અને દિવસે – દિવસે કેસ ઘટી પણ રહયાં છે. આ ઉપરાંત જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, જેમણે પોતાના મિત્રો ગુમાવ્યા છે. એમને થયેલું દુ:ખ મહેસુસ કરતાં – કરતાં આપણે આજે એક એવા તબક્કે પણ પહોંચ્યા છીએ કે હવે મૃત્યુ આંક પણ ઘટી ગયો છે. આ આપણા માટે રાહતના સમાચાર જરૂર છે પરંતુ કોરોના હજુ આપણી વચ્ચેથી ગયો નથી. કોરોનાને જો આપણે સંપૂર્ણ દેશવટો આપવો હોય, આપણી આસપાસ રહેતા આપણા જ લોકોને બચાવવા હોય, તેમને કોરોનાગ્રસ્ત થતાં રોકવા હોય તો એક માત્ર ઈલાજ છે કે, આપણે માસ્ક પહેરીએ, સામાજીક અંતર જાળવીએ.

આ એક એવી બિમારી છે કે, જે લોકો – લોકો વચ્ચેની નિકટતામાંથી પ્રસરે છે. પરંતુ આ સમયમાં આપણે યાદ રાખવાની વાત એ છે કે, આપણે એકબીજાથી દૂર જરૂર રહેવાનું છે, પરંતુ દ્રઢ મનોબળથી માનસીક અને ઉષ્માપૂર્ણ રીતે એક બીજાનો સાથ પકડી પણ રાખવાનો છે.

આપણે એક વાત સમજી લેવી જોઈએ કે, એક વ્યક્તિ પૂરા સમાજને કોરોના લગાડી શકે છે તેવી જ રીતે જો કોઈ એક વ્યક્તિ ધારે તો પૂરા સમાજને કોરોનાથી બચાવી પણ શકે છે. કોરોના કોઈપણ વ્યક્તિને લાગી શકે છે. તેથી આપણને કોરોના નહી જ થાય તેવું આપણું માનવું ભૂલ ભરેલું છે. અત્યાર સુધીમાં અમેરીકાના રાષ્ટ્રપતિથી લઈને અનેક મંત્રીઓ, અધિકારી – પદાધિકારીઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે, એવું નથી કે, આ તમામ લોકો લાપરવાહ હતાં. પરંતુ કદાચ એવું બન્યું હોય કે એ જેમના સંપર્કમાં આવ્યા હોય તે લોકોની કોઈક લાપરવાહીના કારણે તેમને કોરોના લાગ્યો હોય.

આપણે એ પણ યાદ રાખવું પડે કે, કોરોનાના કારણે સંપૂર્ણપણે ઘરમાં બેસી રહેવાનું નથી. આપણે આપણા કામ પણ કરવાના છે. કોરોનાની સાથે જીવતાં આપણે શીખી લેવું પડશે. આ માટે આપણે બીન જરૂરી ઘરની બહાર ન નિકળીને તથા કારણ વગર ટોળામાં ન મળીને સ્વયં લોકડાઉન – કર્ફ્યુનું પાલન કરવું પડશે.

કોરોના વિશે અત્યારે લગભગ બધા જ લોકો PHD થઈ ગયા હોય તેટલું જ્ઞાન ધરાવે છે. એટલે જો અત્યારે કોઈને કોરોના થાય તો એના માટે અન્ય કોઈ જવાબદાર નથી પરંતુ આપણે ખૂદ જવાબદાર છીએ. એટલે આપણે સૌએ જાગૃત બની કોરોનાના ટેસ્ટ કરાવવા જોઈએ. આ ટેસ્ટ સરકારી તંત્ર દ્વારા તમામ જાહેર સ્થળોએ નિશુલ્ક કરવામાં આવે છે.

ઘણા લોકો એવું માનતા હોય છે કે, આપણે ટેસ્ટ ન કરાવીએ તો શું ! આવા લોકોને મારે કહેવું છે કે, જો આપને કોરોના છે અને આપ ટેસ્ટ નથી કરાવતા તો આપના ઘરમાં રહેલા વૃધ્ધ માતા – પિતા અને વ્હાલસોયા બાળકોને પણ કોરોના લાગુ પડી શકે છે. કદાચ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે હોય તો આપ કોરોનાથી બચી શકશો પણ આપના પરિવારજનો કદાચ એનાથી બચી નહી શકે. જો તમે સમયસર ટેસ્ટ કરાવીને સારવાર લેશો તો સંપૂર્ણપણે બચી જશો. ટેસ્ટ કરાવવામાં આપણો ફાયદો જ છે. આપણી આસપાસના લોકો સંક્રમિત થતાં નથી અને આપણે ખૂદ પણ બચી જઈએ છીએ.

કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ થવાથી બહું મોટો ખર્ચ થાય છે આ ભ્રામક માન્યતામાં લોકોએ ન આવવું જોઈએ. કોરોનાનો ટેસ્ટ કરવાથી લઈને સંપૂર્ણ સારવાર સુધી અને ત્યાર બાદ આઈસોલેશન સુધી તમામ સુવિધા મહાનગરપાલિકા અને સરકારી તંત્ર પૂરી પાડે છે, અને એટલી શાનદાર સેવા આપવામાં આવે છે, જેની પ્રતિતી ત્યાં સારવાર લઈ ચૂકેલા ઘણાબધા લોકોના મુખેથી આપણે સાંભળીએ છીએ.

કોરોના સામેના આપણા આ નિર્ણાયક તબક્કાના જંગમાં તમામ વ્યક્તિ – નાગરિક જો પોતાનો ધર્મ બરાબર રીતે નિભાવે તો ઈતિહાસમાં આપણા બધાનું નામ હંમેશા યાદ રહેશે. આપણે આ આપદાની સ્થિતિમાં આપણો ધર્મ બજાવવાનો છે અને આપણા વ્હાલા રાજકોટવાસીઓને, ગુજરાતીઓને કોરોનાથી બચાવવાના છે.

અને આ માટે હુ માત્ર એટલું જ કહીશ કે, ‘‘જો અપને પરિવાર સે કરતે હૈ પ્યાર, વો કોરોના ટેસ્ટ સે કૈસે કરે ઈન્કાર? ’’

Banner Still Hindi