Covid Lab Test 4

દર્દીને સચોટ સારવાર પ્રદાન કરવા સંપૂર્ણ સતર્કતા સાથે પેથોલોજી લેબોરેટરીમાં ફરજ અદા કરતાં આરોગ્ય કર્મીઓ

અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ

રાજકોટ,૧૦ સપ્ટેમ્બર : લોકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે “રાઉન્ડ ધ કલોક” કામગીરી કરતા રાજકોટ સિવિલ હોસ્પિટલના આરોગ્ય કર્મીઓ કોરોનાની સાથે અન્ય રોગોના નિદાન માટે અનેક મોરચે કામ કરી રહ્યા છે. નક્કર આયોજન સાથે દર્દીઓને રોગમુક્ત બનીને સ્વસ્થ થઈ શકે તે  માટે મેડીકલ સ્ટાફ લેબોરેટરીમાં વિવિધ ટેસ્ટ, ડોક્ટર્સની દ્વારા થતું યોગ્ય નિદાન, સંબંધિત રોગને લગતી દવાઓ સહિતની કામગીરી સંપૂર્ણ સજ્જ્તા અને જવાબદારી સાથે કરી રહ્યા છે. પરંતુ આ સૌમાં દર્દીઓની સંબંધિત બિમારીના યોગ્ય નિદાન માટે મહત્વનું પાસું હોય તો એ છે લેબોરેટરી ટેસ્ટની પ્રક્રિયા.

 ડોકટર્સના સુચન અનુસાર, દર્દીના શરીરમાં પ્રવેશેલી બિમારી સામે કંઈ રીતે લડાઈ લડવાની છે તે માટે સૌપ્રથમ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે કોરોનાની સાથે અન્ય રોગથી સંક્રમિત દર્દીઓને સંપૂર્ણ સ્વસ્થ કરવા માટે રાજકોટ કોવીડ-૧૯ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફલોર પર કાર્યરત પેથોલોજી લેબોરેટરીના આરોગ્ય કર્મીઓ યુધ્ધના ધોરણે કામ કરી રહ્યા છે.

 આ સંદર્ભે પેથોલોજી લેબોરેટરીમાં નોડલ ઓફિસર તરીકે ફરજ નિભાવતા ડો. શિલ્પા ગાંધીએ કામગીરી અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, “અલ્ટ્રા આધુનિક ઉપકરણોની સાથે સંપૂર્ણ સચોટતા અને સતર્કત્તા સાથે પેથોલોજીના બધા ઈન્વેસ્ટીગેશ કરવામાં આવી રહ્યા છે. દર્દીને બિમારીની અસર કેટલી અને ક્યાં સુધી થઈ છે તેના આરોગ્યમાં સુધારો થયો કે નહીં તેની જાણકારી મેળવવા માટે PT, APTT, D-DIMER જેવા મહત્વના ટેસ્ટ કરવામાં આવે છે.

 ડો.શિલ્પા ગાંધીની વાતને સમર્થન આપતા કોવીડ બાયોકેમેસ્ટ્રી લેબોરેટરીના નોડલ ઓફિસર ડો. જીજ્ઞેશ ગોરશીયાએ જણાવ્યું હતું કે, “અમારી લેબોરેટરીમાં ઓ.પી.ડી તેમજ ઈન્ડોર વોર્ડના દરેક દર્દીના ટેસ્ટ કરી રહ્યા છીએ. ઘણીવાર હાઈ ઈન્ફેકશન ધરાવતા દર્દીઓના સેમ્પલ આવતા હોય છે ત્યારે ખુબ સાવચેતી રાખવી પડે છે. માસ્ક, ગલ્વોઝ, પી.પી.ઈ કીટ પહેરીને ટેસ્ટની કામગીરી કરીએ છીએ. ઉપરાંત સરકાર દ્વારા નિશ્ચિત કરાયેલા નિયમો મુજબ બાયોમેડીકલ વેસ્ટના નિકાલ કરીએ છીએ.”

Covid Lab Test 5 edited

દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલની પેથોલોજી અને બાયોકેમેસ્ટ્રી લેબોરેટરીના આરોગ્ય કર્મીઓ ઉદ્દાત ભાવના સાથે પોતાની કામગીરી કરી રહી છે તેમાં કોઈ બેમત નથી.

loading…