93 years corona Patient

પરિવાર માટે લીલુડી છાંયડી એવા ૯૩ વર્ષીય કાંતાબેન પાસે શુષ્ક પડતો કોરોના

93 years corona Patient

કોરોના દર્દીઓની સારવાર માટે પ્રતિબધ્ધતાથી કામ કરતા જસદણ તાલુકાના આરોગ્ય કર્મીઓ

            આપણા લોકસાહિત્યમાં એક જાણીતો દુહો છે કે, ” વિપત પડે ના વલખિયે, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજિયે, ઉદ્યમ વિપતને ખાય”. લોકસ્વાસ્થ્ય પર મંડરાતી કોરોનાની વિપત સામે આરોગ્ય કર્મીઓની સેવાસુશ્રુષા અને કોરોનાસંક્રમિત ત્રાણું વર્ષીય કાંતાબેનના મજબુત મનોબળના ઉદ્યમે  કોરોનારૂપી વિપતના વળતા પાણી કર્યા છે.

અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ

રાજકોટ,૦૮ઓક્ટોબર:પરિવારની લીલુડી છાયડી એવા ૯૩ વર્ષીય કાન્તાબેન નારણગીરી ગોસાઈ જસદણ તાલુકાના વીરનગરના રહેવાસી છે. સ્વાસ્થ્ય પ્રત્યે પહેલેથી સજાગ, નિરોગી અને તંદુરસ્ત કાંતાબેન થોડા દિવસો પહેલા રાજકોટ સ્થિત પોતાના મોટા પુત્ર પાસે રોકાવા ગયા હતા. રોકાઈને વિરનગર પરત ફરતા જ કાંતાબેનને શરદી, ઉધરસ અને તાવના લક્ષણો જણાયા હતા. આજદિન સુધી હોસ્પિટલનું પગથિયું ન ચડનાર કાન્તાબેનને હોસ્પિટલ ન જવું પડે તેથી પરિવારજનોએ સમજદારી દાખવીને ઘરે જ ઉકાળા, નાસ અને ગરમ દૂધપાણી શરૂ કરી દીધા હતા. પરંતુ તબિયતમાં સુધારો ન થતાં પરિવારજનોએ રેપીડ ટેસ્ટ કરાવ્યો ત્યારબાદ  બ્લડ ટેસ્ટ અને સી.ટી.સ્કેન કરાવ્યું જેમાં કોરોના પોઝીટીવ હોવાનું સામે આવ્યું.

Advt Banner Header

કાંતાબેનનું સ્વાસ્થ્ય વધુ ન કથળે તે માટે જસદણની કોવીડ-૧૯ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં મળેલી સારવાર અંગે પ્રતિભાવ આપતા કાન્તાબેને જણાવ્યું હતું કે, “હૈયે ઘરપત હતી જ્યારે હું સ્વસ્થ થઈને ઘેર પાછી આવી. મારી બહુ સેવા કરી છે ત્યાંના દિકરા-દિકરીએ. મારા જેવા વૃધ્ધોને ઉભું ન થવું પડે એટલા માટે અમારી જમેલી એઠી થાળી પથારી પાસેથી ઉપાડીને લઈ જતા. એક દિવસ મને ઘરનું ખાવાનું યાદ આવ્યું તો મારા ઘરના લોકોને તરત ફોન કર્યો અને મારી વહુના હાથનું બનાવેલું ભોજન મારા સુધી પહોંચાડ્યું. ખોટું ક્યાં બોલું ભગત, ઘરના માણસો હતા એ બધા. એના લીધે જ આજે ફરીથી ઘરનું પગથીયું ચડી શકી છું.”

loading…

૭ દિવસ તો કાંતાબેન વગર ઘર કરડવા દોડતું હતું. દિવસમાં એકવાર તો બાના ખોળામાં માથું મુકવા જોઈએ જ. બાને અમે કોઈદિવસ એકલા મુક્યા નથી તેથી સારવાર માટે એકલા મુકતા જીવ નહોતો હાલતો. પણ જસદણના આરોગ્ય કર્મીઓએ અમારી ચિંતા દૂર કરી દીધી. રોજ ફોન કરતાં, બાની તબિયત વિષે જણાવતા. એમની વાતોથી લાગતું કે બા કોઈ અજાણ્યા પાસે નથી, તેમના પરિવાર પાસે જ છે, તેમ કાન્તાબેનના પ્રપૌત્ર ધવલભાઈએ કહ્યું હતું.

૯૩ વર્ષીય કાન્તાબેનની હિંમત, સરકારી કામગીરી પ્રત્યે પરિવારજનોનો વિશ્વાસ અને આરોગ્ય કર્મીઓની ઉદાત્ત ભાવનાનાસથવારે ગોસાઈ પરિવારની લીલુડી છાંયડી અકબંધ રહી છે અને કોરોનાની વિપતને ધૂળ ચટાડી છે, તે કહેવામાં કોઈ બેમત નથી.