Old Age Patient helper 1

પથારીવશ વડીલોની લાઠી બની યુવા જીવનને સફળ કરતાં સમરસ કોવીડ કેર સેન્ટરના ૧૨૦ એટેન્ડન્ટસ

 

Old Age Patient helper 1

“કોરોના દર્દી અમારા કામનો નહિં, પરંતુ હદયનો હિસ્સો છે”: ૧૯ વર્ષીય એટેન્ડન્ટ જયેશભાઈ

 અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ

રાજકોટ, ૦૭ ઓક્ટોબર: શિયાળાની કડકડતી ઠંડી છે. એક યુવાન રસ્તા પર શાલ ઓઢીને પસાર થઈ રહ્યો છે. એકાએક તેની નજર ફુટપાથ પર સુતેલા વયોવૃધ્ધ આદમી ઉપર ચોંટી જાય છે. ઠંડીને કારણે કંપારીથી ધ્રુજતા એ વ્યક્તિને જોઈને એક પણ ક્ષણ વ્યર્થ ગુમાવ્યા વગર એ યુવાન તેની શાલ એ વયોવૃધ્ધ વ્યક્તિને ઓઢાડીને ચાલતી પકડે છે. જો તમે આ ઘટનાથી પરિચિત હશો તો આટલું વાંચતાની સાથે તમારા મનોચક્ષુ સમક્ષ ભારતના એ મહાન સપુત સ્વામી વિવેકાનંદની છબી તરી આવી હશે. તેમના દ્રઢ વિચારો યુવાજગત અને સમાજ માટે કેટલા અમુલ્ય છે તેમની પ્રતીતિ કોરોના કાળે સમજાવી છે.

  ઉપરની ઘટના એટલે કહેવી પડી કે, સ્વામી વિવેકાનંદે શાલનો ત્યાગ કરીને લોકસેવા કરી હતી. જ્યારે આજનો યુવા પી.પી.ઈ.કીટ, માસ્ક અને ગ્લોવ્ઝ પહેરીને દર્દી નારાયણની સેવા કરી રહ્યો છે. વાત છે સમરસ કોવીડ કેર સેન્ટરમાં ફરજ બજાવતા ૧૨૦ એટેન્ડન્સની. જેઓ ‘‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’’ના વિચાર સાથે વયોવૃધ્ધ લોકોની નિષ્કામ સેવા કરીને સાચા અર્થમાં પોતાનું યુવાજીવન સફળ કરી રહ્યા છે.

 મેડીકલ ઓફિસર, સ્થાનિક તબીબ અને નર્સિંગ સ્ટાફને સહાયરૂપ બનતા એટેન્ડન્સ દર્દીઓના સુખ-દુઃખનો હિસ્સો બની કામ કરી રહ્યા છે. પેશન્ટ્સનો પડછાયો બનીને તેમના શરીર-મનના આરોગ્યની દેખરેખ કરવી, ભોજન કારાવવું, સમયસર દવા આપવી, હાલ-ચાલ પુછવા અરે ત્યાં સુધી કે અશકત દર્દીઓને સ્નાન કરવા અને દૈનિક ક્રિયાઓ જેવી કે શૌચ-બાથરૂમ જવામાં પણ મદદ કરી રહ્યા છે.

  દર્દીઓની સેવા કરી રહેલા ૧૯ વર્ષીય એટેન્ડન્ટ જયેશ ભોરણીયાએ કહ્યું હતું કે, ” જીવનકાળના સૂર્યોદય અને સૂર્યાસ્તમાં માનવીને સૌથી વધુ હુંફની જરૂર પડતી હોય છે. ઘણા વડીલો ઉંમરના કારણે ચાલી શકતા નથી. તેમને વોશરૂમ સુધી લઈ જઈએ છીએ. તેમને સ્નાન કરાવીને કપડાં પણ પહેરાવીએ છીએ. એક બાળકની જેમ તેમની દેખરેખ રાખતા હોવાથી તેઓ અમારા કામનો નહીં પરંતુ હદયનો હિસ્સો બની ગયા છે.”

Old Age Patient helper Mittal

પૈસા કમાવવા સહેલા છે પરંતુ કોઈની દુઆઓ મેળવવી અઘરી છે. હું રોજ વડીલોની દુઆઓ મેળવી રહી છું. ઈશ્વરનો આભાર કે તેઓએ મને નિમિત્ત બનાવી કે હું દર્દીઓની સેવા-સુશ્રુષા કરી શકું. જ્યારે તેઓ સ્વસ્થ થઈને પરત ફરતી વેળાએ ગળગળા થઈને અમને ભેટી પડે છે ત્યારે અમારી આંખોમાં પણ આંસુઓ આવી જાય છે. બસ, સૌ કોઈ સ્વસ્થ રહે તેવી ઈશ્વરને પ્રાર્થના, તેમ એટેન્ડન્ટ મિત્તલ પાથરે જણાવ્યું હતું.

Advt Banner Header

 ભારત ભોમ પર જ્યારે પણ આફત આવી છે ત્યારે યુવાધન લોકરક્ષા અર્થે હંમેશા આગળ આવ્યું છે. સમરસ કોવિડ કેર સેન્ટરમાં દર્દી નારાયણની સેવા કરતાં ૧૨૦ એટેન્ડન્ટસના નિષ્કામ કર્મયોગને સો-સો સલામ.