સાચી જાણકારી- કોરોના સામેની લડાઈમાં મહત્વપૂર્ણ હથિયાર વિષય પર વેબીનાર યોજાયો.

સરકાર એક છે પણ ખોટી માહિતી ફેલાવવા વાળા અનેક છે- સરિતા દલાલ

ઓથેન્ટીક એટલે કે આધારભૂત માહિતીને જ સાચી માહિતી ગણવી – ર્ડા. ધીરજ કાકડીયા

14 JUL 2020 by PIB Ahmedabad

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના લોક સંપર્ક બ્યુરો (આર.ઓ.બી) અને પી.આઈ.બી.ના અમદાવાદના તેમજ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમના સંયુકત ઉપક્રમે “ સાચી જાણકારી – કોરોના સામેની લડાઈમાં મહત્વપૂર્ણ હથિયાર ” વિષય પર એક વેબીનાર યોજાઈ ગયો. આ વેબીનારમાં વિસ્તૃત માહિતી આપતા પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો તેમજ આર.ઓ.બી.ના અપર મહા નિદેશક (રીજીનલ) ર્ડા. ધીરજ કાકડીયાએ જણાવ્યું હતું કે ભારતમાં કોરોનાનો ભય બીજા દેશોની સરખામણીએ વધુ છે. આપણા દેશના 70 ટકા લોકો ગામડામાં વસે છે અને ગામડાના લોકોનું આરોગ્ય જોઈએ તેટલું સારૂં હોતુ નથી. તેમજ શિક્ષણમાં હવે ધીમે-ધીમે આગળ વધી રહ્યા છે. ર્ડા. કાકડીયાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે લોકોને માહિતી અલગ-અલગ જગ્યાએથી મળી રહે છે. ખાસ કરીને સોશિયલ મીડીયા અને અખબારો દ્વારા વધુ ફેલાઈ રહી છે. આમાં લોકોને નક્કી કરવાનું રહે કે સાચી માહિતી છે કે નહિં. તેને અપનાવું કે નહિં. આધારિત માહિતીને જ સાચી ગણવી જોઈએ ખોટી માહિતીથી ઘણાં લોકોને નુકશાન પણ થાય છે. હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીની પરિસ્થિતિને જોતા ક્યારેક-ક્યારેક ખોટી માહિતી જેવી કે આમ કરવાથી આપના ઘરે આપના વિસ્તારમાં કોરોના ન ફેલાયે આવી માહિતીની સાવધાન રહેવું જોઈએ અને ખોટી માહિતી થી બચવું જોઈએ.

આર.ઓ.બી.ના ડેપ્યુટી ડાયરેક્ટર સરિતા દલાલે મીડીયાને માહિતી પૂરૂં પાડતું અસરકારક સાધન બતાવતા જણાવ્યું હતું કે ખોટી માહિતી ક્યારેક-ક્યારેક નુકસાન દાયક નીવડી શકે છે. સમાજમાં પૈસા કમાવવા બજારમાં કોરોના સામે ઈમ્યુનીટી વધારવાં દવા મૂકી ગેરમાર્ગે દોરી લોકો પાસેથી પૈસા લૂટે છે. સરકારી મીડીયાની જવાબદારી છે કે ભય, ડર, ગભરાટ, નિરાશા ન ફેલાવે. લોકોમાં આત્મવિશ્વાસ બની રહે તેવી સાચી માહિતી પ્રદાન કરે. કોરોના સંબંધિત વિચારો-માહિતીનું આદાન પ્રદાન થવું જોઈએ. ખાસ કરીને યુવાનો સહકાર આપવો જોઈએ અને મીડીયાએ સઘન પ્રયાસ કરવા જોઈએ.

સાચી માહિતી માટે પત્રકારીતાની શરૂઆત થઈ ત્યારથી લડી રહ્યા છીએ આના વિશે વિગતવાર ચર્ચા કરતાં (NIMCJ)ના ડાયરેક્ટર ર્ડા. શિરીશ કાશીકરે જણાવ્યું હતું કે લોકોને માહિતી અલગ-અલગ પ્રકારે મળે છે. માહિતી સાચી છે કે ખોટી, લોકો પર તેની શી અસર થશે એ જાણાવું પણ જરૂરી છે. સોશિયલ મીડીયા પર દરેક બ્રોડકાસ્ટ બની ગયા છે. અખબારો એ જવાબદારી લેવી જોઈએ કે લોકો સુધી જે માહિતી પહોંચે છે તે સાચી છે કે નહીં. તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે કોઈ પણ ઘટના ઘટે તો તેની માહિતી સોશિયલ મીડીયા દ્વારા 10 મીનીટમાં પહોંચી જાય છે. જ્યારે છાપાંમાં આ સમાચાર બીજા દિવસે વાંચવા મળે છે. માહિતીને ઓથેન્ટીક બનાવવા માટે સંપર્ક નંબર અને લીંક પણ આપી દેવામાં આવે છે. પરંતુ તેના વિશે ક્રોસ ચેક કરીને જ માહિતી અપનાવવી જોઈએ. સમાજમાં પ્રતિષ્ઠા ધરાવતી વ્યકિત જો મેસેજ મોકલે તો જલદી ગંભીરતાથી અપનાવી લે છે. પરંતુ સૌથી વધુ પ્રિન્ટ મીડીયા અને ઈલેકટ્રોનિક મીડીયા પર જ ભરોસો કરી શકાય. તેમાં પણ ખાસ કરીને દૂરદર્શન અને આકાશવાણી ની માહિતી સાચી હોય છે. પ્રો, કૌશલ ઉપાધ્યાયાએ આ વેબીનારને સફળતા પૂરવાર કરતા જણાવ્યું હતું કે ભારત કોરોના મહામારી સામે વિકસિત દેશોને સરખામણી પાછળ છે. પરંતુ આપણી સરકાર આની સામે મદદ કરવા પૂરી કોશિશ કરી રહી છે. પૂરી જવાબદારી સાથે સાચી માહિતી લોકો સુધી કેવી રીતે પહોંચે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે.

આ ઉપરાંત આ વેબીનારમાં લોકોએ રસપૂર્વક ભાગ લીધો હતો અને સાચી માહિતી જણવા શું કરવું જોઈએ તે માટે પ્રશ્નોત્તરી પણ રાખવામાં આવી હતી.