PM Garib kalyan yojna 1 scaled

વધુ 3 મહિના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મેળવી શકશે વિનામૂલ્યે ગેસ સિલિન્ડર

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ નિઃશુલ્ક ઘરેલુ ગેસ સિલિન્ડર વધુ 3 મહિના સુધી અપાશે, આ લાભ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મળશે

દેશના 8 કરોડથી વધુ ગરીબ પરિવારોને વધુ ત્રણ મહિના સુધી રાહત, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મેળવી શકશે વિનામૂલ્યે ગેસ સિલિન્ડર

14 JUL 2020 by PIB Ahmedabad

કોરોના સંકટના સમયમાં સૌથી વધુ માઠી અસર ગરીબ અને વંચિતોને થઇ છે. જેમને સલામતી સાથે રાહત આપવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારે આર્થિક પેકેજમાં વિશેષ ધ્યાન રાખી રાહત રૂપે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની શરૂઆત કરી છે. લોકડાઉનના સમયગાળા દરમિયાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સહાય અને રાહત સાથેની યોજનાઓના સુચારુ અમલીકરણથી દેશના ગરીબ અને નાના મધ્યમવર્ગીય લોકોની સમસ્યાઓનુ સરકાર નિરાકરણ લાવી છે. આ યોજના હેઠળની વિભિન્ન અમલી યોજનાઓમાંની એક યોજના એટલે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને 1 એપ્રિલ, 2020થી ત્રણ મહિનાના સમયગાળા સુધી વિનામૂલ્યે ઘરેલુ ગેસનું વિતરણ કરવામાં આવ્યું હતું.  જેનાથી ગરીબવર્ગને લોકડાઉનના સમયગાળામાં ઘણી મોટી રાહત મળી છે. હવે અનલોકનો સમય ચાલી રહ્યો છે તે દરમિયાન પણ દેશના આવા જરૂરિયાતમંદપરિવારોને વધુ રાહત આપવા આ યોજનાનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. 

પ્રધાનમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રાલયની ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓ માટેની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ વધુ ત્રણ મહિના સુધી વિસ્તારવાની દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી છે. જેથી હવે દેશભરના 8 કરોડથી વધુ ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને 1 જુલાઇ, 2020થી વધુ ત્રણ મહિના સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ પ્રાપ્ત થશે. મહત્વનું છે કે ઉજ્જ્વલા યોજના હેઠળના ગેસ ધારકોને ગેસ સિલિન્ડરની ડીલીવરી સમયે ચૂકવવા પડતા રૂપિયા તેમના બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા સહાય પેટે પરત આપવામાં આવે છે. અને એ પ્રકારે તેમને વિનામૂલ્યે ગેસ સિલિન્ડર પ્રાપ્ત થાય છે. હવે જૂલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પણ આ જ પ્રકારે યોજનાના લાભાર્થીઓને તેમના દ્વારા જે નાણા ગેસ સિલિન્ડરની ડિલિવરી સમયે ચૂકવાશે તે તેમના બેંક અકાઉન્ટમાં સહાયરૂપે પાછા મળી જશે.

pic114 7OFVH
 શ્રીમતી સંતોકબેન

મહત્વનું છે કે દેશભરમાંઆ યોજના હેઠળ એપ્રિલથી જૂન 2020 દરમિયાન ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા રૂપિયા 9709.86 કરોડ હસ્તાંતરિત કરવામાં આવી ચૂક્યા છે. અને આવા લાભાર્થીઓને 11.97 કરોડ સિલિન્ડર આપવામાં આવ્યાં છે. યોજનાનો લાભ પ્રાપ્ત કરનાર લાભાર્થીઓ એનાથી ઘણા ખુશ છે અને આ યોજના બદલ ભારત સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યાં છે. આ યોજનાના આગામી ત્રણ મહિનાના વિસ્તરણના નિર્ણયને લઇને પણ આ લાભાર્થીઓમાં રાહત સાથે આનંદની લાગણી જોવા મળી રહી છે. જે માટે તેઓ સરકારના આ નિર્ણયને ખૂબખૂબ આભાર સાથે આવકારી રહ્યાં છે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સાંકલી ગામના મહિલા સંતોકબેને અમારા પીઆઇબીના પ્રતિનિધિને જણાવ્યું કે, સરકારની આ યોજના તેમના માટે ઘણી લાભદાયી છે. કોરોના સંકટને લઇને તેઓ ભારે આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યાં છે. ત્યારે ઉજ્જ્વલા યોજના હેઠળ તેમને  ગેસ સિલિન્ડરના ચૂકવેલા નાણા પરત તેમના બેંક ખાતામાં જમા થઇ જતાં તેમને વિનામૂલ્યે ગેસ સિલિન્ડર મળે છે. વધુ ત્રણ મહિના સુધી આ સહાય કેન્દ્ર સરકાર દ્વારા મળવાની છે જે જાણીને તેમને બહુ ખુશી થઇ છે. અને સરકારના આ નિર્ણય બદલ તેઓ ભારત સરકારનો ખૂબખૂબ આભાર વ્યક્ત કરે છે.

pic214 7PZ3Z
શ્રીમતી જનકબા ચુડાસમા

ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના હીણાજ ગામના વતની શ્રીમતી જનકબા ચુડાસમાએ અમારા પ્રતિનિધિને જણાવ્યું કે હું ઉજ્જ્વલા ગેસ ધારક છું. હાલમાં ભારે આર્થિક કટોકટી છે એવામાં ભારત સરકારે વધુ ત્રણ મહિના સુધી ઉજ્જવલા યોજના હેઠળ મફતમાં ગેસ સિલિન્ડર આપવાનો નિર્ણય કર્યો છે. તે મારા અને મારા પરિવાર માટે આનંદના સમાચાર છે. જે માટે હું પ્રધાનમંત્રીશ્રી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કરું છું.

pic314 7QDY3
શ્રીમતી જૈમીનીબેન

આ તરફ અમદાવાદના રહેવાસી જૈમિનિબેને અમારા પ્રતિનિધિને જણાવ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્ચાણ યોજનામાં સમાયેલી દરેક યોજના ખૂબજ લાભદાયી છે. આ યોજના હેઠળની ઉજ્જ્વલા યોજનાથી મારા જેવી દેશની કરોડો ગૃહીણીઓની સમસ્યા દૂર થઇ છે. આ યોજનાનો લાભ હવે વધુ ત્રણ મહિના એટલે કે સપ્ટેમ્બર મહિના સુધી મળવાનો છે. જે ખૂબ સારો નિર્ણય છે જેને હું ખૂબ આવકાર સાથે સરકારનો આભાર માનું છું.

         પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ જ અમલ થઇ રહેલી અન્ન યોજનાનું પણ આગામી પાંચ મહિના સુધી વિસ્તરણ કરવામાં આવ્યું છે ત્યારે હવે ઉજ્જવલા યોજનાનું પણ વધુ ત્રણ મહિના સુધી વિસ્તરણ કરીને કેન્દ્ર સરકાર આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા કરોડો પરિવારોની વ્હારે આવી છે. જેનાથી આવા પરિવારોને ભોજન માટે અનાજ અને તેને રાંધવા માટે રાંધણગેસ બંને વિનામૂલ્યે પ્રાપ્ત થશે. માટે જ કેન્દ્ર સરકારના આ ગરીબોના હિતલક્ષી નિર્ણયની સરાહના થઇ રહી છે જે યથોચિત છે.