Oxygen Saayaji Hospital 3

સયાજી અને ગોત્રીની બે સરકારી હોસ્પિટલોમાં પ્રવાહી પ્રાણવાયુ ની સંગ્રહ ક્ષમતા વધીને કુલ ૫૩ હજાર લિટરની થશે

Oxygen Saayaji Hospital 3
  • વિક્રમ સમયમાં ગોત્રી હોસ્પિટલમાં ૧૩ હજાર લિટરની પ્રવાહી પ્રાણવાયુ ટાંકી ખડી કરવાની કામગીરીને ખાસ ફરજ પરના અધિકારીએ બિરદાવી
  • સયાજી હોસ્પિટલમાં ૨૦ હજાર લિટરની બીજી ટાંકીનો ઉપયોગ આજથી શરૂ કરવામાં આવ્યો

અહેવાલ: બી.પી.દેસાઈ, વડોદરા

વડોદરા, ૧૨ સપ્ટેમ્બર:ખાસ કરીને કોવીડ કટોકટીને લઈને દર્દીઓની જીવન રક્ષા માટે ઓકિસજનની વધેલી માંગને અનુલક્ષીને જી.એમ.ઇ.આર. એસ.હોસ્પિટલના પ્રાંગણમાં યુદ્ધના ધોરણે ૧૩ હજાર લિટર સંગ્રહ ક્ષમતા ધરાવતી પ્રવાહી પ્રાણવાયુ એટલે લીકવિડ ઓકિસજન સંગ્રહ માટેની લંબગોળ નળાકાર ટાંકી ખડી કરવામાં આવી છે.ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે, રાત દિવસ કામ કરીને આ ટાંકીના વિક્રમ સમયમાં નિર્માણની પી.આઇ. યુ.ની કામગીરી ને બિરદાવી છે. હાલમાં કોવીડ નિયમનમાં સલાહકાર તરીકે કાર્યરત ડો. મીનુ પટેલે જણાવ્યું કે સયાજી હોસ્પિટલમાં પ્રત્યેક ૨૦ હજાર લિટરની સંગ્રહ ક્ષમતાવાળી બે ટાંકીઓમાં કુલ ૪૦ હજાર લિટર પ્રવાહી ઓકિસજનની સંગ્રહ ક્ષમતા છે.આજે સયાજી હોસ્પિટલમાં બીજી ટાંકીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.


ગોત્રી હોસ્પિટલમાં કોવીડ સારવાર સુવિધાને વ્યાપક બનાવવાના ભાગ રૂપે ૧૩ હજાર લિટર સંગ્રહ ક્ષમતા ધરાવતી લીકવીડ ઓકિસજન ટેન્ક ઇરેકટ કરવામાં આવી છે.આ ટાંકી કાર્યરત થતાં શહેરની બે પ્રમુખ સરકારી હોસ્પિટલોમાં પ્રવાહી પ્રાણવાયુના સંગ્રહની ક્ષમતા વધીને ૫૩૦૦૦ લિટર થશે.
કોરોનાની સારવારમાં પ્રાણવાયુ આપવાનું ખૂબ મહત્વ છે.સામાન્ય દિવસોમાં ગોત્રીની હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં ઓકિસજન નો વપરાશ ૧ થી ૨ ટન દૈનિક હતો જે કોરોના મહામારીમાં અસાધારણ વધીને દૈનિક ૧૫ થી ૧૮ ટન થયો છે.સયાજી હોસ્પિટલમાં પણ દૈનિક વપરાશ ૧ થી ૧.૫ ટન થી વધીને ૧૧ ટન જેટલો થયો છે.તે સંજોગોમાં આ ઓકિસજન સંગ્રહ ક્ષમતા ખૂબ નિર્ણાયક અને ઉપયોગી,જીવન રક્ષક બની રહેશે.સયાજી હોસ્પિટલની જ વાત કરીએ તો ૪૦ હજાર લિટર પ્રવાહી ઓક્સિજનની સંગ્રહ ક્ષમતાને લીધે લગભગ ૫૦ વર્ષ સુધી તેમાં વધારો કરવાની જરૂર નહિ પડે.

loading…

આ બધું ડો.વિનોદ રાવ સાહેબના માર્ગદર્શન અને પ્રોત્સાહક અભિગમ,સકારાત્મક અભિગમથી શક્ય બન્યું છે એવી લાગણી વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે,તેઓ સમગ્ર ટીમને પ્રેરણા અને પ્રોત્સાહન આપી રહ્યાં છે જેના લીધે બે મહિને પૂરાં થાય એવા કામો યુદ્ધના ધોરણે બે સપ્તાહમાં પૂરા કરવાનો જુસ્સો કેળવાયો છે.