Plasma Dr. Prakash Parmar

પિતાને દાનમાં મળેલા પ્લાઝમાનું પુત્રએ પ્લાઝમા દાન આપી ઋણ ચુકવ્યું

Dr. Prakash Parmar

અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ

રાજકોટ, ૨૪ ઓક્ટોબર: મને અને મારા માતા પિતા બંનેને કોરોના પોઝિટિવ આવ્યો, જેમાં મારા પિતાજીની પરિસ્થિતિ ગંભીર બનતા તેમને સારવાર અર્થે ઉપયોગી પ્લાઝમાનું સિવિલ તરફથી દાન મળ્યું અને મારા પિતાજીની તબિયત ખાસ્સી સારી થવા લાગી. મારા પિતાજીને જીવતદાન અપાવનાર પ્લાઝમાનું ઋણ કેમ ભૂલી શકાય ? આ શબ્દો છે પ્લાઝમા ડોનેટ કરી પિતાને મળેલ પ્લાઝમાનું ઋણ ચુકવતા પ્લાઝમા ડોનર ગાયનેકોલોજિસ્ટ ડો. પ્રકાશ પરમારના.

રાજકોટ ખાતે પ્રાઇવેટ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે સેવા આપતા ડો. પરમાર કોરોના દરમ્યાન પ્રસુતા મહિલાઓની સારવાર કરતાં કરતાં પોતે પણ કોરોના સંક્રમિત થયા. જેને પરિણામે ઘરમાં માતા પિતાને પણ કોરોનાની અસર થતા તમામ લોકોએ સારવાર લીધી. જેમાં ડો. પરમારના પિતાની સ્થિતિ ગંભીર હોવાથી તેઓને રિકવરી ઝડપથી આવે તે માટે તેમને પ્લાઝમા આપવામાં આવ્યું હતું.

રાજકોટ સિવિલ દ્વારા તેમને પ્લાઝમા પૂરું પડાતા તેમના પુત્રએ સિવિલ હોસ્પિટલ દ્વારા તેમના પિતાને મળેલ પ્લાઝમાના ઋણને સિવિલ હોસ્પિટલ ખાતે પ્લાઝમા દાન કરી ચૂકવ્યું હતુ. તેમના પ્લાઝમાના દાન દ્વારા અન્ય બે લોકોના જીવનમાં ઉજાસ પથરાશે.

ડો. પરમાર પણ ભૂતકાળમાં સહાયક પ્રાધ્યાપક તરીકે પી.ડી.યુ. મેડિકલ કોલેજ ખાતે સંકળાયેલા હોઈ તેઓએ પ્લાઝમા રૂપી દાન થકી માતૃ સંસ્થાનું ઋણ પણ અદા કર્યું છે. ડો. પરમાર લોકોને અપીલ કરતા જણાવે છે કે વધુને વધુ લોકો આ મહાદાનના યજ્ઞમાં જોડાઈ પ્લાઝમારૂપી આહૂતી આપી કોરોના મુક્ત ભારત અભિયાનને સફળ બનાવે.

પ્લાઝમા સેન્ટર ખાતે કાર્યરત ડો. કૃપાલ પુજારા જણાવે છે કે અત્યાર સુધીમાં ૨૭૫ યુનિટ  પ્લાઝમા કલેક્ટ કરવામાં આવ્યું છે, તેમજ ૨૬૦ યુનિટ પ્લાઝમા જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક પૂરું પાડવામાં આવ્યું છે. હજુ પણ મહત્તમ લોકો પ્લાઝમા દાન કરી કોરોનના દર્દીઓને મદદરૂપ બને તેમ લોકોને ખાસ અપીલ કરતા જણાવે છે કે, શરીરમાં એન્ટિબોડીઝ બને તે અન્ય કોઈને આપવાથી આપણા શરીરમાં કોઈ નુકશાન થતું નથી તેમજ નવા એન્ટિબોડીઝ સતત બનતા રહેતા હોઈ કોઈપણ વ્યક્તિ એકથી વધુ વખત પ્લાઝ્મા ડોનેટ કરી શકે છે. તેમની રોગપ્રતિકારક શક્તિમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી.  પ્લાઝ્મા ડોનેશન પ્રોસેસ કમ્પ્લીટલી ડિસ્પોઝેબલ કીટ દ્વારા કરવામાં આવે છે, જેથી કોઈપણ પ્રકારનો ચેપ લાગવાનો ભય રહેતો નથી.   

*******

loading…