VDR MLA

ધારાસભ્યશ્રીએ તેમના પત્ની અને પૌત્રની સરકારી હોસ્પિટલમાં કરાવી કોવિડની સારવાર

VDR MLA

ધારાસભ્યશ્રીએ તેમના પત્ની અને પૌત્રની પોતાના મત વિસ્તારમાં આવેલી સરકારી હોસ્પિટલમાં કરાવી કોવિડની સારવાર

ગોત્રી હોસ્પિટલમાં સ્વજનોની સંતોષજનક સારવાર અને રોગ મુક્તિથી તેમનો વિશ્વાસ સાર્થક થયો

વડોદરા, ૦૭ નવેમ્બર: સરકારી હોસ્પિટલોએ કોવિડ મહામારીમાં કુશળતાપૂર્વક સારવાર કરીને દર્દીઓને રોગમુક્ત કર્યા છે.ખાસ કરીને વડોદરાની સયાજી અને ગોત્રી હોસ્પિટલો ની ખાસકોવિડ સારવાર સુવિધા ખાતે માર્ચમાં મહામારીની શરૂઆતથી અત્યાર સુધી પોઝિટિવ દર્દીઓની અવિરત સારવાર સેવા કરવામાં આવી છે. તાજેતરમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને વરિષ્ઠ ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ સુખડીયાના ધર્મપત્ની કુસુમબહેન અને પૌત્ર રાજને કોરોનાની અસર થઈ હતી.ત્યારે તેમણે એક પળનો વિચાર કર્યા વગર ગોત્રી સ્થિત સરકારી જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ ખાતેની કોવિડ સારવાર સુવિધા ખાતે તેમની સારવાર કરાવવાનો નિર્ણય લીધો હતો.

whatsapp banner 1

ગોત્રીના સરકારી દવાખાનામાં તેમના આ બંને સ્વજનોની બાર દિવસ સુધી કાળજીભરી સારવારથી રોગ મુક્ત થતાં તેમનો વિશ્વાસ સાર્થક થયો તો સરકારી આરોગ્ય સેવાના કર્મયોગી ઓ પ્રોત્સાહિત થયાં છે. માર્ચથી અત્યાર સુધીમાં ગોત્રી દવાખાનામાં ૬૩૦૦ જેટલા કોવિડ પોઝિટિવ દર્દીઓની સારવાર કરવામાં આવી છે એવી જાણકારી આપતાં વહીવટી નોડલ અધિકારી ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે અહીંના તબીબોએ પોતાના જ્ઞાન અને અનુભવની કુશળતા દ્વારા ખૂબ અઘરા કેસો સાજા કર્યા છે અને દર્દીઓને નવું જીવન આપવાના તેમના આ કર્મયોગમાં નર્સિંગ સ્ટાફ,અન્ય સહાયકો અને સફાઈ સેવકોનું એટલું જ સંનિષ્ઠ યોગદાન રહ્યું છે.
સારવાર દરમિયાન કુસુમબહેનને ઓકસીજન આપવાની જરૂર પડી અને ચહેરા પર સોજા આવ્યા ત્યારે જીતુભાઈ ને સહેજ ચિંતા થઈ હતી પરંતુ તબીબો એ પોતાની સારવાર કુશળતા દ્વારા આ મુશ્કેલીનું નિરાકરણ આણી તેમને આશ્વસ્ત કર્યા હતા.

ડો.શીતલ મિસ્ત્રી સાથેના સંવાદમાં જીતુભાઈએ જણાવ્યું હતું કે મારા મત વિસ્તારમાં આવેલી ગોત્રી હોસ્પિટલ ખાતે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા કોવિડ સારવારની જરૂરી આંતર માળખાકીય અને માનવ સંપદાની જે સુવિધાઓ ઊભી કરવામાં આવી તેનાથી હું સુપેરે વાકેફ હતો. અહીં ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના દિશા નિર્દેશો હેઠળ ડો.શીતલ મિસ્ત્રી અને સમગ્ર સ્ટાફ દ્વારા થઈ રહેલી ઉમદા કામગીરી મેં મારી પ્રાસંગિક મુલાકાતો દરમિયાન અનુભવી હતી.એટલે મારા સ્વજનોની સારવાર આ સરકારી દવાખાનામાં કરાવવાનો નિર્ણય લીધો જે સાચો ઠર્યો છે. તેમણે અહીંના તબીબો,નર્સિંગ સ્ટાફ અને સહાયક સ્ટાફ ની સમર્પિત સેવાઓને હૃદયપૂર્વક બિરદાવી હતી.

ડો.મિસ્ત્રીએ જણાવ્યું કે રેમડેસીવિર અને આલબ્યુમીન હિપેરીનના વિનિયોગ થી કુસુમબેનની તકલીફોના નિવારણ પછી તા.૩ જી નવેમ્બરે તેમનો રિપોર્ટ નેગેટિવ આવતાં હાશકારો અનુભવ્યો હતો.ગોત્રી હોસ્પિટલ ખાતે અમે તમામ દર્દીઓની એકસરખી કાળજી લઈને સારવાર કરીએ છે.જીતુભાઈએ અમારી ક્ષમતાઓમાં મૂકેલા વિશ્વાસથી સહુનો ઉત્સાહ વધ્યો છે.