Yogesh Narmada Minister

નર્મદા વિકાસ રાજ્ય મંત્રી એ વરસાદને પગલે સંભવિત પરિસ્થિત અંગે કર્યો વિચાર વિમર્શ

Yogesh Narmada Minister

વડોદરા,૧૪ ઓગષ્ટ ૨૦૨૦ આજવા સરોવર અને વિશ્વામિત્રીના ઉપરવાસના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે અને વધે તો વિશ્વામિત્રી નદીમાં સંભવિત પૂરની પરિસ્થિતિને અનુલક્ષીને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં બચાવ અને રાહતની વ્યૂહરચનાના ભાગરૂપે નર્મદા વિકાસ રાજયમંત્રીશ્રી શ્રી યોગેશભાઈ પટેલ આજે કલેકટર કચેરી ખાતે કલેક્ટરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, પોલીસ કમિશનરશ્રી તથા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજી સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટેના આગોતરા આયોજન અંગે માર્ગદર્શક સુચનાઓ આપી હતી.

રાજ્ય મંત્રીશ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું કે હાલમાં વરસાદ ચાલુ છે અને વિશ્વામિત્રીની સપાટી ૨૦ ફૂટની નજીક છે ,જ્યારે આજવા સરોવરનું લેવલ ૨૧૧ ફૂટ છે. ઉપરવાસમાં જો ભારે વરસાદ થાય તો આજવા સરોવરમાંથી પાણી છોડવું પડે જેને પરિણામે વિશ્વામિત્રીમાં પૂર આવવાની શક્યતાઓ રહેલી છે.

સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવું પડે તો કોવિડની પરિસ્થતિ ધ્યાને લઇ જરૂરી આશ્રયસ્થાનો નિયત કરવા ,આશ્રય સ્થાનોની સાફ-સફાઈ, ફૂડ પેકેટ,પીવાનું પાણી,આરોગ્ય સેવાઓ માટે જરૂરી વ્યવસ્થા કરવા તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સુચનાઓ આપી હતી.

મંત્રીશ્રીએ સંભવિત પૂરની સ્થિતિમાં પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓનું પણ જો સ્થળાંતર કરવું પડે તો તે અંગેની આગોતરી વ્યવસ્થા કરવા તેમને મહાનગરપાલિકાના તંત્ર વાહકોને જણાવ્યું હતું

મંત્રીશ્રીએ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરને સતત ચોવીસ કલાક કાર્યરત કરી લોકોની મદદ માટે અધિકારીઓની નિમણૂક કરવા જણાવ્યું હતું..