civil hospital

કોરોનાગ્રસ્ત દર્દી અને તેમના સ્નેહીજનો વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવી રહ્યા છે “મેડીકલ કાઉન્સિલર”

civil hospital

દર્દી, ડૉક્ટર્સ, મેડીકલ, નોન-મેડીકલ સ્ટાફ અને દર્દીના પરિવારજનો વચ્ચેની કાયમી કડી એટલે “મેડીકલ કાઉન્સિલર”

ખાસ અહેવાલઃ રાહુલ પટેલ

કોરોનાના કપરાકાળમાં લોહીનો સંબંધ ધરાવતા વ્યક્તિઓ પણ કોરોનાગ્રસ્તથી દુર ભાગી રહ્યા છે તેવા સમયમાં મેડીકલ કાઉન્સિલર તેમના પડખે ઉભા રહી સતત ૨૪ X ૭ સેવા-સુશ્રૃષા કરી રહ્યા છે. દર્દીઓ સાથે સતત વાતચીત કરીને તેમની તમામ જરૂરિયાતોને પૂર્ણ કરી રહ્યા છે મેડીકલ કાઉન્સિલર.

કોરોના હોસ્પિટલના મેડીકલ વોર્ડ હંમેશાં આપણને તમે જમ્યા ? પાણી પીવું છે ? જ્યુશ પીવું છે કે ચા ? હવે તેમને કેવું છે ? તમારે પરિવાર સાથે વિડીયોકોલ કરવો છે ? આ પ્રકારના એટલે કે દર્દીની સતત ચિંતા કરતા પ્રશ્નો પૂછી રહ્યા છે મેડીકલ કાઉન્સિલર. તેઓ માત્ર પ્રશ્ન પૂછીને સાંત્વના જ નથી આપતા પરંતુ જો કોઈ દર્દી ન જમ્યા હોય તો તેને પોતાના હાથે જમાડે છે, પાણી પીવડાવે છે અને નિયમિતપણે દવા લેવા માટે યાદ પણ કરાવે છે તેમજ સતત કોરોનાના દર્દી સાથે વાતચીત કરીને તેમનું મન તંદુરસ્ત રહે અને એકલતા દુર થાય તે માટે પ્રયત્નશીલ રહે છે.

મે મહિનાની ભયંકર ગરમી હોય કે અત્યારના ભેજયુક્ત વાતાવરણમાં છેલ્લા ૬૦ દિવસ કરતાં પણ વધારે દિવસથી સતત આઠ કલાક પીપીઈ કિટ પહેરીને કોરોનાગ્રસ્ત દર્દીઓની તેમના પરિવારજનો કરતાં પણ અધિક ચિંતા કરીને તેમની સેવા કાઉન્સિલર્સ કરી રહ્યા છે તે કહેવું જરાપણ અતિશયોક્તિપૂર્ણ નથી.

કોરોનામાં એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ઝડપથી સંક્રમણ ફેલાય છે જેથી કોરોનાના દર્દી પાસે તેમના સગાઓને રહેવા દેવામાં આવતા નથી ત્યારે પોઝિટિવ દર્દીઓ વોર્ડમાં એકલા જ હોય છે. ઘણીવાર દર્દીઓ ડરેલા હોય છે તેવા સંજોગોમાં કાઉન્સિલરની ટીમ દરરોજ તેમની સાથે વાતચીત કરે છે. કાઉન્સિલર સમક્ષ દર્દીઓ પોતાનું દુખ, દર્દ અને લાગણી વ્યક્ત કરતાં તેમનું મન હળવું થાય તેમજ મનમાંથી કોરોનાનો ડર દુર થાય છે. કાઉન્સિલરની સાથે વાતચીત કરતાંની સાથે જ દર્દીઓમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

કાઉન્સિલર્સ દ્વારા દર્દીઓમાં હકારાત્મકતા જન્મે તેમજ પ્રવૃતિશીલ રહે તે હેતુથી પ્રેરણાત્મક, ધાર્મિક અને આધ્યાત્મિક તેમજ મનનગમતાં પુસ્તકો વાંચન માટે આપવામાં આવે છે. સ્વસ્થ દર્દીઓને ભજન ગવડાવે તેમજ ગરબા પણ રમાડે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓથી દર્દીઓ સતત હસતા રહે છે. ખરેખર આ પણ એક ટ્રીટમેન્ટનો જ ભાગ છે. કોરોનાને ઝડપથી હરાવવા માટે સાચા અર્થમાં કાઉન્સિલર પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલમાં ૧૨૦૦ બેડ ડેડિકેટેડ હોસ્પિટલમાં ગુજરાત વિદ્યાપીઠના સમાજકાર્ય વિભાગના એમ.એસ.ડબલ્યુ અને એમ.પી.એસ.ડબલ્યુનો અભ્યાસ કરતા ૩૦ વિદ્યાર્થીઓ ખૂબ જ નિષ્ઠાપૂર્વક કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી રહ્યા છે. દર્દીને તેમના સગા-સબંધીઓ સાથે દરરોજ વિડીયો કોલ કરીને વાતચીત કરાવવી, દર્દી અને સગા બંન્નેના કાઉન્સિલિંગ, દર્દીની વ્યથા સાંભળીને તેમને સાંત્વના આપવાની કામગીરી બખૂબી રીતે નિભાવી રહ્યા છે. આ કાઉન્સિલરોના લીધે અનેક કોરોનાગ્રસ્ત દર્દીઓને ગંભીર સ્થિતિમાં જતા અટકાવાયા છે. ઘણાબધા દર્દીઓના જીવનમાં હાસ્ય પરત લાવી શકાયું છે. છેલ્લા બે મહિનાથી કાઉન્સિલર ઘર-પરિવારથી દુર રહીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી રહ્યા છે.

JP Modi

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. જે.પી.મોદી જણાવે છે કે “છેલ્લા બે મહિનાથી કાઉન્સિલર દર્દીઓની સેવા કરી તેઓ દર્દીઓના સગાની ઉણપને દુર કરે છે. દર્દીઓના સગા-સબંધીઓ સાથે વિડિયોકોલ મારફતે વાતચીત કરાવે છે. ધાર્મિક અને આધ્યાત્મિક પુસ્તકો આપીને દર્દીઓને વ્યસ્ત રાખવાની કામગીરી સુપરે નિભાવે છે. કાઉન્સિલરની અભુતપૂર્વ કામગીરીને હું બિરદાવુ છું.

Dr. Rakesh Joshi

કોવિડ હોસ્પિટલના એડિશનલ મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ કહ્યુ કે “કાઉન્સિલર દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. કોરોનાના દર્દીઓ કાઉન્સિલરની સાથે વાતચીત કરીને લાગણીશીલ બની રડી પણ પડતા હોય છે. ઘણીવાર તેઓને કાઉન્સિલરમાં પોતાના દીકરા અને દીકરીનાં દર્શન થાય છે. જો એક પણ દિવસ કોઈ કાઉન્સિલર ન આવે તો દર્દીઓ મેડીકલ સ્ટાફને પુછે છે કે આજે પેલા ભાઈ કે બહેન કેમ નથી આવ્યા. આમ, દર્દી અને કાઉન્સિલર વચ્ચે એક પ્રકારની આત્મીયતા કેળવાઈ જવાથી ભાવાત્મક સંબંધો બંધાઈ જાય છે”.

અમદાવાદની મેન્ટલ હેલ્થ હોસ્પિટલના સાઈક્રિયાટિક્સ સોશ્યલ વર્કર અર્પણ નાયક જણાવે છે કે “કાઉન્સિલર્સ દર્દી અને દર્દીના સગા વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવી રહ્યા છે. કાઉન્સિલર્સની ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેનાથી મને ટીમ લીડર તરીકે ખૂબજ ગર્વ થાય છે”.

Bhutik Gohil Medical counsellor

કોવિડ હોસ્પિટલમાં કાઉન્સિલરની ફરજ નિભાવી રહેલા ભૌતિક ગોહિલ જણાવે છે કે “અમારા વિભાગના વડા દ્વારા અમને કોરોનાગ્રસ્ત દર્દીઓનું કાઉન્સેલિંગ કરવાનું જણાવાયું ત્યારે હું થોડીક ક્ષણો માટે વિચારમાં પડી ગયો કે દર્દીઓનું કાઉન્સેલિંગ કેવી રીતે કરવાનું પરંતુ બીજી જ ક્ષણે મને વિચાર આવ્યો કે દેશને કપરા કાળમાં મારી જરૂર છે ત્યારે મેં કાઉન્સેલર તરીકે જોડાવાનું નક્કી કર્યું. દર્દીઓને સેવા કરવાથી અમને આત્મસંતોષ પ્રાપ્ત થાય છે. હોસ્પિટલમાંથી જ્યારે દર્દી હસતા મુખે સ્વગૃહે પરત ફરે છે ત્યારે અમારા મુખ પર પણ પ્રસન્નતા છવાઈ જાય છે. કોરોનોગ્રસ્ત દર્દીઓ સાથે અમારે લાગણીનો સંબંધ બંધાઈ જાય છે”.

Aarati Joshi Medical counselor

કોવિડ હોસ્પિટલમાં કાઉન્સિલર તરીકે ફરજ બજાવતા આરતી જોશી જણાવે છે કે “કોરોનાનો ડર દરેક વ્યક્તિમાં ઘૂસી ગયો હતો. મારા પરિવારજનો પહેલા તો મને કાઉન્સિલર તરીકે જોડાવા મંજૂરી નહોતા આપતા. આ ડ્યુટીમાં જોડાવા મને મંજૂરી આપે તે માટે સૌથી પહેલાં મેં મારા પરિવારજનોનું કાઉન્સિલિંગ કર્યું. મારા પરિવારે મને દસ દિવસ પછી કોરોના હોસ્પિટલમાં ફરજ બજાવવા માટે મંજૂરી આપી હતી. અમે ગાંધી વિચાર સાથે જોડાયેલા છીએ આવા જ સમયે સમાજની સેવા કરવાનું અમારું કર્તવ્ય બને છે. જ્યારે દર્દીઓ એકલા હોય છે ત્યારે તેઓ શારીરિક કરતાં માનસિક રીતે વધારે અસ્વસ્થ્ય હોય છે. દર્દીઓ અમારી પાસે પોતાના પરિવારજનોની જેમ જ પોતાનું દુખ વ્યક્ત કરે છે. અમે તેમના પરિવારજનોની ખોટ સાલવા દેતા નથી. દર્દીઓ અમને હંમેશાં યાદ કરવા માટે જણાવે છે અને અમને ખુશ રહેવા માટેના આશીર્વાદ આપે છે ત્યારે અમારા સૌના મનમાં આત્મસંતોષની લાગણી જન્મે છે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, કાઉન્સિલર બહેનો દ્વારા રક્ષાબંધનનની ઉજવણી કરવામાં આવી હતી. જો કોઈ મુસ્લિમ ભાઈ-બહેન હોય તેમને ઈદ પણ મુબારક પણ પાઠવે છે.