કોંગ્રેસે APMC એકટ નાબૂદીની વાત કહી હતી તે કોંગ્રેસ ફેરવી તોળી હવે ખેડૂત આંદોલનમાં કૂદી પડી છે: મુખ્યમંત્રીશ્રી

CM Rupani 1709 edited

૨૦૧૯ના ચૂંટણી ઢંઢેરામાં જે કોંગ્રેસે APMC એકટ નાબૂદીની વાત કહી હતી તે કોંગ્રેસ ફેરવી તોળી હવે ખેડૂત આંદોલનમાં કૂદી પડી છે તે જ બતાવે છે કે ખેડૂતોના હિતની વાત નહિ કોંગ્રેસનો પોતાનો રાજકીય એજન્ડા છે:- મુખ્યમંત્રીશ્રી

  • કોંગ્રેસ દર વખતે પોતાના રંગ અને વલણ બદલતી રહે છે
  • કોંગ્રેસનું તો લોકસભા ચૂનાવથી માંડી પંચાયત સુધી નામોનિશાન ખતમ થઇ ગયું છે હવે પ્રજાએ પણ જાકારો આપ્યો છે ત્યારે મગરના આંસુ સારવા બંધ કરો
  • શરદ પવાર-યોગેન્દ્ર યાદવ-અખિલેશ યાદવ જેવા નેતાઓ મૂખડા દેખો દર્પણ મેં-બેવડા ધોરણો છોડો
  • મોદી સરકારે ખેડૂતોના હિતના નક્કર સૂઝાવો-સૂચનો માટે ખૂલ્લું મન રાખ્યું છે ત્યારે આંદોલનને રાજકીય રંગ આપી ખેડૂતોને ગૂમરાહ કરવાનું બંધ કરો
  • ગુજરાતમાં ખેડૂત વર્ગોનો બંધને કોઇ ટેકો કે સમર્થન નથી
  • રાજ્યમાં બળજબરી-ધાકધમકીથી બંધ કરાવનારા તત્વો સામે કડકાઇથી કામ લેવાશે


ગાંધીનગર, ૦૭ ડિસેમ્બર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તા.૮ મી ડિસેમ્બરે આપવામાં આવેલા ભારત બંધના એલાનને કોંગ્રેસ અને રાજકીય પક્ષો દ્વારા ખેડૂતોના નામે પોતાના રાજકીય રોટલા શેકવાનું ષડયંત્ર ગણાવ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષો મોદી સરકાર વિરૂદ્ધ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા આ આંદોલનમાં ખેડૂતોના નામે કૂદી પડી છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, કોંગ્રેસ દર વખતે પોતાના વલણ અને રંગ બદલતી રહે છે જે કોંગ્રેસે ર૦૧૯માં પોતાના ચૂંટણી ઢંઢેરામાં કહેલું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો APMC એકટ નાબૂદ કરશે. અને તમામ બંધનો હટાવી લેશે.

આજે જ્યારે મોદી સરકારે ખેડૂતોના હિતમાં આ પગલું લીધું ત્યારે એ જ કોંગ્રેસ ખેડૂતોના નામે મોદી સરકાર વિરૂદ્ધ આંદોલન કરવા નીકળી પડી છે, એ જ બતાવે છે કે તેમના હૈયે ખેડૂતોનું હિત નહિ પોતાનો રાજકીય એજન્ડા જ રહેલો છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કોંગ્રેસ પહેલાં પ્રજાને જવાબ આપે કે ભૂતકાળમાં તમે જ આ સુધારાઓ, APMC એકટ નાબૂદીની વાત કરી હતી. હવે આ તો મોદી સરકાર જશ લઇ જશે તેવો ભય લાગતાં કેમ ફેરવી તોળો છો? તેમણે ગાંધીનગરમાં પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જ્યારે ખેડૂત નેતાઓએ પણ સ્પષ્ટતા કરી છે કે અમારા આંદોલનમાં કોઇ રાજકીય પાર્ટીને જોડીશું નહિ, ત્યારે કોંગ્રેસ સહિતના વિપક્ષો સામે ચાલીને આ બંધના સમર્થનમાં વણ નોતર્યા કૂદી પડયા છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇએ ખેડૂતોના નામે મગરના આંસુ સારનારા કોંગ્રેસીઓ અને વિપક્ષોને જવાબ આપતાં કહ્યું કે, કોંગ્રેસનું તો અસ્તિત્વ જ ખતમ થઇ ગયું છે. લોકસભા-વિધાનસભા ચૂનાવથી માંડીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસ નામશેષ થઇ ગઇ છે.
પ્રજા હવે કોંગ્રેસ સાથે નથી અને કોંગ્રેસની રાજકીય દાવાપેચની નીતિઓને બરોબર ઓળખી જઇ જાકારો આપી દીધો છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, કોંગ્રેસના તત્કાલિન પ્રમુખ રાહુલ ગાંધીએ તો ર૦૧૩માં કોંગ્રેસશાસિત રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે બેઠક કરીને APMCને બદલે ECA લાવવાની અને ફળફળાદિ તથા શાકભાજીને ડીલીસ્ટ કરવાની વાત કરી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ ઉમેર્યુ કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા શરદ પવારે પણ તેઓ જ્યારે કૃષિમંત્રી હતા ત્યારે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર પાઠવીને મંડી એકટ હટાવવાની વાત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ કોંગ્રેસ અને વિપક્ષોના દાંત દેખાવડવાના અને ચાવવાના જુદા જુદા છે તેવા બેવડા વલણની આલોચના કરતાં સ્પષ્ટપણે કહ્યું કે મનમોહનસિંહજીની સરકારમાં સામેલ NCP સહિતના બધા પક્ષો APMC એકટ હટાવવાનું સમર્થન કરતા હતા ને હવે મોદી સરકારનો વિરોધ કરવાનું રાજકીય તરકટ કિસાનોના નામે ચલાવે છે.

તેમણે ઉમેર્યુ કે, જે યોગેન્દ્ર યાદવ આજે કિસાનોના નામે આંદોલનને ટેકો આપવા નીકળ્યા છે તે જ યોગેન્દ્ર યાદવ ર૦૧૭માં તેમણે કરેલી ટવીટ જોઇ લે. યોગેન્દ્ર યાદવે એ ટવીટમાં પ્રધાનમંત્રી શ્રી નરેનદ્રભાઇ મોદીને APMC એકટ સહિત ખેડૂત કાનૂન સુધારા માટે કહેલું એ જ યાદવ આજે માત્ર પોતાનું રાજકીય હિત સાધવાના ઉદેશ્યથી વિરોધ કરે છે. આ બધા જ પક્ષો પોતાનું રાજકીય અસ્તિત્વ ટકી રહે, યેનકેન પ્રકારે લોક નજરમાં રહી શકાય તેવા ઉદેશ્યથી ખેડૂતોના નામે આંદોલનમાં સામેલ થઇ કિસાનોને ભ્રમિત કરે છે એમ મુખ્યમંત્રીશ્રીએ સાફ શબ્દોમાં જણાવ્યું હતું. શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ જે આ શંભુમેળામાં જોડાઇને ખેડૂતોના નામે રાજનીતિ કરવા નીકળ્યા છે તેમના પિતા મુલાયમસિંહ યાદવે પણ UPAના સમયમાં APMC એકટ હટાવવાનું સમર્થન કરેલું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ખેડૂત હિતકારી અનેક નિર્ણયો કર્યા છે. લઘુત્તમ ટેકાના ભાવો MSPનો વ્યાપ વધાર્યો છે. MSP પર વિશેષ ઝોક આપીને ખેડૂતની પડખે ઊભી રહી છે. આ નવા સુધારા કાયદાથી મોદી સરકાર ખેડૂતોને પોતાની પેદાશ દેશમાં ગમે ત્યાં વેચવાની છૂટ આપી રહી છે અને ખેડૂતને આર્થિક સક્ષમ બનાવવાની દિશા આપી રહી છે ત્યારે ખેડૂતોને ગૂમરાહ કરવા નીકળેલા વિપક્ષોની કોઇ ચાલ સફળ નહિં થાય એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સરકારે આ સુધારાઓ અંગેના નક્કર સૂઝાવો, યોગ્ય સૂચનો માટે ખૂલ્લું મન રાખીને તે આવકાર્ય છે એમ જણાવેલું છે. ખેડૂતોના હિતમાં સરકારે જ્યારે સૂચનો-મંતવ્યો આવકાર્યા હોય ત્યારે વિપક્ષો ખોટી માંગથી આંદોલનનો રાજકીય રંગ આપવાની પેરવી કરે છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં આ ખેડૂત આંદોલનને કોઇ ખેડૂતોનો ટેકો મળ્યો નથી તેમ સ્પષ્ટ જણાવતાં ઉમેર્યુ કે, ગુજરાતમાં પાછલા ૩ વર્ષમાં સરકારે ૧પ હજાર કરોડથી વધુની ખેતપેદાશો ટેકાના ભાવે ખરીદીને જગતના તાતને આર્થિક સક્ષમ બનાવ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં આવતીકાલે આંદોલન કે બંધના નામે બળજબરીથી બંધ કરાવનારા અને કાયદો વ્યવસ્થાની સ્થિતી ડહોળવા માંગતા તત્વો સામે કડક પગલાંથી કામ લેવાશે એમ સાફ શબ્દોમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્યમાં બંધને સફળતા મળશે નહિ અને જે APMC પોલીસ બંદોબસ્ત ની માંગ કરશે તેને પૂરતો બંદોબસ્ત પણ સરકાર આપશે. મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રજા સમક્ષ આ આંદોલન સંદર્ભે સાચી વાત મૂકી છે.