jordan whitt FKBg2JNYFFc unsplash 1 edited

બોલો, આજે કયા પ્રકારનો વરસાદ આવ્યો ?!!

૧૨ પ્રકારના વરસાદની ભીની ભીની વાતો

simon z acqxnHjU7T8 unsplash edited

કદીય ન સાંભળ્યા હોય એવા વરસાદના નામો-પછેડી વા, મોલ મે, પાણ મુક, ઢેફા ભાંગ

સોનલ જોષીપુરા, રાજકોટ

વરસાદથી ઘર બગડયાનો છણકો કરતી શહેરી મહિલાને વરસાદના મહત્વની શું ખબર પડે ? વરસાદની જરૂરિયાત તો ખેતર ખેડીને બેઠેલા ગામડાંના ખેડૂતની ધણિયાણીને પૂછો… એમને માટે ભગવાન પછીનું બીજું સ્થાન વરસાદનું ગણાવશે. વરસાદ પોતે જ એટલી મજેદાર વાત છે કે, એના વિષે વધારે તો શું કહેવું ? નહાવું, પલળવું, ભીંજાવું, તરબતર થવું, વરસાદમાં ભીના થવાના પણ જો આટલા પ્રકાર હોય તો વરસાદના પોતાના કેટલા પ્રકાર હશે,એ જાણવાની મોજ પડશે. પરંતુ એક શરત એ છે, કે આગળ વાંચતા પહેલાં વરસાદમાં નહાવું ફરજિયાત છે…!

photo nic co uk nic Qu dnz Kqgw unsplash edited

ગુજરાતી લોકાચાર પ્રમાણે આપણા પૂર્વજોએ વરસાદના બાર પ્રકાર પાડયા છે, જેમાંથી અમુક નામો લોકજીભે ચડયા છે, પરંતુ અમુક નામો તો હજુ પણ અજાણ્યા જ રહી ગયા છે, આજે એ તમામ વિષે થોડું જાણીએ.વરસાદનો પહેલો પ્રકાર છે-ફરફર વરસાદ. સાવ ઓછા પ્રમાણમાં જે વરસાદ આવે અને જેનાથી નજીવા ભીના થવાય, એ ફરફર વરસાદ. છાંટા વરસાદ એ બીજા પ્રકારનો વરસાદ છે, જે ફરફર કરતાં થોડા વધુ પ્રમાણમાં હોય. વરસાદનો ત્રીજો પ્રકાર છે-ફોરાં. અગાઉના બંને વરસાદ કરતાં સ્હેજ વધુ વરસાદ કે જે જમીનને ઉપરછલ્લી પલાળે તે ફોરાં વરસાદ. કરા પ્રકારના વરસાદથી પણ માણસો પરિચિત હોય જ છે.

હવે આવે છે વરસાદનો એવો પ્રકાર, જેનાથી સામાન્ય માણસો બહુ જાણતા નથી, એ છે-પછેડી વા વરસાદ. વ્યક્તિ પાસે પછેડી (અથવા અત્યારની યુવતીઓ પાસે સ્ટોલ..!) હોય અને એ માથે ઢાંકવાથી પલળવામાંથી બચી જવાય, એટલો વરસાદ એટલે પછેડી વા વરસાદ. એવો જ એક ઓછો જાણીતો વરસાદ છે, મોલ મે. ખેતર ખેડીને ખેડૂત આતુર નજરે જે વરસાદની રાહ જોતો હોય અને ધરતીને તરબતર કરી મુકે એવો મેહ એટલે મોલ મે.

વળી પાછા વરસાદના એક નવતર પ્રકારની વાત કરીએ-ઢેફાંભાંગ વરસાદ. ખેડાઇ ગયેલા ખેતરની ઢેફાંબંધ માટીને પલાળીને તેનો ગારો કે કીચડ કરી નાખે તે ઢેફાંભાંગ વરસાદ. કુવાની સપાટી ઉંચી આવી જાય તેવો વરસાદ એટલે પાણ મૂક વરસાદ.

jordan whitt FKBg2JNYFFc unsplash 1 edited

અનરાધાર વરસાદ એટલે એવી રીતે એકધારો પડતો વરસાદ, કે જાણે વરસાદની ધાર થતી હોય એવું લાગે. અનરાધાર વરસાદની આવી વ્યાખ્યા તો તમને ખબર જ નહોતી ને…મુશળધાર એટલે બે કે વધુ ધારા ભેગી થઇને આખા ગામને ધમરોળે એવો ગાંડો વરસાદ. નેવાધાર વરસાદ એટલો જાણીતો છે કે એના વિષે કંઇ લખાય તો એ વરસાદનું અપમાન કર્યું ગણાશે.

અને અંતે, હેલી એટલે ઉપરના અગિયારેય પ્રકારના વરસાદ વારાફરતી સાત દિવસ સુધી રોજ વરસતા રહે એ હેલીનો વરસાદ.

કમોસમી વરસાદને માવઠું કહેવાય, ખૂબ વરસાદને લોકબોલીમાં સૂપડાંધાર કે સાંબેલાધાર વરસાદ કહેવાય. અને મચ્છરિયો વરસાદ પણ હોય જ છે ને… ટૂકમાં, બારેય મેઘ ખાંગા થયા, એવું કયારેક સાંભળવામાં આવે તો બાર મેઘ વળી કયા, એવો સવાલ ન થાય, એ માટે જરા આટલું…