Surat dr

દર્દીઓની સેવા કરતાં સ્મીમેરના કોરોના વોરિયર દંપતિ ખુદ દર્દી બની ગયા

સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતાં ટેલર દંપતિ એકસાથે કોરોનાગ્રસ્ત બન્યુ, સ્વસ્થ થઈને એક સાથે ફરજ પર જોડાયા

પતિ-પત્નીએ ૧૫ દિવસમાં કોરોનાને આપી મ્હાત

સારવાર લઈ સ્વસ્થ બન્યા બાદ અમે ફરી એક વાર દર્દીઓની સેવામાં લાગી જઈશું એવો નિર્ધાર કર્યો હતો: વિકાસ ટેલર

Surat dr

રિપોર્ટ:પરેશ ટાપણીયા,સુરત

સુરત:મંગળવારઃ- કોરોનાગ્રસ્તોની સારવાર કરતાં અનેક ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ કોરોનાનો ભોગ બને છે, પરંતુ ઈશ્વરીય કાર્ય માટે સમર્પિત આ કોરોના યોદ્ધાઓ સ્વસ્થ થઈને ફરીવાર દર્દીઓની સેવામાં જોડાઈ જાય છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતાં કોરોના વોરિયર એવાં ટેલર દંપતિ સમાજ માટે પ્રેરણારૂપ બન્યાં છે, જેઓ દર્દીઓની સેવા કરતાં કરતાં ખુદ દર્દી બની ગયા.. સ્મીમેર હોસ્પિટલની ફરજ દરમિયાન ટેલર દંપતિ એકસાથે કોરોનાગ્રસ્ત બન્યુ, ૧૫ દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈને એક સાથે ફરજ પર પણ જોડાઈ ગયાં છે.    
આ કોરોના યોદ્ધા છે વિકાસ ટેલર સ્મીમેર હોસ્પિટલમાં રેડિયોગ્રાફી ટેક્નિશીયન શ્રી વિકાસ ટેલર અને આ જ હોસ્પિટલમાં તેમની સાથે સ્મીમેરમાં હેડ નર્સ તરીકે ફરજ બજાવતાં તેમના ધર્મપત્ની રેખા વિકાસ ટેલર.
  મૂળ નવસારીના વતની અને હાલ રાંદેરના ઊગત રોડ વિસ્તારમાં રહેતા આ દંપતિ તા.૦૭ જુલાઈના રોજ કોરોનાગ્રસ્ત બન્યાં અને ૧૫ દિવસની સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ જતાં તા.૨૪ જુલાઈના રોજ દર્દીઓની સેવા માટે ફરજ પર એકસાથે જ હાજર થઈ ગયા હતાં. આ દંપતિ ખરા અર્થમા કોરોના વોરિયર્સ બન્યાં છે, જેમણે સારવાર મેળવ્યાં બાદ તેમનો રિપોર્ટ પણ નેગેટિવ આવતાં ઘરે બે દિવસનો આરામ કરી ફરજ પર જોડાઈ ગયા છે.
  સ્મીમેરના ૫૪ વર્ષીય રેડિયોગ્રાફી ટેક્નિશિયનશ્રી વિકાસભાઈ ટેલરે જણાવ્યું હતું કે, મને અને મારા ધર્મપત્નીને એક સાથે જ કોરોના લક્ષણ જણાયા હતાં, જેથી કોરોના ટેસ્ટ કરાવતા બંનેના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા અને એક સાથે સ્મીમેરના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમને સ્મીમેરના સાથી ડોક્ટરોએ કોરોના સામે જંગ જીતવાની પ્રેરણા આપી હતી. ઉપરાંત સ્મીમેરમાં ફરજ દરમિયાન સતત કોરોનાના દર્દીઓ તેમના સગાવ્હાલાની સેવા મદદના કારણે માનસિક રીતે મનોબળ પણ મજબૂત બન્યું હતું. ૧૫ દિવસ સારવાર લીધા બાદ તા.૨૧ જુલાઈના રોજ કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા ઘરે પરત ફર્યા હતા, જ્યાં બે દિવસ આઈસોલેશનમાં રહી અમે પતિપત્ની તા.૨૪મી જુલાઈના રોજ એક સાથે ફરજ પર હાજર થયાં હતાં.
  કોવિડ દર્દીઓની સારવાર કરતાં ૫૨ વર્ષીય હેડ નર્સ શ્રીમતી રેખાબેન ટેલરે જણાવ્યું કે, હું સ્મિમેર હોસ્પિટલમાં કોરોના મહામારીની શરૂઆતથી જ કોવિડ૧૯ વોર્ડમાં ફરજ નિભાવું છું. કોરોના પોઝીટીવ દર્દીઓની સેવા અને સારવાર દરમિયાન અચાનક તા.૦૭ જુલાઈના રોજ મને કોરોનાના પ્રાથમિક લક્ષણો જોવાં મળ્યાં હતાં, સ્મીમેરમાં જ અમારો રિપોર્ટ પોઝિટીવ આવ્યો. અમારી પાસે ઘરે રહીને પણ સારવાર લેવાનો વિકલ્પ હતો, પરંતુ ઘરે મારા વયોવૃદ્ધ સાસુ તેમજ ઘરના અન્ય સભ્યોને પણ કોરોનાનું ઇન્ફેકશન લાગવાનો ભય હતો, જેથી સ્મીમેરમાં ૧૫  દિવસ સારવાર મેળવી હતી. મારો પુત્ર પણ કોવિડ વોર્ડમાં સ્મિમેર હોસ્પિટલમા મેલ નર્સ તરીકે ફરજ બજાવી રહ્યો છે. સારવાર લઈ સ્વસ્થ બન્યા બાદ અમે ફરી એક વાર દર્દીઓની સેવામાં લાગી જઈશું એવો નિર્ધાર કર્યો હતો. કારણ કે દર્દીની સેવા કરવી એ જ અમારૂં કામ અને નૈતિક કર્તવ્ય પણ છે.
સ્મીમેરની સારવારમાં એલોપેથીક દવાઓની સાથે આપણી આયુર્વેદિક ઔષધીય પદાર્થો, ઉકાળાનું પણ સેવન શરૂ કર્યું હતું. ડોક્ટર્સ અને મેડીકલ સ્ટાફના સતત મોનિટરીંગના    પરિણામે ક્રમશ: સ્વાસ્થ્યમાં સુધારો થયો અને આજે અમે પતિપત્ની ફરીથી સ્મીમેરમાં ફરજ નિભાવી રહ્યાં છીએ એમ ટેલર દંપતિએ જણાવ્યું હતું.
  પ્રેરણાનો સ્ત્રોત બનેલા ટેલર દંપતિની કર્તવ્યપરાયણતાને સલામ છે.. જેઓ કોરોનાની લડાઈ જીત્યા અને ફરી એક વાર નિષ્ઠાપૂર્વક સેવારત બન્યા છે..