Kamlesh Yagnik

કોવીડ-19 સંક્રમણ અને સૂરત:કમલેશ યાજ્ઞિક

Kamlesh Yagnik
કમલેશ યાજ્ઞિક
ચેરમેન, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, સુરત

સુરત, આજે વિશ્વમાં ફેલાયેલી કોરોના વાયરસની મહામારીને કારણે પ્રત્યેક દેશમાં સામાજીક અને આર્થિક ક્ષેત્રે અવ્યવસ્થા સર્જાઈ છે. આપણાં ભારત દેશમાં વધતી વસ્તીનાં પ્રમાણમાં અન્ય વિકસીત દેશોની સરખામણીએ આંશિક રીતે કોવીડ-19ની અસર ખાળી શકાઈ છે. ગુજરાત રાજ્યમાં સરકારી, અર્ધસરકારી અને બીનસરકારી સંસ્થાનો આ સંક્રમણને નાથવા સતત પ્રયત્ન કરી રહ્યાં છે. આપણાં શહેર સુરતને સંક્રમણથી સુરક્ષિત રાખવા માટે નાણા વિભાગના સચિવ શ્રી મિલિંદ તોરવણે, સુરત મહાનગર પાલિકાનાં કમિશ્નરશ્રી બંછાનિધિ પાની, પોલીસ કમિશ્નરશ્રી રાજેન્દ્ર બ્રહ્મભટ, કલેક્ટરશ્રી ધવલ પટેલ અને તમામ વોરિયર્સ…. તબીબો, નર્સ, સ્ટાફ અને સમગ્ર ટીમ દ્વારા કરાયેલા પ્રયાસોની સરાહના કરુ છું. તેઓની સાથે સુરતની સર્વ સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરાયેલા યોગદાનને સુરત લાંબા સમય સુધી યાદ રાખશે જે તેની મને ખાત્રી છે.  કોવીડ-19 સંક્રમણને કારણે શિક્ષણની દશા કેવી રહીં અને હવે પછીની દિશા કેવી રહેશે તેની ટુંકમાં છણાવટ કરવાનો મારો પ્રયત્ન છે. સુરતની એક આગવી તાસીર છે અને પાછલાં એક સૈકાનો ઇતિહાસ તપાસીએ તો માલુમ પડે કે સુરતે કેટકેટલી કુદરતી અને માનવસર્જીત આફતોનો સામનો કર્યો છે અને હમેંશા સમયનાં જે તે અનુભવોને આધીન નવી શીખ મેળવી આગળને આગળ જ વધતું રહ્યું છે.

ગ્રીસ દંતકથાઓમાં એક એવા પક્ષીનો ઉલ્લેખ આવે છે જેની ઉંમર થઇ જાય એટલે તે સળગી ઉઠે, મૃત્યુ પામે અને મૃત્યું પામ્યાની થોડી ક્ષણોમાં જ તે રાખમાંથી બેઠુ થાય. સતત આવતી મુસીબતોનો સામનો કરતા કરતા સુરત શહેર હમેંશા રાખમાંથી માત્ર બેઠુ જ નથી થયું પણ પહેલાં કરતાંય તેણે વધું સારી ઉજ્જવળત્તા પ્રાપ્ત કરી છે. વર્ષ 1968, 1994, 1998, 2002 અને ઐતિહાસીક એવા 2006 ની સાલનાં પુરની પરીસ્થિતીઓ તારાજી પછી સુરતે જે સિધ્ધિઓ હાંસલ કરી છે તેનો ઇતિહાસ સાક્ષી છે. 1994માં આવેલ પ્લેગ તારાજી બાદની સ્થિતી પણ આ વાતની જ સાબીતી છે. આફતને અવસરમાં પલટાવવાનો આપણા સુરતનો સ્વભાવ છે. 

શિક્ષણ નો જીવ છું ….એટલે થોડી  શિક્ષણ ની પણ વાત કરી લઉં…….
માર્ચ 2020ના અંતથી શરુ થયેલા લોકડાઊનનાં કારણે આજે લગભગ પાંચ મહિનાથી શહેરની સર્વ શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ અને મહાશાળાઓમાં વિદ્યાથીઓ પ્રત્યક્ષ હાજર રહી શક્યા નથી, યોગ્ય રીતે ક્લાસરૂમ વ્યવ્સ્થામાં તાલીમ લઈ શક્યા નથી, પોતાની લાયકાત અનુસાર પરીક્ષા પદ્ધતી દ્વારા તેઓનું મુલ્યાંકન કરાવી શક્યા નથી. સંચાલકો, વાલીઓ, સરકાર અને અન્ય લાગતા વળગતાઓ પડેલ ગૂંચને પોતાની આગવી રીતે ઉકેલી રહ્યા છે અને હાલમાં પણ કોરોનાનો કહેર તીવ્ર બન્યો હોઈ નજીકના ભવિષ્યમાં શાળા-કોલેજો ખુલે તેવી શકયતા નથી ત્યારે શાળાઓ દ્વારા છાત્રોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ઓનલાઈન શિક્ષણ પ્રથા ભવિષ્યમાં ‘ન્યુ નોર્મલ’ તરીકે બહાર ઉભરી રહી છે. આ અંગેનાં પ્રશ્નો ઘણા છે અને તેના નિરાકરણનાં વિકલ્પો પણ ઘણા છે. ટેકનોલોજીનાં વિકાસની સાથે છેવાડાનાં માણસ સુધી આપણે શિક્ષણને પહોંચાડી શકીશું. વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સંચાલકોનાં મિશ્ર અનુભવો રહ્યા, પણ આજની પરીસ્થિતીએ એક નવી બારી ઉઘાડી આપી છે. સ્થળ અને સમયનાં બંધનને બાજુ ઉપર મૂકી શિક્ષણ સહજ્તાથી પ્રાપ્ત કરી શકાય તે આજની પરીસ્થિતીએ આપણને શીખવાડ્યુ છે.
શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓએ એક બીજા સાથે હમેંશા સંપર્કમાં રહેવું જ પડતું હોય છે, તેથી જ જ્યારે પણ આ સર્વ સંસ્થાઓ ખુલે ત્યારે સ્થાનિક સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરેલી માર્ગદર્શિકા અમલમાં આવે તે આપણા સર્વની જવાબદારી છે.
તેમજ હાલની વૈશ્વિક પરીસ્થિતીને ધ્યાનમાં રાખીએ તો શૈક્ષણીક સંસ્થાઓને પૂર્ણત: ધમધમતી કરવા માટે આપણે રાહ જોવી પડશે. કોરોનાં વાયરસ અંગે ભવિષ્ય ભાખવું જરા મુશ્કેલ છે તેમ છતાં આ કોરોનામય વાતાવરણમાં શિસ્ત દ્વારા આપણે આપણા કાર્યો પાર પાડી શકીશું.ચુસ્તપણે કોવિડની ગાઈડ લાઈનનો અમલ અત્યંત જરૂરી બનશે.

સમગ્ર સુરતમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમનું પાલન એકદમ મહત્વનું છે. શાળા કોલેજોમાં જો આ નિયમોનું પાલન ન થાય તો કોરોનાનું સંક્રમણ વધી જાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
કોવીડ-19ને નાથવા માટે સુરતનાં સર્વ નાગરીકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, ઉદ્યોગકારો, સામાજીક સંસ્થાઓ, બીન સરકારી સંગઠનો અને સ્થાનિક સરકારે યોગ્ય નિયમોનું પાલન કરવાની પ્રતીબધ્ધતા દાખવવી પડશે.

This too shall go’ ભગવાનની કોઈ અકળ યોજના જ આ મહામારી માટે કારણભુત છે અને તેમાંથી ચોક્કસબહાર આવવાનો રસ્તો પણ તે જ સુઝાડશે તેવા વિશ્વાશ સાથે મારી વાત પૂરી કરુ છું.