Rajendra Trivedi VDR Collector

ગાય આધારિત પ્રાકૃત્તિક ખેતી માટે રાજય સરકારે પ્રોત્સાહક યોજના અમલી કરી છે: વિધાનસભા અધ્યક્ષશ્રી

  • ગાય આધારિત પ્રાકૃત્તિક ખેતી માટે રાજય સરકારે પ્રોત્સાહક યોજના અમલી કરી છે – વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી
  • વરણામા ખાતે સુશાસન દિવસની ઉજવણી
  • સુશાસન દિન નિમિત્તે મુખ્યમંત્રી કિસાન સહાય અને વિવિધ કલ્યાણકારી યોજનાના જિલ્લાના ૧,૯૭૯ લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા


વડોદરા, ૨૫ ડિસેમ્બર: કિસાન કલ્યાણ માટે સંકલ્પબદ્ધ રાજય સરકારે મુખ્યમંત્રી સાત પગલા ખેડુત કલ્યાણના કાર્યક્રમો અમલી કર્યા છે. સ્વ. અટલ બિહારી વાજપેયીજીના જન્મદિન નિમિત્તે તા.૨૫ ડિસેમ્બરે સુશાસન દિન ઉજવવામાં આવે છે. સુશાસન દિન નિમિત્તે રાજયભરમાં સાત પગલા ખેડુત કલ્યાણના લાભાર્થીઓ અને ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને સાધનસામગ્રી અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતુ. તેના ભાગરૂપે વડોદરાના ત્રિમંદિર વરણામા ખાતે વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને અને કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલની ઉપસ્થિતિમાં સુશાસન દિનની ઉજવણી કરવામાં આવી હતી.

whatsapp banner 1

રાજયની ગતિશીલ અને નિર્ણયશીલ સરકારે ખેડુતોને પ્રોત્સાહન આપવા સકારાત્મક અભિગમ દાખવી કૃષિલક્ષી કલ્યાણકારી યોજનાઓ જાહેર કરી છે. ખેડુતોને ઓછા ખેતી ખર્ચ સાથે વધુ આવક થાય તેવા હિતકારી નિર્ણયો કર્યા છે. ખેડુત તથા રાજય-રાષ્ટ્રની સમૃધ્ધિમાં ઉમેરો થાય તેવા હેતુ સાથે પ્રાકૃત્તિક કૃષિ અને પશુપાલન સહિતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રી કિસાન સહાય કાર્યક્રમ રાજયભરમાં અમલી છે. ઉલ્લેખનીય છે કે, સુશાસન દિન નિમિત્તે વરણામા સહિત જિલ્લાભરમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી કિસાન સહાય અને જુદી-જુદી કલ્યાણકારી યોજનાના જિલ્લાના ૧,૯૭૯ લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા હતા.
વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી કિસાન સહાય કાર્યક્રમ અંતર્ગત રાજય સરકાર ગાય નિભાવણી માટે ખર્ચ આપે છે તે પુણ્યનું કામ છે. ગાય નિભાવણી સાથે તેના છાણમાંથી ખાતર બને છે. ગાય આધારિત પ્રાકૃત્તિક ખેતી માટે રાજય સરકારે પ્રોત્સાહક યોજના અમલી કરી છે. કૃષિ પેદાશોના પરિવહન માટે તથા સંગ્રહ સ્ટ્રકચર માટે સહાય ઉપલબ્ધ કરવામાં આવી છે. શાકભાજી-ફળના વેચાણ માટે નાના ખેડુતોને વિનામૂલ્યે છત્રી સહિત સાત પગલાઓ આવરી લેવામાં આવ્યા છે.

તેમણે વધુમાં કહ્યુ કે, બ્રાઝીલમાં ભારતીય કુળની ગીર ગાયો અને સાંઢ મોકલવામાં આવ્યા હતા અને હાલ ત્યાં ૨૧ કરોડ ગીર ગાય છે. પ્રધાનમંત્રીશ્રી મોદીએ બ્રાઝીલ સાથે કરાર કરી તે ગીર ગાયોના ભૃણોને ભારતની ગાયોમાં પ્રસ્થાપિત કરી ભારતમાં ગીર ગાય સંવર્ધનને વેગ આપવાનું કાર્ય કર્યુ છે. ઉરુગ્વે દેશમાં ૧ કરોડ ૨૦ લાખ જેટલી ગાયો છે ત્યાં દરેક પશુપાલક ગાય પાલન થકી પ્રતિ માસ સવા લાખની આવક રળી શકે છે, તે પશુપાલકો અને ખેડુતો સહિતનાઓ માટે પ્રેરક છે.

વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી અને કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ તથા મહાનુભાવોએ મુખ્યમંત્રી કિસાન સહાય કાર્યક્રમ તથા વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય અને મંજૂરીપત્ર આપી લાભાન્વિત કર્યા હતા. તેઓએ કિસાન પરિવહન યોજનાના લાભાર્થીઓના વાહનને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતુ. ડિજિટલ માધ્યમથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રને સંબોધિત કરી કૃષિ કાયદા વિશે માહિતી આપી હતી. તેમણે દેશના વિવિધ પ્રાંત-રાજયના કૃષિકારો સાથે સંવાદ સાધ્યો હતો. પ્રધાનમંત્રીશ્રી દ્વારા દેશના આશરે ૯ કરોડ ખેડુતોના બેંક એકાઉન્ટમાં સીધી આશરે રૂ.૧૮,૦૦૦ કરોડની રકમ ખેડુતોને આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ડિજિટલ માધ્યમથી જોડાયા હતા. તેમણે સૌની યોજના અને કૃષિ કલ્યાણના કાર્યક્રમો વિશે જણાવ્યું હતુ. તેમણે કહ્યું કે સમતોલ વિકાસ માટે કેન્દ્ર અને રાજય સરકારે કલ્યાણકારી કાર્યક્રમો અમલી કર્યા છે. રાજયના ૨૪૮ તાલુકાઓમાં સામૂહિક કાર્યક્રમ યોજાયો હતો. શાબ્દિક સ્વાગત સંયુક્ત ખેતી નિયામકશ્રી અનિલ પટેલ અને આભાર વિધી જિલ્લા ખેતીવાડી અધિકારી નિતીન વસાવાએ કરી હતી.

આ પ્રસંગે કોરોના વિષયક તથા ઇ-સેવાસેતુ અને કૃષિ કલ્યાણ સંબંધિત ફિલ્મ દર્શાવવામાં આવી હતી. ખેડુતોએ ઓર્ગેનિક સહિત ખેત ઉત્પાદનોના પ્રદર્શન-નિદર્શન સ્ટોલ્સ ગોઠવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એ ડી પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચૌધરી, પ્રાંત અધિકારી ઠુંમર અને ખેતીવાડી, બાગાયત પશુપાલન કચેરીના અધિકારી-કર્મચારીશ્રીઓ તથા ખેડુત ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ત્રિમંદિર વરણામા ઉપરાંત એપીએમસી ડેસર, નગરપાલિકા હોલ, પાદરા, ભીમનાથ મંદિર સાવલી ખાતે, એપીએમસી કરજણ, એપીએમસી શિનોર, સત્તરગામ પટેલ વાડી ડભોઇ અને એપીએમસી વાઘોડીયા ખાતે પણ મહાનુભાવોએ ઉપસ્થિત રહી લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કર્યુ હતુ.

આ પણ વાંચો….

loading…